ગુજરાત(gujarat): જીગ્નેશ મેવાણીને મહેસાણા કોર્ટમાંથી મોટો ઝટકો લાગ્યો છે. તેને ત્રણ મહિનાની સજા ફટકારવામાં આવી છે. આ સાથે એક હજાર રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. જીગ્નેશ મેવાણીની સાથે NCP નેતાઓ રેશ્મા પટેલ અને સુબોધ પરમારને પણ ત્રણ મહિનાની સજા ફટકારવામાં આવી છે. કુલ 12 લોકોને દોષિત ઠેરવવામાં આવ્યા છે. પરવાનગી વગર રેલી કાઢવાનો આ મામલો છે.
જે કેસમાં જીગ્નેશ મેવાણી, રેશ્મા પટેલ અને સુબોધ પરમારને સજા થઈ છે તે લગભગ પાંચ વર્ષ જૂનો છે. વર્ષ 2017માં ધારાસભ્ય જીગ્નેશ મેવાણીની આગેવાનીમાં પરવાનગી વિના આઝાદીકૂચ રેલી કાઢવામાં આવી હતી.આ રેલી પરવાનગી વિના કરવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. હવે આ જ કેસમાં મહેસાણા કોર્ટે તેઓને દોષિત ઠેરવ્યા છે. ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી, NCP નેતા રેશ્મા પટેલ, સુબોધ પરમાર પર રેલી કાઢીને સરકારી જાહેરનામાનો ભંગ કરવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો.
12 જુલાઈ 2017ના રોજ આઝાદી કૂચનું કર્યું હતું આયોજન
તમને જણાવી દઇએ કે, 12 જુલાઈ 2017ના જીગ્નેશ મેવાણીની આગેવાનીમાં ઉનાકાંડની વરસી નિમિત્તે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના નેજા હેઠળ એક આઝાદી કૂચનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આઝાદી કૂચમાં જવાહરલાલ નહેરૂ વિશ્વ વિદ્યાલયના વિદ્યાર્થી નેતા કનૈયા કુમાર પણ ઉપસ્થિત રહ્યાં હતા. આ રેલીમાં તમામ લોકોએ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતાં. જો કે, હવે આ મામલે મહેસાણા કોર્ટે તાજેતરમાં મોટો ચુકાદો આપ્યો છે. જેમાં તમામ 10 લોકોને કોર્ટે 3 માસની સજા ફટકારી છે અને 1 હજારનો દંડ ફટકાર્યો છે.
રેશ્મા પટેલે કહ્યું: અમે કોર્ટના હુકમનું સન્માન કરીએ છીએ પરંતુ….
આ મામલે NCP નેતા રેશ્મા પટેલે જણાવ્યું કે, ‘અમે કોર્ટના હુકમનું સન્માન કરીએ છીએ પરંતુ બીજેપીના રાજમાં જનતા માટે ન્યાય માંગવો પણ ગુનો છે. બીજેપી કાયદાનો ખોટો ડર બતાવી અમારો અવાજ દબાવી નહી શકે. અમે જનતાના ન્યાય માટે હંમેશા લડતા રહીશું.’
હાલમાં જ જીગ્નેશ મેવાણી જામીન પર બહાર આવ્યા
જણાવી દઈએ કે, હાલમાં જીગ્નેશ મેવાણી જામીન પર બહાર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ વિવાદાસ્પદ ટ્વિટ કરવા બદલ આસામ પોલીસે ગુજરાતમાંથી મેવાણીની ધરપકડ કરી હતી. ત્યારબાદ જીગ્નેશ મેવાણીને કોકરાઝાર કોર્ટમાંથી જામીન મળી ગયા.
જોકે, થોડી જ વારમાં પોલીસે જિજ્ઞેશને અન્ય પોલીસ સ્ટેશનમાં મહિલા પોલીસકર્મી સાથે ગેરવર્તણૂક કરવા બદલ ધરપકડ કરી હતી. બાદમાં મેવાણીને આ કેસમાં પણ જામીન મળી ગયા હતા. હાલમાં આસામ સરકારે આ જામીન સામે ગૌહાટી હાઈકોર્ટમાં અપીલ દાખલ કરી છે. આ મામલે હવે 27 મેના રોજ સુનાવણી થવાની છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.