સ્વામિનારાયણ મંદિર પ્રોજેક્ટના નામે કોર્પોરેટર સાથે 1 કરોડની છેતરપિંડી; જાણો જે.કે.સ્વામીનું વધુ એક કારસ્તાન

Surat JK Swamy Scam: આણંદ જિલ્લાના તારાપુરના રીંઝા ગામમાં સાબરમતી નદીના કિનારે પોઇચા જેવો સ્વામીનારાયણ મંદિરનો પ્રોજેકટ તૈયાર કરવા 700 વિંઘા જમીનના સોદોમાં મધ્યસ્થી તરીકે ચાર ભાગીદારો વચ્ચે 25-25 ટકા નફાની લાલચ આપી પુણા બોમ્બે માર્કેટ રોડના ડોક્ટર અને તેના પિતરાઇ પાસેથી રૂ.1.34 કરોડ પડાવનાર જે,કે.સ્વામી અને ટોળકીએ સુરતના ભટાર ખાતે રહેતા ભાજપના(Surat JK Swamy Scam) કોર્પોરેટર પાસેથી પણ રૂ.1.01 કરોડ પડાવ્યા હતા.કોર્પોરેટરે પણ છેવટે સ્વામી, તેમના પી.એ સહિત આઠ વિરુદ્ધ સુરત ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી છે.

ભાજપના કોર્પોરેટર હિમાંશુ રાઉલજીએ ફરિયાદ નોંધાવી
જૂનગાઢના સ્વામીનરાયણના સ્વામી જે.કે સ્વામી સામે ક્રાઇમ બ્રાન્ચમાં ગુનો નોંધાયો છે. જેમાં ભાજપના કોર્પોરેટર હિમાંશુ રાઉલજીએ ફરિયાદ નોંધાવી છે. જેમાં રીંઝા ગુરુકુળના પ્રોજેક્ટ અને મંદિરના નામે એક કરોડ રૂપિયા પડાવ્યા હતા. જેમાં પ્રોજેક્ટ અને મંદિર નહિ બનાવતા આપેલા રૂપિયા વારંવાર માંગતા હાથ અધ્ધર કર્યા હતા. જેમાં સ્વામી સહીત 8 લોકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે તેમજ વધુ તપાસ પોલીસ કરી રહી છે. ક્રાઈમ બ્રાન્ચના સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના ભટાર સ્થિત સુયોગનગર ખાતે ઘર નં.142 માં રહેતા 42 વર્ષીય હિમાંશુભાઈ પ્રવિણસિંહ રાઉલજી સુરત મહાનગરપાલિકામાં ભટાર વિસ્તારમાંથી ભાજપના કોર્પોરેટર છે.

લંપટ સાધુએ આર્થિક ફાયદો થવાની લાલચ આપી
રીંગરોડ જીવનદીપ કોમ્પલેક્ષમાં એડવાઈઝર ફાયનાન્શીયલ સોલ્યુશનના નામે લોન અપાવવાનું કામ કરતા હિમાંશુભાઈ સોશિયલ મીડિયા એટલે કે ફેસબુક મારફતે અમદાવાદના જમીન દલાલ મૌલીક હસમુખભાઈ પરમારના સંપર્કમાં આવ્યા હતા. જેમાં નવેમ્બર 2014માં મૌલિકે આણંદના તારાપુર તાલુકાના રીંઝા ગામમાં સાબરમતી નદીના કિનારે સ્વામીનારાયણ સંપ્રદાયના જૂનાગઢના મહંત જે.કે.સ્વામી પોઇચા ગામના સ્વામીનારાયણ મંદિર જેવો પ્રોજેક્ટ કરવા ઇચ્છે છે અને જમીન લેવાવાળા અને જમીન વેચવાવાળા પણ તૈયાર છે. પરંતુ જે.કે.સ્વામી ડાયરેક્ટ જમીન ખરીદવામાં વિશ્વાસ રાખતા નથી અને ડાયરેકટ રોકાણ કરે તો ફાયદો નહીં થાય અને ફાયદો મેળવવા મધ્યસ્થી રાખે છે તેમ કહી સોદામાં મારી સાથે દલાલ પાર્થ ઉર્ફ મંસુર પણ છે તેમ કહી જે.કે.સ્વામી અને તેમના પી.એ. ભરત પટેલનો મોબાઈલ નંબર આપી વાત કરવા કહ્યું હતું.

સ્વામી અને તેમના પી.એ. અવારનવાર ફોન કરતા
હિમાંશુભાઈએ તેમની સાથે વાત કર્યા બાદ જૂનાગઢ આશ્રમની મુલાકાત કરી હતી. ત્યાં સ્વામી અને તેમના પી.એ.એ બધી વાત કરી સુરેશ ભરવાડ સાથે જમીનનો MOU કર્યા બાદ અમે તમારી પાસેથી જમીન ખરીદી લઈશું.તેનો MOU થશે એટલે તમને તમારા અવેજના 25 % તરત આપી દઈશું તેવી વાત કરી હતી.ત્યાર બાદ હિમાશુભાઈએ જે.કે.સ્વામીના જણાવ્યા મુજબ જમીનના સોદા માટે મિત્ર રાજેશ જરીવાલા સાથે સુરેશ ભરવાડ અને તેમના ભાગીદાર રમેશ પંચાલ, તેમના પુત્ર અમિત સાથે વટામણ ચાર રસ્તાની એક હોટલમાં મિટિંગ કરી હતી.જોકે, ત્યાં થયેલી વાતચીત હિમાંશુભાઈના મિત્ર રાજેશ જરીવાલાને યોગ્ય નહીં લાગતા હિમાંશુભાઈ અટકી ગયા હતા.આથી સ્વામી અને તેમના પી.એ. અવારનવાર ફોન કરતા હતા.ત્યાર બાદ તેઓ સુરત આવ્યા હતા અને મળીને આ ધર્મના કાર્યમાં તમારી મદદની જરૂર છે, તમને પ્રોજેક્ટમાં નફાની સાથે ટ્રસ્ટી બનાવી દઈશું તેવી વાત કરી મનાવી લીધા હતા.

લંપટ સામે ક્રાઈમબ્રાન્ચમાં ફરિયાદ
હિમાંશુભાઈએ બાદમાં પોતાના અને મિત્ર શૈલેષભાઇ પટેલ તેમજ તેમના પિતાના એકાઉન્ટમાંથી કુલ રૂ.1.01 કરોડ ટોકન પેટે સુરેશ ભરવાડ સાથે એમઓયુ કરીને આપ્યા હતા. MOUની નકલ વાત થયા મુજબ હિમાંશુભાઈએ સ્વામી અંબે તેમના PAને મોકલી હતી. તેમણે દસ દિવસમાં કુલ વેચાણ અવેજના 25 ટકા મળી જશે તેમ કહ્યું હતું. જેમાં ત્યાર બાદ બંનેએ બહાના કાઢી સમય પસાર કરી બાદમાં ફોન ઉપાડવાનું બંધ કરી દીધું હતું. બંનેને મળવા જૂનાગઢ સ્વામીનારાયણ મંદિરે પણ ગયા હતા. પણ તેઓ મળતા નહોતા. સુરેશ ભરવાડ પણ ફોન ઉપાડતા ન હોય અને જમીન ખરીદવા જેમની પાસેથી પૈસા લીધા હતા તેમણે ઉઘરાણી શરૂ કરતા હિમાંશુભાઈને વરાછામાં ડોકટરે સ્વામી અને ટોળકી વિરુદ્ધ આ રીતે જ રૂ.1.34 કરોડની ઠગાઈની ફરિયાદ નોંધાયાની માહિતી મળતા પોતે પણ છેતરાયા છે તેવી જાણ થતા હિમાંશુભાઈએ પણ છેવટેસ્વામી, તેમના પી.એ સહિત 8 વિરુદ્ધ સુરત ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી છે.