યુક્રેન(Ukraine)માં મોતને ભેટેલા વિદ્યાર્થી નવીન શેખરપ્પા જ્ઞાન ગૌડા(Naveen Shekharappa)નો પરિવાર તેના મૃતદેહને પોતાના વતન આવવાની રાહ જોઈ રહ્યો છે ત્યારે કર્ણાટક(Karnataka) ભાજપ(BJP)ના ધારાસભ્ય અરવિંદ બેલાડે(Arvind Bellad) શરમજનક અને વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. ધારાસભ્યએ કહ્યું છે કે “મૃતદેહ ફ્લાઇટમાં વધુ જગ્યા રોકે છે.”
કર્ણાટકના હુબલી-ધારવાડ મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કરતા ભાજપના ધારાસભ્ય અરવિંદ બેલાડે જણાવ્યું હતું કે, મૃતદેહને બદલે વિમાનમાં લગભગ આઠથી દસ લોકો બેસી શકે છે. નવીનનો મૃતદેહ તેના વતન હાવેરીમાં ક્યારે લાવવામાં આવશે તેની અનિશ્ચિતતા અંગેના પ્રશ્નોના જવાબ તેઓ આપી રહ્યા હતા.
બેલાડે પત્રકારોને જણાવ્યું હતું કે, “સરકાર નવીનના મૃતદેહને પરત લાવવાનો પ્રયાસ કરી રહી છે. યુક્રેન એક યુદ્ધ ક્ષેત્ર છે અને દરેકને તેના વિશે ખબર છે, પ્રયાસો કરવામાં આવી રહ્યા છે અને જો શક્ય હોય તો મૃતદેહને પરત લાવવામાં આવશે.”
બીજેપી નેતાએ કહ્યું, “જ્યારે જીવિતોને પાછા લાવવા પડકારરૂપ હોય છે, ત્યારે મૃતકોને પાછા લાવવું વધુ મુશ્કેલ બની ગયું છે કારણ કે એક મૃતદેહ વધુ જગ્યા રોકશે. તેની જગ્યાએ 8 થી 10 લોકોને સમાવી શકાય છે.”
તેમણે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવીનનો મૃતદેહ પરત લાવવા માટે તમામ પ્રયાસો કરી રહ્યા છે. નવીનના પિતા શેખરપ્પા જ્ઞાનેગૌડાએ બુધવારે જણાવ્યું હતું કે, તેમને સરકાર દ્વારા ખાતરી આપવામાં આવી છે કે તેમના પુત્રનો મૃતદેહ “બે દિવસમાં” ઘરે લાવવામાં આવશે. તેમણે કહ્યું કે તેમણે પીએમ મોદી અને કર્ણાટકના મુખ્યપ્રધાન બસવરાજ બોમાઈ બંનેને તેમના પુત્રનો મૃતદેહ લાવવામાં મદદ કરવા વિનંતી કરી હતી.
ખાર્કીવ નેશનલ મેડિકલ યુનિવર્સિટીમાં મેડિસિનનો અભ્યાસ કરતો 21 વર્ષીય નવીન એક કરિયાણાની દુકાનની બહાર કતારમાં ઊભો હતો જ્યારે તે સરકારી બિલ્ડિંગ પર રશિયન ગોળીબારમાં માર્યો ગયો હતો. તેના રૂમમેટના જણાવ્યા મુજબ, તે અન્ય વિદ્યાર્થીઓ સાથે બંકરમાં રહેતો હતો અને મંગળવારે બોર્ડર પર ટ્રેન પકડતા પહેલા ખાદ્યપદાર્થો લેવા માટે ગયો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.