શિક્ષણથી આખી પેઢીને ગરીબીમાંથી ઉગારી શકાય. બાળકોનું ભવિષ્ય સુધારવામાં માતા-પિતા બાદ ગુરુનું જ સ્થાન આવે છે. તેથી જ સમાજમાં ગુરુઓને માન-સન્માન અપાય છે.
આજે આપણે એક એવા શિક્ષિકા વિશે જાણીશું કે જેઓ ગુરુ હોવાની ફરજ સુપેરે નિભાવી રહ્યા છે. તેમનું નામ છે ઉષાકુમારી.
કેરળના તિરુવનંતપુરમમાં રહેતા સરકારી સ્કૂલ ટીચર ઉષાકુમારી છેલ્લા 16 વર્ષથી રોજ જાતે હોડી ચલાવીને નદી ઓળંગ્યા બાદ દુર્ગમ પહાડ પાર કરીને ‘અગસ્ત્ય ઇગા’ નામની પ્રાથમિક શાળામાં બાળકોને ભણાવવા જાય છે.
ટીચરને સ્કૂલે જવા-આવવામાં 4 કલાકથી પણ વધુ સમય લાગે છે
તેમને સ્કૂલે જવા-આવવામાં 4 કલાકથી પણ વધુ સમય લાગે છે. સવારે 7.30 વાગ્યે ઘરેથી ટુ-વ્હીલર લઇને કુમ્બિક્કલ કડાવુ સ્થિત નદી સુધી પહોંચે છે. ત્યાંથી જાતે હોડી ચલાવીને નદી પાર કરે છે. તે પછી દુર્ગમ પહાડી વિસ્તારોમાં ચાલીને આદિવાસી ગામની ‘અગસ્ત્ય ઇગા પ્રાથમિક શાળા’માં પહોંચે છે.
તેમને ક્યારેક સ્કૂલેથી નીકળવામાં મોડું થઇ જાય તો ગામના જ કોઇ સ્ટુડન્ટના ઘેર રોકાઇ જાય છે, જેથી તેમને બીજા દિવસે સ્કૂલે પહોંચવામાં મોડું ન થાય અને બાળકોના અભ્યાસમાં ખલેલ ન પડે. તેઓ રોજ રાત્રે 8 વાગ્યા સુધીમાં ઘરે પહોંચે છે.
ઉષાકુમારી ગામવાસીઓને શિક્ષણ પ્રત્યે જાગૃત કરવાનું કામ પણ કરે છે તેમ જ બાળકોને સ્કૂલમાં મળતા મધ્યાહન ભોજનનું પણ ધ્યાન રાખે છે.