આઠ કલાકમાં જ રાજકીય ડ્રામાનો અંત: કેતન ઈનામદારે પરત ખેંચ્યું રાજીનામું, CR પાટીલ સાથેની બેઠક બાદ લીધો નિર્ણય- જાણો વિગતે

Ketan Enamdar: ભારતીય જનતા પાર્ટીમાંથી રાજીનામું આપનારા સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદારે(Ketan Enamdar) રાજીનામું પરત ખેંચ્યું હતું. સીઆર પાટીલ સાથેની બેઠક બાદ તેમણે પત્રકાર પરિષદ યોજી આ અંગે જાણકારી આપી હતી. કેતન ઈનામદારે આ અંગે વાત કરતા કહ્યું કે, મેં મારી વેદના સીઆર પાટીલ સમક્ષ રજૂ કરી હતી. સીઆર પાટીલ સાથે અંતર આત્માની વાત કરી. પ્રદેશ અધ્યક્ષ અને સંગઠન મંત્રીએ મારી વાતને ગંભીરતાથી લીધી છે.

કેતન ઈનામદારે પોતાનું રાજીનામું પરત ખેંચ્યું
લોકસભા ચૂંટણી પહેલા ગુજરાતના રાજકારણમાં હલચલ જોવા મળી રહી છે. ભાજપે ભરતીમેળો કરીને અન્ય પક્ષના અનેક નેતાઓને આવકાર્યા છે. ત્યારે સાવલીના ભાજપના ધારાસભ્ય કેતન ઈનામદારે મેઇલથી વિધાનસભાના અધ્યક્ષને રાજીનામું આપી લીધું હતું. જે બાદ કેતન ઈનામદારને મનાવી લેવામાં આવ્યા છે. કેતન ઇમાનદારે પોતાનું રાજીનામું પરત ખેંચ્યું છે.

પ્રેસ કોન્ફરન્સ કરી રાજીનામુ પરત ખેંચવાની માહિતી આપી
પ્રેસ કોન્ફરન્સ સંબોધતાં કેતન ઇનામદારે કહ્યું કે, ગઇકાલે રાત્રે દોઢ વાગ્યે મેં વિધાનસભા અધ્યક્ષને રાજીનામું ઇમેલ દ્વારા આપ્યું હતું. મેં લખ્યું હતું કે, મારા અંતર આત્માના અવાજને માન આપીને રાજીનામું આપું છું. રાજીનામાની જાણ થતાં આગેવાનો દ્વારા પૂછવામાં આવ્યું કે શું વાત છે? મેં પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ અને હર્ષ સંઘવી સાથે બેસીને ચર્ચા કરી. મેં મારી વેદના તેમને કહી. તેમના દ્વારા કહેવામાં આવ્યું કે તમને અને પ્રત્યેક કાર્યકરને સંતોષ થાય તેવું જ સરકાર અને સંગઠન દ્વારા કરવામાં આવશે.

તેમણે જણાવ્યું કે, મારું રાજીનામું મારા અંતર આત્માના અવાજને માન આપીને હતું. પ્રદેશ અધ્યક્ષ અને પ્રભારી મંત્રી સાથે ચર્ચા બાદ મને સંતોષ છે અને રાજીનામું પરત લઉં છું. મને સંતોષ થાય તે રીતે તેમણે મારી વાતનું નિરાકરણ લાવ્યું છે.આ સાથે જ તેમણે કહ્યું કે, હું 2027ની ચૂંટણી લડવાનો નથી. એટલે હું ઝડપથી ચાલુ છુ કે મારા વિસ્તારના કામ ઝડપથી થાય. ડ્રીમ પ્રોજેક્ટ મારા કાર્યકાળમાં જ પૂરા થાય તેવી લાગણી સાથે હું નીકળ્યો છું.

પોલિટિકલ પ્રેશર બનાવવા રાજીનામાનો ડ્રામા કર્યો
મોડી રાત્રે કેતન ઇનામદારે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીને ઇ-મેઇલ દ્વારા પોતાના ધારાસભ્યપદેથી રાજીનામું આપતો પત્ર મોકલ્યો હતો. પરંતુ વિધાનસભા અધ્યક્ષને રૂબરૂ રાજીનામું ન આપે ત્યાં સુધી ધારાસભ્યપદ પરથી રાજીનામું આપ્યું એવું કહી શકાય નહીં. અધ્યક્ષને રૂબરૂ રાજીનામું સોંપવાની પ્રક્રિયા કેતન ઇનામદારે પૂરી કરી નહોતી, જેથી આ રાજીનામું માન્ય ગણાય નહીં.કેતન ઇનામદારે જો ધારાસભ્યપદેથી રાજીનામું આપવું જ હોય તો વિધાનસભા અધ્યક્ષની અગાઉથી કેમ એપોઇન્ટમેન્ટ ના લીધી? મોટા ભાગે કોંગ્રેસમાંથી રાજીનામું દઈને ભાજપમાં જોડાતા ધારાસભ્યો વિધાનસભા સ્પીકરની એપોઈન્ટમેન્ટ લે છે અને પછી તેમને રૂબરૂમાં મળીને રાજીનામું આપે છે, પરંતુ કેતન ઇનામદારે માત્ર રાજીનામાનો મેઈલ કર્યો. આ પહેલાં પણ રૂપાણી સરકાર વખતે તેઓ આ પ્રકારનો ડ્રામા કરી ચૂક્યા છે. આમ, ઇનામદારનું રાજીનામું પાર્ટી પર પોલિટિકલ પ્રેશર બનાવવા જ આપ્યું હોય એમ લાગી રહ્યું છે.