Kidnapping then murder after watching CID: હરિયાણા (Haryana) ના સોનેપત (Sonepat) માંથી ધ્રુજાવી દેતો કિસ્સો પ્રકાસમાં આવ્યો છે. ધોરણ 11ના વિદ્યાર્થીએ તેની જ શાળામાં ભણતા ધોરણ 4ના વિદ્યાર્થીનું અપહરણ કર્યું અને તેની હત્યા કરી. આરોપીની ઉંમર ફક્ત 16 વર્ષ છે. જ્યારે મૃતક બાળકની ઉંમર સાડા આઠ વર્ષ છે. બંને પાડોશી જ હતા. આ ઘટના સોનીપતના હાઈરાઈઝ એપાર્ટમેન્ટ ટીડીઆઈ એસ્પેનિયામાં બની હતી. બાળકની લાશ એ જ બિલ્ડિંગના ભોંયરામાં પાણીના ડ્રમમાંથી મળી આવતા ચકચાર મચી જવા પામ્યો છે.
મૃતક વિદ્યાર્થીનું નામ અરિજીત હતું. તેના પિતા અજીત ત્રિપાઠી પેટીએમના એરિયા સેલ્સ મેનેજર છે. સોમવારે સાંજે તેમને તેમના પુત્રના અપહરણની જાણ થઈ. ઘરમાંથી 6 લાખની ખંડણીનો પત્ર પણ મળી આવ્યો હતો. તેણે રાતોરાત 4 લાખ રૂપિયાની વ્યવસ્થા પણ કરી હતી, પરંતુ લગભગ 4 વાગ્યે પુત્રનો મૃતદેહ મળી આવ્યો.
સીસીટીવી જોઈને પોલીસને સગીર પર શંકા ગઈ
મંગળવારે તપાસ દરમિયાન મૃતક બાળક છેલ્લે પોલીસ બિલ્ડિંગના સીસીટીવી ફૂટેજમાં આરોપી સાથે જોવા મળ્યો હતો. આના પર પોલીસે શંકાના આધારે સગીર આરોપીની ધરપકડ કરી. આરોપીની કડક પૂછપરછ કરવામાં આવતા તેણે અપહરણ અને હત્યાની કબૂલાત કરી હતી. તેણે જણાવ્યું કે તેણે સોમવારે જ હત્યા કરી હતી. તે પછી તે ઘરે આવ્યો અને જામ્યો અને ખંડણીનો પત્ર લખીને અરિજીતના ઘરે નાખી આવ્યો.
સોસાયટીમાં જ રમતો હતો અરિજીત
અજીત ત્રિપાઠી તેની પત્ની અને પુત્ર સાથે એક ફ્લેટમાં રહે છે. અજીત ડિસેમ્બર 2022માં લખનૌથી ટ્રાન્સફર થયા બાદ સોનીપત આવ્યા હતા. અજીતનો સાડા આઠ વર્ષનો પુત્ર સોનીપતની એક ખાનગી શાળાનો વિદ્યાર્થી હતો. સોમવારે સાંજે તે સોસાયટીમાં જ બાળકો સાથે રમવા ગયો હતો અને તે દરમિયાન ગાયબ થઈ ગયો હતો. મોડી સાંજ સુધી બાળક પરત ન આવતાં તેની શોધખોળ શરૂ કરવામાં આવી હતી.
ઘણા કલાકોની શોધખોળ બાદ પણ અરિજીત ન મળતા, રાત્રે 2 વાગ્યે ઘરના આંગણામાં એક પત્ર મળ્યો. જેમાં અરિજીતના અપહરણની માહિતી આપતાં 6 લાખ રૂપિયાની ખંડણી માંગવામાં આવી હતી. જેના કારણે પરિવારમાં ખળભળાટ મચી ગયો હતો. આ સાથે પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.
ખંડણીનો પત્ર ઈંગ્લીશમાં હતો
પરિવારને મળેલો ખંડણીનો પત્ર ઈંગ્લીશમાં હતો. જેમાં લખ્યું હતું કે તમારો પુત્ર મારી પાસે છે. જો તેને જીવંત જોવા માંગતા હોવ તો આજ રાત સુધીમાં 6 લાખ રૂપિયા સાથે TDI રોયલના ગેટ નંબર-2 સામે આવી જાવ. મારો માણસ સવારે 5 વાગ્યે તમારી પાસેથી પૈસા લઈ જશે. મારી બધી નજર તમારા પર છે. તું પોલીસ કે કોઈને કંઈ કહેશે તો તારા દીકરાને સીધો ઉપર પહોચાડી દઈશ. મારો માણસ પૈસા લાવશે કે તરત જ તારો દીકરો 6 વાગ્યા સુધીમાં તમારી પાસે પહોંચી જશે. હવે નિર્ણય તારા હાથમાં છે કે પૈસા વહાલા છે કે પુત્ર.
માથાના ભાગે, ગળા પર પણ ઈજાના નિશાન
પોલીસે જણાવ્યું કે, અરિજીતની લાશ સોસાયટીના ભોંયરામાં મળી આવી હતી. તેના માથા પર 15 ઈજાના નિશાન હતા અને ગળું પણ દબાવવામાં આવ્યું હતું. ઘટનાસ્થળે પહોંચેલી ફોરેન્સિક ટીમે પુરાવા એકત્ર કર્યા બાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો.
આ પછી, જ્યારે પોલીસે ભોંયરામાં અને બિલ્ડિંગમાં લગાવેલા કેમેરાના ફૂટેજને સ્કેન કરવાનું શરૂ કર્યું, ત્યારે અરિજીત પાડોશમાં રહેતા એક છોકરા સાથે જતો જોવા મળ્યો. આ છોકરો અરિજીતની જ સ્કૂલમાં 11મા ધોરણમાં અભ્યાસ કરે છે.
પોલીસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ
જ્યારે પોલીસે પૂછપરછ શરૂ કરી, ત્યારે આરોપી સગીરે મનઘડત વાર્તા બનાવીને તેને ગેરમાર્ગે દોરવાનો પૂરો પ્રયાસ કર્યો. આરોપીએ જણાવ્યું કે અરિજીતને કારમાં કેટલાક યુવકો ઉપાડી ગયા હતા. તેણે તેની નજર સામે આ ઘટના જોઈ. જોકે, સોસાયટીના સીસીટીવી કેમેરામાં આવું કોઈ વાહન દેખાતું ન હોવાથી પોલીસે તેની વાત પર વિશ્વાસ કર્યો ન હતો. આ પછી જ્યારે પોલીસે કડક કાર્યવાહી કરી તો તે ભાંગી પડ્યો અને સમગ્ર ઘટનાનો ખુલાસો કર્યો.
CID સિરિયલ જોયા બાદ મર્ડર પ્લાન બનાવ્યો હતો
આરોપીએ જણાવ્યું કે તેના પિતા માનસિક રીતે બીમાર છે, ઘરનો ખર્ચ કાઢવો મુશ્કેલ બની ગયો છે. પોકેટમની પણ મળતી ન હોવાથી આ પગલું ભર્યું હતું. અપહરણ બાદ જ્યારે અરિજીત રડવા લાગ્યો ત્યારે તેની હત્યા કરવી પડી હતી. આરોપીએ જણાવ્યું કે તેને CID સિરિયલ જોયા બાદ હત્યાનો વિચાર આવ્યો. જુવેનાઈલ જસ્ટીસ બોર્ડ સમક્ષ હાજર થયા બાદ પોલીસે આરોપીને બાળ ગૃહમાં મોકલી આપ્યો છે. 18 વર્ષની ઉંમર સુધી તે જુવેનાઈલ હોમમાં રહેશે, ત્યારબાદ તેને જેલમાં મોકલવામાં આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.