શું આ વર્ષે પતંગરસિયાઓની મજા બગાડશે મોંઘવારી? દોરી-પતંગની કિંમતમાં વધારો, ખરીદી કરતાં પહેલા જાણી લો ભાવ

Increase in Kite Prices: નાના ભુલાઓથી લઈ યુવાનો અને મોટેરાઓના મનગમતા તહેવાર એવા ઉતરાયણ પર્વને ગણતરીના દિવસો બાકી છે ત્યારે પતંગ રસીકોમાં આ પર્વને ધ્યાને લઈ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે પતંગ અને દોરીમાં ૧૦ થી ૨૦ % જેટલો ભાવ વધારો( Increase in Kite Prices ) જોવા મળી રહ્યો છે જેને કારણે પતંગની ખરીદીમાં હાલ ઘટાડો પણ નોંધાયો છે જો કે અંતિમ દિવસોમાં ભીડ ઉમટી પડશે તેવી હાલ વેપારીઓમાં આશાઓ સેવાઈ રહી છે.

દોરી-પતંગના ભાવમાં ૧૦થી ૨૦ ટકા જેટલો ભાવવધારો
પતંગરસિકો દ્વારા હાલ દોરી-પતંગની ખરીદી તેમજ માંજો પીવડાવવાની તૈયારીઓ પૂરજોશમાં આરંભી દેવાઈ છે. ગ્રાહકોની માંગને પહોંચી વળવા પતંગ-દોરીના વેપારીઓ દ્વારા જયપુરી તેમજ ખંભાતી સહિત વિવિધ પ્રકારની નીત-નવી અને ભાત-ભાતની પતંગો બજારમાં વેચાણ અર્થે મુકવામાં આવી છે. પર્વ નજીક આવતા ગ્રાહકો દ્વારા ખરીદી તેજ કરાશે. હાલ બજારમાં પર્વને અનુરૂપ વિવિધ પ્રકારના માસ્ક, ટોપી, પીપુડા, ચશ્મા સહિતની વસ્તુઓ પણ વેપારીઓ દ્વારા ઉપલબ્ધ કરવામાં આવી રહી છે. જો કે ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે દોરી-પતંગના ભાવમાં ૧૦થી ૨૦ ટકા જેટલો ભાવવધારો નોંધાયો છે. આ અંગે વેપારીઓએ જણાવ્યું કે, રો-મટીરીયલના ભાવોમાં વધારો થતા તેની સીધી અસર પતંગોના ભાવ ઉપર પડી છે. પતંગ તેમજ દોરીના ભાવમાં વધારો નોંધાયો હોવા છતાં જેમ-જેમ પર્વ નજીક આવશે તેમ-તેમ સારી ઘરાકી નીકળશે તેવી આશા વેપારીઓ રાખી રહ્યા છે.

ડિઝાઈનવાળી પતંગ આકર્ષણના કેન્દ્ર બન્યા
ઉત્તરાયણ પહેલાં છેલ્લી રજા હોવાથી પતંગ રસિકોએ ખરીદી માટે ભારે ભીડ કરી છે. પતંગના ભાવમાં ગત વર્ષની તુલનામાં 25થી 30 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. ગત વર્ષે એક કોડીના 80થી 90 રૂપિયાની સરખામણીએ આ વર્ષે 150 રૂપિયા થયા છે. ભાવ વધવાની શક્યતાએ એક સપ્તાહ અગાઉ પતંગ રસિકોએ ખરીદી શરૂ કરી છે. સફેદ ચીલ, ડિઝાઈનવાળી ચીલ, મોટા પતંગ પણ આકર્ષણના કેન્દ્ર બન્યા છે.તેમાં પણ આ વખતે અયોધ્યાની તેમજ ભગવાન શ્રી રામની ડિઝાઇન વાળી પતંગ માર્કેટમાં જોવા મળી છે અને તેવી પતંગોની ડિમાન્ડ પણ વધી છે.

ભાવ વધવાની શક્યતાએ પતંગ રસિકોએ ખરીદી કરી
ગીન ચીલ મોટી સાઇઝ 100 રૂપિયા કોડી જ્યારે ડિઝાઇન વાળી ચીલ 120 રૂપિયાની કોડી અને સફેદ ચીલ 80 રૂપિયાની કોડીનો ભાવ ચાલી રહ્યો છે. મોટા પતંગ ફૂલ સાઇઝ 150નાં પાંચ નંગ અને અડધિયા પતંગના રૂપિયા 160નાં કોડી જ્યારે ગયાં વર્ષે પતંગનો ભાવ એંસી નેવું ભાવ હતો. છેલ્લા દિવસોમાં 150 રૂપિયા ભાવ થવાની શક્યતા છે.