‘પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવ’ની મુલાકાતે આવશે 30 દેશના વડાપ્રધાન- જાણો 14 ડીસેમ્બરથી 15 જાન્યુઆરી સુધીનો સમગ્ર કાર્યક્રમ

Pramukh Swami Maharaj Shatabdi Mahotsav: માત્ર રાષ્ટ્રીય નહી પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે એક આગવી છાપ ઊભી કરનાર ‘પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ’ની તૈયારીઓ સંપૂર્ણ થઈ ચૂકી છે.…

Pramukh Swami Maharaj Shatabdi Mahotsav: માત્ર રાષ્ટ્રીય નહી પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે એક આગવી છાપ ઊભી કરનાર ‘પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ’ની તૈયારીઓ સંપૂર્ણ થઈ ચૂકી છે. પ્રમુખસ્વામી મહારાજને અંજલિ અર્પણ કરવા માટે ભારત અને વિદેશોમાંથી ઠેર ઠેર લાખો લોકો ઊમટશે, જેની તૈયારીઓ રૂપે 600 એકરની વિશાળ ભૂમિમાં ભવ્ય મહોત્સવ સ્થળ પ્રમુખસ્વામી મહારાજ નગર અમદાવાદ(Ahmedabad)માં ઉભું કરવામાં આવ્યું છે. ત્યારે આજે 14 ડિસેમ્બરના રોજ સાંજે મહંત સ્વામી મહારાજ(Mahant Swami Maharaj) અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી(Narendra Modi)ના હસ્તે મહોત્સવનું ઉદઘાટન કરવામાં આવશે. આ પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવ સતત 30 દિવસ સુધી યોજાશે.

ઉલ્લેખનીય છે કે, 600 એકરમાં બનેલા આ નગરની અનેક વિવિધ વિવિધ વિશેષતાઓ છે. આ પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવ સ્થળ 250 કરતાં વધારે ખેડૂતો અને બિલ્ડરોના નિઃસ્વાર્થ સહયોગથી તેમણે આપેલી ભૂમિ પર રચવામાં આવ્યો છે. પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવ સ્થળના અનેક આકર્ષણો જીવનઘડતરની પ્રેરણા આપે છે અને લોકોને નૈતિક-આધ્યાત્મિક બાબતો જીવનમાં નવી રીતે શીખવાની અને અપનાવવાની એક સુવર્ણ તક પૂરી પાડે છે.

મહત્વનું છે કે, 14 ડિસેમ્બરના રોજ સાંજે 5.00 થી 7.30 દરમ્યાન મહોત્સવના પ્રેરણામૂર્તિ પૂજ્ય મહંત સ્વામી મહારાજ અને વડાપ્રધાન નરેન્દ્રમોદીના હસ્તે વિરાટ જનમેદનીની ઉપસ્થિતિમાં મહોત્સવનું શાનદાર ઉદઘાટન થવા જઈ રહ્યું છે. સાથે જ નારી ઉત્કર્ષ મંડપમમાં રોજ બપોરે 2.30 થી 4.30 દરમ્યાન મહિલા કાર્યક્રમોની અદભુત પ્રસ્તુતિઓ થશે, જેમાં ભારત અને વિદેશના મહિલા મહાનુભાવો દ્વારા પણ મંચ પરથી વિદ્વત્તાસભર સંબોધનોનો લાભ આપવામાં આવશે. ‘નારાયણ સભાગૃહ’માં રોજ સાંજે 5.00 થી 7.30 દરમ્યાન રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરની હસ્તીઓની હાજરીમાં હજારો લોકોની મેદની વચ્ચે વિવિધ વિષયક સભાકાર્યક્રમો થશે.

24 દેશના વડા આવવાના હોવાથી ચાર્ટર્ડ પ્લેનનો ટ્રાફિક વધશે
શતાબ્દી મહોત્સવમાં દેશવિદેશના ખૂણેખૂણેથી લોકો હાજરી આપશે. જ્યારે 24 દેશના પ્રધાનમંત્રીઓને આમંત્રણ આપ્યું હોવાથી એક મહિનો ચાલનારા મહોત્સવમાં તેઓ કોઈ એક દિવસે હાજરી આપશે, જેના કારણે એરપોર્ટ પર મોટી સંખ્યામાં ચાર્ટર્ડ વિમાનોની આવનજાવન રહેશે.

જાણો તારીખ મુજબ સમગ્ર કાર્યક્રમ:
15 ડિસેમ્બરે ગૃહમંત્રી અમીતભાઈ શાહથી લઈને દેશ-વિદેશના મહાનુભાવોની ઉપસ્થિતિમાં 30 દિવસીય કાર્યક્રમોના ‘ઈન્ટરનેશનલ કન્વેન્શન ફોર બેટર લિવિંગ’નો આરંભ થશે. જયારે 18-19 ડિસેમ્બરે મંદિર શિલ્પ સ્થાપત્ય પર કોન્ફરન્સની સાથે વિશિષ્ટ મહાનુભાવો લાભ આપશે. 20 ડિસેમ્બરના રોજ આંતરરાષ્ટ્રીય સંવાદિતા દિને તમામ ધર્મોના વડાઓ એકત્રિત થઈને મંચ પરથી એકતાનો સંદેશ આપશે.

સાથે જ 21 અને 22ના રોજ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિઓના ઉત્કર્ષ અંગે કાર્યક્રમો થશે, જેમાં ભારતના વિવિધ પ્રાંતોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહેશે. સાથે જ 25 ડિસેમ્બરના રોજ રાષ્ટ્રીય સંતસંમેલન યોજાશે, જેમાં શ્રીમદ્ શંકરાચાર્યજી સ્વામી સદાનંદજી મહારાજની ઉપસ્થિતિમાં વિવિધ મઠ-સંપ્રદાય-અખાડાઓના પૂર્વ-પશ્ચિમ-ઉત્તર-દક્ષિણના પ્રતિનિધિરૂપ સેંકડો સંતો ઉપસ્થિત રહેશે અને સંત મહિમાનું ગાન કરશે.

જયારે 26 ડિસેમ્બરે સ્વામિનારાયણીય સંતસાહિત્યની છણાવટ કરતું વિદ્વત્ સંમેલન થશે. 31 ડિસેમ્બરના રોજ ભારતની સંસ્કૃત યુનિવર્સિટીઓના ઉપકુલપતિઓ અને વિદ્વાનોની ઉપસ્થિતિમાં વિશિષ્ટ તત્ત્વજ્ઞાન સમારોહ યોજાશે, જેમાં પ્રકાંડ વિદ્વાનો દાર્શનિક સંવાદો કરશે.

મહત્વનું છે કે, 3-4 જાન્યુઆરીએ બાળ-યુવા સંમેલનો યોજાશે, જેમાં દેશ-વિદેશના બાળકો-યુવાનોની રોમાંચક રજૂઆતો થશે. 5 અને 10 જાન્યુઆરીએ આંતરરાષ્ટ્રીય મહિલા કાર્યક્રમો યોજાશે. સાથે જ 6 થી 11 જાન્યુઆરી દરમ્યાન નોર્થ અમેરિકા દિન, યુ.કે.-યુરોપ દિન, આરબદેશો દિન, આફ્રિકા ખંડ દિન, ઓસ્ટ્રેલેશિયા દિન વગેરે કાર્યક્રમો દ્વારા જુદા જુદા દેશોના રાજદૂતો અને પ્રખર નેતાઓની ઉપસ્થિતિમાં વિવિધ પ્રસ્તુતિઓ થશે અને 15 જાન્યુઆરીએ મહોત્સવનો શાનદાર પૂર્ણાહૂતિ સમારોહ લાખોની જનમેદની વચ્ચે યોજાશે.

અત્રે ઉલ્લેખનીય છે કે આ કાર્યક્રમોમાં હાજર રહેનારા મહાનુભાવોમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડજી, અમીતભાઈ શાહ, લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા, વિદેશમંત્રી જયશંકર તેમજ વિદેશના મહાનુભાવો સહિત અગ્રણીઓ હાજર રહેશે. પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવ સ્થળે દરરોજ બપોરે 2.00 વાગ્યાથી રાત્રે 9.00 વાગ્યા સુધી પ્રવેશ મળશે. જયારે રવિવારે સવારે 9.00 વાગ્યાથી રાત્રે 9.00 વાગ્યા સુધી પ્રવેશ મળશે. રોજ રાત્રે 10.00 વાગ્યે પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવ સ્થળ બંધ થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *