Somnath Mandir: સૌરાષ્ટ્ર સિવાય દક્ષિણ ગુજરાતમાં પણ સોમનાથ મંદિર આવેલું છે. નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના સૌથી મોટા શહેર બીલીમોરામાં આ ઐતિહાસિક મંદિર (Somnath Mandir) આવેલું છે. આ મંદિર ગણદેવીથી 6 કિલોમીટર દૂર છે. આ ધાર્મિક સ્થળે વર્ષો પુરાણુ સ્વંયભૂ શિવલિંગ છે.
બીલીમોરામાં સોમનાથ મહાદેવ બિરાજમાન
108 ફૂટ ઊંચા શિખર ઉત્તમ કલા કારીગીરી સાથે મંદિર પૂર્વાભિમુખ છે. મંદિરની બહાર ઉત્તરમાં ગૌમુખી વહે છે. મંદિરમાં એક તરફ ગણપતિ બાપ્પા અને બીજી તરફ હનુમાનજી બિરાજે છે. તેમજ ભગવાન ભોળાનાથના શિવલિંગ સામે માતા પાર્વતી બિરાજમાન છે. મંદિરની સામે ભગવાન ભોળાનાથ શંકરનું વાહન નંદી સાથે કાચબો બિરાજમાન છે. વર્ષો પહેલા રાજા ઢોરોને ચરાવવા ગોવાળ ઝાડી જંગલ તરફ લઈ જતા. બધા ઢોરોમાંથી એક દુધાળી ગાય ધણમાંથી છૂટી પડી ઝાડી ઝાંખરામાં ચોક્કસ સ્થાને તેના આંચળમાંથી દૂધની ધારા કરતી હતી.
મંદિરની ગાથા
આ વાતની જાણ ગોવાળને થતા, તેણે સમગ્ર ઘટનાની જાણ રાણીને કરી. રાણી સ્થળ પર જઈ તપાસ કરી અને ગાય જ્યાં દૂધની ધારા કરતી હતી તે સ્થાને સફાઈ કરી. તો ત્યાં મહાદેવજીનું શિવલિંગ દેખાયું હતું. અને તેણે રોજ શિવલિંગનુ પૂજનઅર્ચન કરવાનુ ચાલુ કરી દીધુ. રાણી રોજ જંગલ તરફ જતી હતી એટલે તેના રાજાને શંકા થઈ. અને એક દિવસ રાજાએ રાણીનો પીછો કરી શિવલિંગના સ્થાને પૂજા કરતી રાણીને મારવા તલવાર ઉગામી, પરંતુ ચમત્કારીત શિવલિંગના દર્શનથી તલવાર ઉગામેલો તેનો હાથ હવામાંજ થંભી ગયો. નિત્ય પૂજા કરતી ધ્યાનમાં બેઠેલી રાણીની આંખો ખુલતા તેણે પોતાની પાછળ તલવાર ઉગામેલ અવસ્થામાં તેના પતિને જોતા એકદમ ભયભીત થઈ ગઈ અને ડરના માર્યા તેણીએ હે ભગવાન ભોળાનાથ મને બચાવોના ઉદ્દગાર કરી શિવલિંગને ભેટી પડતા અચાનક જમીનમાંથી શિવલીંગ જમીન બહાર આવ્યું અને તેમાં બે ફાડચા થયા હતા. જેમાં રાણી સમાઈ ગઈ હતી.
મહાદેવજીના દર્શને દેશ વિદેશની ભાવિકો આવે છે
રાણીને ભગવાન ભોળાનાથના ચરણોમાં સમાઈ તે સમગ્ર ઘટના નજરે જોનાર રાજાએ સમગ્ર ઘટનાની જાણ કરતા લોકોએ શિવલિંગની પૂજા અર્ચના કરવાનુ ચાલુ કર્યુ અને સમય જતાં પૌરાણિક શિવલિંગનું મહત્વ લોકોના ધ્યાને આવતા આ સ્થળ પર મંદિર બાંધવામાં આવ્યુ હતુ. સોલંકી શાસનકાળમાં સ્વયંભુ પ્રગટ થયેલા પૌરાણિક શિવલિંગની મહિમા અનેરી છે. વર્ષો પહેલા બીલીમોરા નજીકના ગણદેવીગામમાં રહેતા દેસાઈજી કુટુંબના વડાને મહાદેવજીએ સ્વપ્નમાં આવી શિવલિંગની વાત જણાવી હોવાની લોકવાયકા છે. સ્વપ્ન પરથી પ્રેરણા લઈ દેસાઈજી કુટુંબે જીર્ણ થયેલા શિવમંદિરનો 1925માં જીર્ણોદ્ધાર કર્યો હતો. મહાદેવજીના દર્શને દેશ વિદેશની ભાવિકો આવે છે અને ભોળેબાબાના દર્શન કરી ધન્યતા અનુભવે છે.
સોલંકીયુગથી આસ્થાનું કેન્દ્ર
વર્ષોથી મહાદેવના દર્શને આવતા ભાવિકોની સોમનાથદાદામાં અતૂટ શ્રદ્ધા છે અને એટલે જ તે મહાદેવજીના દર્શન કરવાનુ ચૂકતા નથી. આખા માસમાં બ્રહ્મમુહૂર્તમાં રણકતા ઘંટારવ અને ૐ નમઃ શિવાયના નાદ સાથે સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠે છે. વહેલી સવારથી મોડી રાત સુધી લોકો દર્શનનો લાભ લેય છે. સોમનાથ દર્શને આવતા દર્શનાર્થીઓ નજીકમાં આવેલા ગાયત્રી મંદિર, જલારામ મંદિર અને સાંઈ બાબાના મંદિરના દર્શનનો પણ લ્હાવો લેવાનું ચુકતા નથી.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App