રસ્તા સૂમસામ, આગચંપી, ટ્રેનો રોકી…જાણો ગુજરાત પર ભારત બંધની અસર, શું છે માંગ?

Bharat Bandh News: સુપ્રીમ કોર્ટે થોડા દિવસો અગાઉ અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિ (ST) અનામતમાં ક્રીમી લેયર (Bharat Bandh News) લાગુ કરવા માટે આદેશ આપ્યો હતો, જેના કારણે કેટલાક SC/ST સમુદાયો આ ચુકાદાથી નારાજ છે. સુપ્રીમ કોર્ટના આ નિર્ણય સામે વિરોધ દર્શાવવા આરક્ષણ બચાવો સંઘર્ષ સમિતિએ 21મી ઓગસ્ટ એટલે કે આજે ભારત બંધની જાહેરાત કરી છે.

પટનામાં ભારત બંધને લઈને હંગામો, પોલીસે કર્યો લાઠીચાર્જ
ભારત બંધ દરમિયાન બિહારની રાજધાની પટનામાં ભારે હંગામો થયો હતો. પટનામાં ડાક બંગલા ચોક પર પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે ઘર્ષણ થયું છે. આ દરમિયાન પોલીસે પ્રદર્શનકારીઓ પર લાઠીચાર્જ કર્યો હતો. પોલીસે દેખાવકારોનો પીછો કરીને માર માર્યો હતો. પટનામાં ઘણી જગ્યાએ ભારત બંધની અસર જોવા મળી રહી છે.

ભાવનગરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત
ભીમ સેના દ્વારા ભાવનગર શહેરના જશોનાથ ચોક ખાતે આવેલ ડોક્ટર બાબા સાહેબની પ્રતિમા પાસે એસસી, એસટી અને ઓબીસી સમાજના લોકો ભેગા થઈ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ મુખ્ય બજાર ખાતે દુકાનો બંધ કરાવવા નીકળ્યા તે દરમિયાન પોલીસ દ્વારા પણ ઠેરઠેર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.

શા માટે ભારત બંધનું એલાન?
તમને જણાવી દઈએ કે સુપ્રીમ કોર્ટે તાજેતરમાં એક નિર્ણય આપ્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે તમામ SC-ST જાતિઓ અને જનજાતિઓ સમાન વર્ગ નથી. ઘણી જ્ઞાતિઓ વધુ પછાત હોઈ શકે છે. આ માટે કોર્ટે ગટર સાફ કરનારા અને વણકરોનું ઉદાહરણ આપ્યું હતું. તેમણે કહ્યું કે આ બંને જાતિઓ SC શ્રેણીમાં આવે છે. આ જાતિમાંથી આવતા લોકો બાકીના લોકો કરતા વધુ પછાત છે.

સાબરકાંઠામાં મિશ્ર પ્રતિસાદ
સવારના 10 વાગ્યા સુધીની વાત કરીએ તો સાબરકાંઠાનું વિજયનગર, ઈડર અને અરવલ્લીનું ભિલોડા, શમાળાજી સ્વયંભૂ બંધ જોવા મળ્યું હતું. જ્યારે SC-ST સમાજની વસ્તી ધરાવતા નર્મદા, પંચમહાલ, છોટા ઉદેપુર, વલસાડ, દાહોદ, નવસારી, ડાંગ, બનાસકાંઠા સહિતના અન્ય જિલ્લામાં ક્યાંક બજારો ખુલ્લી છે તો ક્યાંક બજારો બંધ જોવા મળી રહી છે.

બંધને પગલે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત
સુરતના ઉમરપાડા ટાઉનમાં ભારત બંધમાં લોકો સ્વયંભૂ જોડાયા છે. ST-SC સમાજ સંગઠનો દ્વારા સુપ્રીમ કોર્ટના ચુકાદા સામે વિરોધ નોંધાવ્યો છે. સુપ્રીમ કોર્ટના જજો દ્વારા ST-SC કોટામાં વર્ગીકરણ, અને ક્રિમિલેયર દાખલ કરવા ચૂકાદો​ ​​​​​​આપ્યો છે. તેમજ કોસંબામાં લોકોને ભારત બંધમાં સહકાર આપવા વિનંતી કરવામાં આવી હતી. બંધને પગલે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે.

બંધમાં કયા-કયા સંગઠનો અને પક્ષો સામેલ છે?
દલિત અને આદિવાસી સંગઠનો ઉપરાંત વિવિધ રાજ્યોના પ્રાદેશિક રાજકીય પક્ષો પણ ભારત બંધને સમર્થન આપી રહ્યા છે. તેમાં મુખ્યત્વે બહુજન સમાજ પાર્ટી, ભીમ આર્મી, આઝાદ સમાજ પાર્ટી (કાશીરામ), ભારત આદિવાસી પાર્ટી, બિહારમાં રાષ્ટ્રીય જનતા દળ, LJP (R) અને અન્ય સંગઠનોના નામ સામેલ છે. કોંગ્રેસે પણ બંધને સમર્થન આપ્યું છે. આ સંગઠનોનું કહેવું છે કે સુપ્રીમ કોર્ટનો નિર્ણય અનામતના મૂળ સિદ્ધાંતોની વિરુદ્ધ છે અને તેને પાછો ખેંચવો જોઈએ.

કઈ માંગણીઓ કરવામાં આવી છે…
સંગઠને સરકારી નોકરીઓમાં નિયુક્ત એસસી, એસટી અને ઓબીસી કર્મચારીઓની જાતિના ડેટા જાહેર કરવા અને ભારતીય ન્યાયિક સેવા દ્વારા ન્યાયિક અધિકારીઓ અને ન્યાયાધીશોની નિમણૂકની માગ કરી છે. NACDAOR કહે છે કે સરકારી સેવાઓમાં SC/ST/OBC કર્મચારીઓના જાતિ આધારિત ડેટા તેમની સચોટ પ્રતિનિધિત્વની ખાતરી કરવા માટે તરત જ જાહેર કરવામાં આવે. સમાજના તમામ વર્ગોમાંથી ન્યાયિક અધિકારીઓ અને ન્યાયાધીશોની ભરતી કરવા માટે ભારતીય ન્યાયિક સેવા આયોગની પણ સ્થાપના કરવી જોઈએ જેથી કરીને ઉચ્ચ ન્યાયતંત્રમાં SC, ST અને OBC શ્રેણીઓનું 50 ટકા પ્રતિનિધિત્વ સુનિશ્ચિત થાય.

સંગઠનનું કહેવું છે કે કેન્દ્ર અને રાજ્ય સરકારના વિભાગો તેમજ જાહેર ક્ષેત્રના ઉપક્રમોમાં તમામ બેકલોગ ખાલી જગ્યાઓ ભરવામાં આવે. સરકારી પ્રોત્સાહનો અથવા રોકાણોથી લાભ મેળવતી ખાનગી ક્ષેત્રની કંપનીઓએ તેમની કંપનીઓમાં હકારાત્મક પગલાંની નીતિઓ લાગુ કરવી જોઈએ. આરક્ષણને લઈને દલિત-આદિવાસી સંગઠનો પણ SC, ST અને OBC માટે સંસદમાં નવો અધિનિયમ પસાર કરવાની હાકલ કરી રહ્યા છે, જેને બંધારણની નવમી અનુસૂચિમાં સામેલ કરીને તેને સુરક્ષિત કરવામાં આવે. તેઓ દલીલ કરે છે કે આ જોગવાઈઓને ન્યાયિક હસ્તક્ષેપથી સુરક્ષિત કરશે અને સામાજિક સંવાદિતાને પ્રોત્સાહન આપશે.