ગુજરાત(Gujarat): આમ આદમી પાર્ટી માટે મુખ્યમંત્રીનો ચહેરો(AAP CM Gujarat) કોણ હશે તેની આતુરતાનો અંત આવ્યો છે. આજે આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં પોતાના CM પદનો ચહેરો જાહેર કરી દીધો છે. અમદાવાદમાં અરવિંદ કેજરીવાલ(Arvind Kejriwal) દ્વારા મુખ્યમંત્રી પદના ચહેરા તરીકે ઇસુદાન ગઢવીનું નામ જાહેર કરવામાં આવ્યું છે. એટલે કે જો ગુજરાતમાં આમ આદમી પાર્ટી(AAP)ની સરકાર બનશે તો ઇસુદાન ગઢવી(Isudan Gadhvi) મુખ્યમંત્રી તરીકે જોવા મળશે.
ઇસુદાન ગઢવીની પત્રકારત્વથી લઇને રાજકારણ સુધીની સફર:
ઇસુદાન ગઢવી કે, જેઓ જામખંભાળિયા તાલુકાના પિપળીયા ગામના વતની છે. તેમના પિતા ખેરાજભાઇ ગઢવી એક સામાન્ય ખેડૂત હતા. સાથે આખો પરિવાર જ ખેડૂત છે. ઇસુદાન ગઢવીએ 2005માં જર્નાલિઝમ અને માસ કોમ્યુનિકેશનમાં માસ્ટર ડિગ્રી મેળવ્યા બાદ તેઓ દૂરદર્શનનાં ‘યોજના’ નામના કાર્યક્રમમાં જોડાયા હતા.
વધુમાં અમે તમને જણાવીએ તો 2005માં હૈદરાબાદ ખાતે તેઓ ETV ગુજરાતીમાં જોડાયા હતા. 2007થી 2011 દરમિયાન તેઓએ પોરબંદરમાં ETV ગુજરાતીના પત્રકાર તરીકે કામ કર્યું હતું. 2011થી 2015 દરમિયાન ઇસુદાન ગઢવીએ ન્યુઝ ચેનલમાં પોલિટિકલ અને ગવર્નન્સ રીલેટેડ સ્ટેટ બ્યુરો ચીફ તરીકે ગાંધીનગરમાં જોડાયા હતા. ત્યારબાદ 2015માં VTVમાં તેઓ ગુજરાતી મીડિયાનાં સૌથી યુવા ચેનલ હેડ તરીકે જોડાયા હતા.
14 જુલાઈ 2021ના રોજ તેઓ AAPમાં જોડાયા હતા:
અમે તમને જણાવી દઈએ કે, ઇસુદાન ગઢવી કે જેઓ નેતા બનતા પહેલા એક પત્રકાર હતા. તેઓ 16 વર્ષ સુધી પત્રકારત્વ સાથે જોડાયેલા હતા. તેઓ ગુજરાતના લોકપ્રિય એન્કર તેમજ ખેડૂત વર્ગમાં પત્રકાર તરીકે ભારે લોક ચાહના ધરાવતા હતા. તેમાં પણ તેમનો રાત્રિના 8થી 9 વાગ્યાનો ‘મહામંથન’ શો લોકોમાં ખુબ જ લોકપ્રિય હતો. માત્ર આટલું જ નહી પરંતુ, ઇસુદાન ગઢવીએ પોતાના પ્રાઇમ ટાઇમ કાર્યક્રમ ‘મહામંથન’થી ગુજરાતની જનતાના દિલ જીતી લીધા હતા.
વધુમાં જણાવીએ તો, ઇશુદાન ગઢવીએ પોતાની સ્પષ્ટ છબીના કારણે ગુજરાતનાં દરેકે દરેક ગામડા સુધી પોતાની આગવી ઓળખ ઉભી કરી હતી. જોકે ત્યારબાદ તેઓએ VTVના એડિટર પદેથી રાજીનામું આપી AAPમાં જોડાયા હતા. 1 જુલાઈ 2021ના રોજ તેઓએ ન્યુઝ ચેનલના એડિટર પદેથી રાજીનામું આપી દીધું હતું અને ત્યારબાદ 14 જુલાઈ 2021ના રોજ તેઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. ત્યારે ખુદ અરવિંદ કેજરીવાલે ટ્વિટર દ્વારા તેઓને પાર્ટીમાં આવકાર્યા હતા. આ સમયે અરવિંદ કેજરીવાલે ઇસુદાન ગઢવીને ‘ગુજરાતના કેજરીવાલ’નું બિરુદ આપ્યું હતું’.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.