સુરત: ભાજપના MLAનો વધુ એક લેટર બોમ્બ, વકરતા રોગચાળાને લઈ કુમાર કાનાણીએ SMC કમિશનરને લખ્યો પત્ર

Varachha MLA Kumar Kanani: સુરત શહેરની વરાછા વિધાનસભા બેઠક પરથી ચૂંટાયેલા ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણી લોકમુદ્દા લઈને અવારનવાર પોતાનો અવાજ ઉઠાવતા હોય છે. પોતાના વિધાનસભા વિસ્તારની સમસ્યા અંગે તેઓ પત્ર લખીને જે-તે વિભાગના મંત્રીઓ (Varachha MLA Kumar Kanani ) તેમજ મુખ્યમંત્રીને રજૂઆત કરતા હોય છે. એવામાં સુરતમાં ફેલાઈ રહેલા મચ્છરજન્ય રોગચાળાને લઈને કુમાર કાનાણીએ શહેરના મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખ્યો છે.

પત્રમાં પાલિકા અધિકારીઓને લીધા આડે હાથ
વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીનો વધુ એક લેટર બોમ્બ સામે આવ્યો છે. આ વખતે રોગચાળા મુદ્દે કુમાર કાનાણીનો રોષ જોવા મળે છે. કુમાર કાનાણીએ રોગચાળા મુદ્દે પાલિકા કમિશનરને પત્ર લખ્યો છે અને પાલિકાના અધિકારીઓને ઉંઘમાંથી જગાડવાનો પ્રયાસ કર્યો છે.

કુમાર કાનાણીએ રોગચાળા મુદ્દે પોતાનો આક્રોષ વ્યક્ત કર્યો છે. તેમણે પત્રમાં લખ્યું છે કે સુરત શહેરમાં હાલ ડેંગ્યુ અને મલેરિયા જેવો રોગચાળો ફાટી નિકળ્યો છે અને મૃત્યના આંકમાં વધારો થઇ રહ્યો છે. હાલ સરકારી અને ખાનગી હોસ્પિટલમાં દર્દીઓને સારવાર માટે જગ્યા મળતી નથી અને બ્લડ બેંકોમાં લોહી પણ મળતું નથી.

“રોગચાળો હોવા છતાં તંત્ર નિંદ્રાધીન અવસ્થામાં”
તેમણે પત્રમાં લખ્યું છે કે આવી ભયંકર સ્થિતીમાં સુરત મહાનગરપાલિકા અને તેનું આરોગ્ય તંત્ર નિન્દ્રાધીન અવસ્થામાં હોય તેવું લાગી રહ્યું છે. જે વિસ્તારમાં કેસો આવે છે તે વિસ્તારોમાં આરોગ્ય તંત્ર દ્વારા ધુમ્રસેલ તથા દવા છંટકાવ જેવી કામગિરી કરવામાં આવતી નથી. ફિલ્ડમાં આવા રોગોના નિયંત્રણ માટે કોઇ પણ પ્રકારની સઘન કામગિરી થતી નથી.

શહેરમાં વકરી રહેલા રોગચાળા મુદ્દે લખ્યો પત્ર
પત્રમાં તેમણે રોષ વ્યક્ત કર્યો છે કે સુરત મહાનગરપાલિકાનું તંત્ર માત્ર એસી ચેમ્બરોમાં બેસી કાગળ પર કામગિરી કરી રહ્યું છે. તો આ બાબતે નિન્દ્રા અવસ્થામાંથી જાગી લોકોના આરોગ્યની ચિંતા કરી તત્કાળ ધોરણે ઠોસ કામગિરી કરવામાં આવે તે બાબતે યોગ્ય પગલાં લેશો.