ગુજરાતના સુપ્રસિદ્ધ લેખિકા કુન્દનિકા કાપડિયાનું જૈફ વયે નિધન થયું છે. કુન્દનિકા કાપડિયા છેલ્લા ઘણા વર્ષોથી વલસાડ ના નંદીગ્રામના આશ્રમમાં રહેતા હતા. અને અહીં જ તેમણે અંતિમ શ્વાસ લીધા. સાત પગલાં આકાશમાં એ કુન્દનિકા કાપડિયાની સૌથી જાણીતી કૃતિ છે.
‘સ્નેહધન’ (૧૧-૧-૧૯૨૭) : વાર્તાકાર, નવલકથાકાર. લીંબડીમાં જન્મ. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ ગોધરામાં. ૧૯૪૮માં ભાવનગરથી રાજકારણ અને ઈતિહાસ વિષયો સાથે બી.એ. ૧૯૫૫ થી ૧૯૫૭ સુધી ‘યાત્રિક’ ને ૧૯૬૨ થી ૧૯૮૦ સુધી ‘નવનીત’નાં સંપાદક. ૧૯૮૫ નો સાહિત્ય અકાદમી, દિલ્હીનો પુરસ્કાર.
એમની પ્રથમ રચના ‘પ્રેમનાં આંસુ’ વાર્તા છે. ધૂમકેતુ, શરદબાબુ, ટાગોર, શેક્સપિયર અને ઈબ્સનમાંથી પોતાને સર્જનકાર્યની પ્રેરણા મળી હોવાનું એ જણાવે છે. એમના વાર્તાસંગ્રહોમાં ‘પ્રેમનાં આંસુ’ (૧૯૫૪) તથા ‘વધુ ને વધુ સુંદર’ (૧૯૬૮), ‘કાગળની હોડી’ (૧૯૭૮) અને ‘જવા દઈશું તમને’ (૧૯૮૩) મુખ્ય છે. ફિલસૂફી, સંગીત ને પ્રકૃતિ જેવા વિષયોને વિશેષ રીતે પ્રયોજતી એમની વાર્તાઓમાં રહસ્યમયતા કોઈ ને કોઈ રીતે આલેખાયેલી હોય છે.
એમણે લખેલી ત્રણ નવલકથાઓ પૈકી પહેલી ‘પરોઢ થતાં પહેલાં’ (૧૯૬૮) જીવનમાં પડેલા દુઃખના તત્ત્વને અતિક્રમીને મનુષ્ય પોતાના આનંદરુપ સાથે શી રીતે અનુસંધિત થઈ શકે એ મૂળભૂત પ્રશ્ન છેડીને કલાત્મક ધ્વનિમયતાથી પરોઢનાં આશાકિરણની ઝાંખી કરાવતી કથા છે. ‘અગનપિપાસા’ (૧૯૭૨) બુદ્ધિ કરતાં હૃદય પરની આસ્થા પ્રગટ કરીને નવો દ્રષ્ટિકોણ પ્રગટ કરતી કથા છે. ‘સાત પગલાં આકાશમાં’ (૧૯૮૪) નામની એમની બહુચર્ચિત દીર્ધનવલ આધુનિક નારીના વિદ્રોહની કંઈક અંશે દસ્તાવેજી કથા છે.
એમણે ત્રણેક અનુવાદો આપ્યા છેઃ શ્રીમતી લોરા ઈંગ્લસ વાઈલ્ડર નામની લેખિકાની નવલકથાનો અનુવાદ ‘વસંત આવશે’ (૧૯૬૨) મેરી એલન ચેઝના જીવનના-ખાસ કરી બાળપણના અનુભવોનો સાહિત્યિક સુષમાવાળો અનુવાદ ‘દિલભર મૈત્રી’ (૧૯૬૩) અને બંગાળી લેખિકા રાણી ચંદના- પ્રવાસવર્ણનનો અનુવાદ ‘પૂર્ણકુંભ’ (૧૯૭૭), ઉપરાંત એમના પ્રકીર્ણ લેખોનો સંગ્રહ ‘દ્વાર અને દીવાલ’ (૧૯૫૫), પ્રાર્થનાસંકલન ‘પરમસમીપે’ (૧૯૮૨) પણ નોંધપાત્ર છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news