સુરત ડાયમંડ બુર્સના સંચાલકોનો ભૂતિયા બિલ્ડિંગને શરૂ કરવાનો વધુ એક પ્રયાસ

Surat Diamond Bourse: વિશ્વના સૌથી મોટા કમર્શિયલ બિલ્ડિંગ સુરત ડાયમંડ બુર્સના ઉદ્દઘાટનને લાંબો સમય વીતી ગયા બાદ હજુ સુધી બુર્સમાં હીરાનો વેપાર શરૂ થયો નથી. ત્યારે આ ભવ્ય ઈમારત ભૂતિયા બની ગઈ હોય તેવો ભાસ થવા લાગ્યો છે. સુરત ડાયમંડ બુર્સ (Surat Diamond Bourse) નિષ્ફળ રહ્યું હોવાના દાવા થવા લાગ્યા છે ત્યારે સુરત ડાયમંડ બુર્સની કમિટી પૂરા જોશથી બુર્સને ધમધમતું કરવાના પ્રયાસ કરી રહી છે. આજે ફરી એકવાર સુરત ડાયમંડ બુર્સના લાલજી પટેલે એક વીડિયો જાહેર કરીને દશેરાના દિવસથી બુર્સનો ઘોડો દોડશે તેવી જાહેરાત કરી છે.

500 ટેબ મુકાયા
લાલજી પટેલે વીડિયોમાં કહ્યું કે, સુરતના મહીધરપુરા, મીનીબજાર, ચોક્સીબજારના 40 હીરાના વેપારીઓ દશેરાના દિવસે સુરત ડાયમંડ બુર્સમાં ખરીદી કરવા આવશે. આ સાથે જ દશેરાના દિવસથી બુર્સમાં વેપાર ધમધમતો થશે. હીરા બજારના વેપારીઓની અવરજવર બુર્સમાં વધશે.

બુર્સમાં નાના વેપારીઓ માટે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે 150 જેટલી કેબિન બનાવાઈ છે, જે વેપારીઓને ભાડે આપવામાં આવશે. આ ઉપરાંત એક મોટા હોલમાં 500 ટેબલ મુકવામાં આવ્યા છે, જેની પર વેપારી, દલાલો સોદા કરી શકશે.

મંદી પર ઠીકરું ફોડાયું
આ ઉપરાંત લેબગ્રોન ડાયમંડનો વેપાર પણ બુર્સમાં શરૂ થાય તે માટે આવતીકાલે તા. 5 ઓક્ટોબરના રોજ લેબગ્રોન ડાયમંડ એસોસિએશનની આગેવાનીમાં એક મિટિંગનું આયોજન કરાયું છે, તેમની જરૂરિયાત અનુસાર બુર્સમાં વ્યવસ્થા ગોઠવવામાં આવશે.લાલજી પટેલે વધુમાં કહ્યું કે, વૈશ્વિક સ્તરે હીરા ઉદ્યોગમાં મંદીના પગલે બુર્સને કાર્યાન્વિત થવામાં સમય લાગી રહ્યો છે, પરંતુ વહેલું મોડું તે ધમધમતું થશે. તેમાં કોઈ શંકા કે ડર રાખવાની જરૂર નથી. તો ચાલો હવે જોવાનું રહ્યું કે ડાયમંડ બુર્સ ધમધમશે કે નહિ?