કેરલના વાયનાડમાં ભારે વરસાદ વચ્ચે ભૂસ્ખલન: 43નાં મોત; 4 ગામો ધોવાઈ ગયા, 400થી વધુ લોકો ગાયબ

Landslide in Wayanad: કેરળના વાયનાડ જિલ્લામાં ભારે વરસાદને કારણે મંગળવારે વહેલી સવારે ભૂસ્ખલન થયું હતું. ભૂસ્ખલનની અનેક ઘટનાઓમાં 43 લોકો કાટમાળ નીચે દબાઈ જવાથી મૃત્યુ પામ્યા છે. આ ઘટનામાં મોટાપાયે નુકશાન થવાની આશંકા છે. વાયનાડના(Landslide in Wayanad) મેપ્પડી, મુબાદક્કઈ અને ચુરલ માલા પહાડીઓમાં ભૂસ્ખલન થયું છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર સવારે લગભગ 1 વાગ્યાની આસપાસ મુબાદક્કાઈમાં પ્રથમ ભૂસ્ખલન થયું હતું.

અધિકારીઓએ જણાવ્યું હતું કે, આગામી ભૂસ્ખલન ચુરલ માલા ખાતે સવારે 4 વાગ્યે થયું હતું. તે સમયે બચાવ કામગીરી ચાલી રહી હતી. એક શાળા કે જે શિબિર તરીકે સેવા આપતી હતી, એક ઘર, એક શાળા બસ આ બધું જ પૂર અને કાદવ અને પાણીથી ભરાઈ ગયું હતું.

પુલ ધરાશાયી થવાથી 400 પરિવારો ફસાયા
અહેવાલો અનુસાર, ચુરલ માલા શહેરમાં પુલ તૂટી પડતાં 400 થી વધુ પરિવારો ફસાયેલા છે. ઘણા લોકો ઘાયલ થયાના અહેવાલ છે અને ઘણા ઘરો ધોવાઈ ગયા છે. સમગ્ર વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાઈ જવાને કારણે હાલ નુકસાનનું આકલન કરી શકાતું નથી.

સરકારી એજન્સીઓ બચાવ કામગીરીમાં વ્યસ્ત છે
કેરળ સરકાર એક્શનમાં આવી ગઈ છે. મુખ્યમંત્રી પી વિજયને કહ્યું કે તમામ સરકારી એજન્સીઓને બચાવ કામગીરીમાં તૈનાત કરવામાં આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે સ્થિતિ વધુ વણસી શકે છે. ઘટનાની જાણ થતાં સરકારી તંત્રએ બચાવ કામગીરી હાથ ધરી છે. કેટલાક મંત્રીઓ વાયનાડ પહોંચશે અને પ્રવૃત્તિઓનું નેતૃત્વ કરશે. કન્નુર ડિફેન્સ સિક્યુરિટી કોર્પ્સની બે ટીમ ટૂંક સમયમાં બચાવ કામગીરી માટે ઘટનાસ્થળે પહોંચી જશે. વાયુસેનાના બે હેલિકોપ્ટર સાંજે સાડા સાત વાગ્યે સુલુરથી ઉડાન ભરશે.

ઈમરજન્સી નંબર જારી કર્યા
કેરળના મુખ્યમંત્રી કાર્યાલયે માહિતી આપી હતી કે વાયનાડ જિલ્લામાં ભૂસ્ખલન સહિત વરસાદને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગ-રાષ્ટ્રીય સ્વાસ્થ્ય મિશનએ એક કંટ્રોલ રૂમ ખોલ્યો છે. ઇમરજન્સી મદદ માટે 9656938689 અને 8086010833 નંબર જારી કરવામાં આવ્યા છે.

ભારે વરસાદની ચેતવણી
દરમિયાન, હવામાન વિભાગે આગામી ત્રણ કલાક દરમિયાન કેરળના મલપ્પુરમ અને કન્નુર જિલ્લાઓ માટે ચેતવણી જાહેર કરી છે. કેરળના કોલ્લમ, અલપ્પુઝા, કોટ્ટાયમ, એર્નાકુલમ, થ્રિસુર અને મલપ્પુરમ જિલ્લામાં આગામી ત્રણ કલાક દરમિયાન છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે.