Pramukh Swami Maharaj Shatabdi Mahotsav: પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવના છઠ્ઠા દિવસે, પ્રમુખસ્વામી મહારાજ નગરમાં વિશાળ ભક્તમેદનીથી છલકાતાં નારાયણ સભાગૃહમાં વિશ્વના વિવિધ ધર્મો અને સંપ્રદાયોના પ્રતિનિધિઓ ‘સંવાદિતા દિન’ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.
મહત્વનું છે કે, ભગવાનના ધૂન, પ્રાર્થના અને કીર્તન સાથે સાંજે 5.15 વાગ્યે કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો. વિશ્વભરમાં શાંતિ અને સંવાદિતાના દૂત એવા પ્રમુખસ્વામી મહારાજને યુવાવૃંદ દ્વારા વિશિષ્ટ નૃત્યના માધ્યમથી અંજલિ અર્પણ કરવામાં આવી હતી.
વિશ્વ વંદનીય સંત પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ હિન્દુ, જૈન બૌદ્ધ, શીખ, ખ્રિસ્તી, મુસ્લિમ, યહૂદી કે અન્ય કોઈપણ ધર્મો અને સંપ્રદાયો પ્રતિ હંમેશા આદર દાખવ્યો હતો. કોઈ પણ ધર્મ કે સંપ્રદાયના વ્યક્તિને પ્રમુખસ્વામી મહારાજની અક્ષુણ્ણ સાધુતા, અહંશૂન્યતા, પમાત્મા પ્રત્યે અનન્ય શ્રદ્ધા, નિષ્કલંક ચારિત્ર્ય, પવિત્રતા અને નિ:સ્વાર્થ ભાવનાઓ સ્પર્શી હતી.
પૂજ્ય શ્રી સદગુરુ ઉદયસિંઘજી મહારાજ, અધ્યક્ષ, નામધારી શીખ સમાજ:
સદગુરુ ઉદયસિંઘજી મહારાજે કહ્યું હતું કે, આજે પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ ઉજવાય છે તેના માટે હું આપ સૌને ધન્યવાદ આપુ છું અને એવી પ્રાર્થના કરું છું કે તેમને શીખવેલા જીવનમૂલ્યો આપણાં સૌના જીવનમાં ચરિતાર્થ થાય અને વિશ્વમાં શાંતિનું વાતાવરણ સ્થપાય. ભલે આપણાં સંપ્રદાય અલગ અલગ હશે પરંતુ આપનો ધર્મ એક જ છે તે છે સંવાદિતા. સાધુ સંતોના સમાગમથી માણસના જીવનની મનની બળતરા શાંત છે અને પ્રમુખસ્વામી મહારાજ એ પણ આપણને નિત્ય પ્રત્યે સંત સમાગમ કરવાનું કહ્યું છે જેથી આપણાં જીવનમાં શાંતિ રહે.
આજે મે પ્રદર્શનમાં જોયું કે પ્રમુખસ્વામી મહારાજ એ ગામડે ગામડે વિચરણ કરીને ભક્તોના મનોરથ પૂરા કર્યા છે અને આશીર્વાદ આપ્યા છે તો મારા મતે એ જ સાચો ધર્મ છે. આપણે જો બાળકોને શીખવાડીશું કે આપનો ધર્મ એક છે અને ભગવાન એક છે તો તે બાળકો ભવિષ્યમાં આદર્શ નાગરિક બનશે અને પ્રમુખસ્વામી મહારાજે બાળકોને એ જ સંસ્કાર આપ્યા છે જે વાતનો મને આનંદ છે. પ્રમુખસ્વામી મહારાજનો જીવન સંદેશ આપ દુનિયાભરમાં પહોંચાડી શકો તે માટે ભગવાનને પ્રાર્થના કરું છું.
આચાર્ય ડૉ. લોકેશમુનિજી, સ્થાપક પ્રમુખ, અહિંસા વિશ્વ ભારતી:
આચાર્ય ડૉ. લોકેશમુનિએ કહ્યું કે, પ્રમુખસ્વામી મહારાજ સાચા અર્થમાં આધ્યાત્મિક સંસ્કૃતિના મહાન સૂર્ય હતા અને સૂર્ય ક્યારેય પૃથ્વી પરથી અસ્ત થતો નથી, કેવળ આપણી આંખો સામેથી ઓઝલ થાય છે, તે રીતે પ્રમુખસ્વામી મહારાજ તેમના જીવન કાર્યો થી સદાય યાદ રહેશે. પ્રમુખસ્વામી મહારાજને ભારતરત્ન , પદ્મભૂષણ , નોબેલ પ્રાઈઝ વગેરે આપીએ તો પણ ઓછું છે તેવું તેમનું જીવન અને કાર્ય છે.
પૂજ્ય ભિખ્ખુ સંઘસેના, સ્થાપક પ્રમુખ, મહાબોધિ ઇન્ટરનેશનલ મેડિટેશન સેન્ટર(MIMC):
આજે આ પ્રમુખસ્વામી મહારાજ નગરને જોઈને અને અહીં દર્શાવેલા જીવનમૂલ્યોના સંદેશોને જોઈને મને વિશ્વાસ છે કે ભારત દેશ સાચા અર્થ માં વિશ્વગુરુ બનશે અને બીએપીએસ સંસ્થાનો તેમાં અમૂલ્ય ફાળો રહેશે.
શ્રી બાવા જૈન, સેક્રેટરી જનરલ, વર્લ્ડ કાઉન્સિલ ઓફ રિલીજીયસ લીડર્સ:
જણાવતા કહ્યું હતું કે, મારા માટે આ ભાગ્યનો દિવસ છે કે અનેક ધર્મગુરુઓની વચ્ચે આવવાની તક મળી. અહી પ્રમુખસ્વામી મહારાજ નગર 80,000 સ્વયંસેવકો સેવા કરે છે અને તેમને જોઈને વડાપ્રધાનશ્રી નરેન્દ્ર ભાઈ મોદી એ કહ્યું હતું કે હું પણ સ્વયં સેવક છું એ રીતે હું પણ સ્વયંસેવક નંબર 80,002 છું. આ પ્રમુખસ્વામી મહારાજ ની ભવ્યતા અનોખી છે કારણકે રવિવારે 2,50,000 માણસો આવ્યા નગર અને બધાને નાતજાતના ભેદભાવ વગર અહી નગરમાં જમાડ્યા એનાથી વધારે સંવાદિતાનું મોટું ઉદાહણ બીજું શું હોઈ શકે?
વધુમાં કહ્યું હતું કે, મારા મતે પ્રમુખસ્વામી મહારાજ એ આધુનિક વિશ્વનાં વિશ્વકર્મા છે. યુનાઈટેડ નેશન્સનીની મિલેનિયમ સમિટમાં પ્રમુખસ્વામી મહારાજે આપેલા સંવાદિતાના સંદેશે દુનિયાભરમાં હિન્દુ ધર્મ અને હિન્દુ સંસ્કૃતિનું ગૌરવ વધાર્યું હતું. મને આજે પણ પ્રમુખસ્વામી મહારાજે આપેલા આશીર્વાદની અનુભૂતિ થાય છે અને સદાય પ્રમુખસ્વામી મહારાજ મારી સાથે જ છે તેવી અનુભૂતિ થાય છે.આજે પ્રમુખસ્વામી મહારાજ ભલે આપણી વચ્ચે નથી પરંતુ એમની આઘ્યાત્મિક પરંપરા મહંત સ્વામી મહારાજ દ્વારા ચાલુ જ છે એ જ આ સંસ્થાની વિશેષતા છે.
પરમ ગુરુદેવ પૂજ્ય નમ્રમુનિ મહારાજ સાહેબજી, સ્થાપક, પારસધામ:
પ્રમુખસ્વામી મહારાજનું નામ ભલે પ્રમુખ હોય પરંતુ મુખ જેનું પ્રભુ મુખ સમાન હોય તેવા એ વિરલ સંત હતા. તેવું જ તેજ , દિવ્યતા અને તેવું જ પ્રભુ મુખ મહંતસ્વામી મહારાજનું છે.
સાદીકવલ-આઇદિઝ-ઝહાબી ભાઈસાહેબ જલાલુદ્દીન, દાઉદી બોહરા સમાજ:
પ્રમુખસ્વામી મહારાજે તેમનું સમગ્ર જીવન સમાજસેવા માટે ન્યોછાવર કર્યું હતું જેની સાથે સાથે લોકોને ઉચ્ચ જીવન જીવવાની પ્રેરણા આપી હતી અને અન્યને પ્રેરણા આપી શકે તેવા સમાજનું નિર્માણ કર્યું છે. જુદા જુદા ફળ ફૂલો વૃક્ષો એ ગાર્ડનની શોભા વધારે છે તે રીતે જુદા જુદા ધર્મો ભેગા થઈને સમાજ સેવાનું કાર્ય કરશે તો “વિવિધતામાં એકતા” નો સંદેશ સમગ્ર વિશ્વમાં ફેલાશે. આજે હું મહંત સ્વામી મહારાજ ને મળીને અભિભૂત થયો છું.
આર્કબિશપ થોમસ મેકવાન, આર્કડાયૉસેસ ઓફ ગાંધીનગર:
પ્રમુખસ્વામી મહારાજ સદા ઈશ્વરની હાજરી માં જીવનાર સંત હતા અને તેમનામાં સદાય ઈશ્વરનો પ્રાણ વસતો હતો. આ પ્રમુખસ્વામી મહારાજ નગરમાં આધ્યાત્મિકતાનો સાગર વહે છે.
પૂજ્ય પરમાત્માનંદજી, સ્થાપક આચાર્ય, આર્ષ વિદ્યા મંદિર:
પ્રમુખસ્વામી મહારાજ સાચા અર્થમાં સંવાદિતાનું મૂર્તિમાન સ્વરૂપ હતા. હું દ્રઢપણે માનું છું કે વિશ્વ સંવાદિતા દિવસ ને વિશ્વ પ્રમુખસ્વામી મહારાજ દિવસ તરીકે મનાવવો જોઈએ.
પ.પૂ. સ્વામી અવધેશાનન્દ ગીરીજી – મહામંડલેશ્વર – જૂના અખાડા:
વિવિધતા માં એકતા” અને “સર્વે ભવન્તુ સુખીન:” એ આપણી ભારતીય સંસ્કૃતિ છે અને આ સંસ્કૃતિનું પોષણ અને સંવર્ધનનું કાર્ય પ્રમુખસ્વામી મહારાજે વિશ્વભરમાં કર્યું છે.
પ્રમુખસ્વામી નગરમાં વિશ્વના વિવિધ ધર્મો અને સંપ્રદાયોના અગ્રણીઓ એક મંચ પર:
પ્રમુખસ્વામી નગરમાં શ્રી બાવા જૈન, સેક્રેટરી જનરલ, વર્લ્ડ કાઉન્સિલ ઓફ રિલીજીયસ લીડર્સ; પૂજ્ય શ્રી સદગુરુ ઉદયસિંઘજી મહારાજ, અધ્યક્ષ, નામધારી શીખ સમાજ; ; પ્રો. ડૉ ચિરાપત પ્રપંડવિદ્યા, સ્થાપક, સિલ્પકોર્ન યુનિવર્સિટી, થાઈલેન્ડ; આચાર્ય ડૉ. લોકેશમુનિજી, સ્થાપક પ્રમુખ, અહિંસા વિશ્વ ભારતી; પૂજ્ય ભિખ્ખુ સંઘસેના, સ્થાપક પ્રમુખ, મહાબોધિ ઇન્ટરનેશનલ મેડિટેશન સેન્ટર(MIMC); રબ્બી એઝેકેઇલ આઇઝેક માલેકર, અગ્રણી, યહૂદી સમાજ; સાદીકવલ-આઇદિઝ-ઝહાબી ભાઈસાહેબ જલાલુદ્દીન, દાઉદી બોહરા સમાજ; આર્કબિશપ થોમસ મેકવાન, આર્કડાયૉસેસ ઓફ ગાંધીનગર; પદ્મશ્રી એ. આઈ. ઉદયન, ગાંધીપુરી આશ્રમ, ઈન્ડોનેશિયા; પૂજ્ય પરમાત્માનંદજી, સ્થાપક આચાર્ય, આર્ષ વિદ્યા મંદિર; પરમ ગુરુદેવ પૂજ્ય નમ્રમુનિ મહારાજ સાહેબજી, સ્થાપક, પારસધામ; હિઝ એક્સેલન્સી અબ્દુલ રહમાન બુ અલી, અગ્રણી વિચારક, બાહરીન અને પ. પૂ. સ્વામી અવધેશાનન્દજી વિષય : એકમ વિશ્વમ એક નીડમ એક મંચ પર ઉપસ્થિત રહ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.