ગૃહિણીઓનું બજેટ ખોરવાયું: ઉનાળાની શરૂઆતમાં જ લીંબુના ભાવ ભડકે બળ્યાં, જાણો નવો ભાવ

Lemon Prices Hike News: ગુજરાતમાં ગરમીનો પારો ઉચકાઈ રહ્યો છે. બદલાતા હવામાન સાથે શાકભાજીના ભાવમાં ધરખમ બદલાવ થઈ રહ્યો છે. ગરમીનો પારો (Lemon Prices Hike News) વધતા જ લીંબુના ભાવમાં તોતિંગ વધારો જોવા મળ્યો. ગરમીમાં સૌથી વધુ વપરાશમાં લેવાતા લીંબુની માગ વધારે હોય છે ત્યારે વધતા ભાવના કારણે ગૃહિણીઓની ચિંતામાં વધારો થયો છે.

લીંબુના ભાવમાં વધારો
એક સપ્તાહ પહેલા લીંબુના ભાવ 100 રૂ કિલો હતા જ્યારે આ સપ્તાહની શરૂઆત સાથે જ સીધા 60 રૂપિયા વધતા પ્રતિ કિલો લીંબુના ભાવ 160 એ પંહોચ્યા છે. જથ્થાબંધ માર્કેટમાં લીંબુનું 160 રુપિયામાં વેચાણ થાય છે જ્યારે છૂટક બજારમાં 200 રૂ કિલોએ વેચાય છે. આમ, એક જ સપ્તાહની અંદર લીંબુમાં સીધો 60 રૂપિયાનો વધારો થતા ગૃહિણીઓનું મહિનાનું બજેટ ખોરવાઈ ગયું છે.

ગૃહિણીઓની ફરિયાદ છે કે છેલ્લા ઘણા સમયથી અમે જોઈએ છીએ કે દરેક સિઝનમાં જે વસ્તુની માગ હોય છે તેમાં અચાનક તોતિંગ ભાવ વધારો થઈ જાય છે. દર વર્ષે ઉનાળાની શરૂઆત થાય અને ગધેડે પીટાતા લીંબુના ભાવ રાતોરાત આસમાને પંહોચી જાય છે. અને એટલે જ જ્યાં જરૂર પૂરતા જ લીંબુ લઈએ છીએ.

વેપારીએ કહી આ વાત
લીંબુના ભાવ વધારાને લઈને વેપારીઓ કોઈ જુદો જ રાગ આલાપી રહ્યા છે. વેપારીઓનું કહેવું છે કે બજારમાં લીંબુની માગ વધતા તેના ભાવમાં વધારો થયો છે. લીંબુના ભાવ વધતા અમારા વેપારમાં પણ અસર થાય છે. આગામી દિવસોમાં કાળઝાળ ગરમીમાં માગમાં વધારો થતા સંભવત લીંબુના ભાવના તાપમાનનો પારો 200 રૂપિયાથી વધુ વધી શકે છે.

લીંબુના ભાવ વધતા ગૃહિણીઓના બજેટની સાથે લોકોના સ્વાસ્થ્ય પર પણ અસર પડી શકે છે. ગરમીના પ્રકોપને લઈને નિષ્ણાત તબીબો લીંબુ પાણી પીવાનું સૂચન કરતા હોય છે. પરંતુ લીંબુના ભાવમાં અધધ…વધારો થતા ગૃહિણીઓ પરિવારના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવા અન્ય વિકલ્પો પર વિચાર કરશે.