ઈ.સ 1893માં જન્મેલા શંભુભાઈ પટેલ પટેલ સમાજને અનુલક્ષીને સંશોધનાત્મક ઇતિહાસ લખીને સમાજ માટે ઉપકારક કામ કર્યું હતું.તેમાં સૌરાષ્ટ્રના ગામડા ખૂંદી ને લેઉવા પટેલ સમાજના જ્ઞાતિ રત્નો અંગે તેમણે સંશોધન કરી ઉત્તમ સાહિત્યનું સર્જન કર્યું હતું.
આવા ઉત્કૃષ્ટ લખાણોથી શોભતું તેમનું પુસ્તક ‘પ્રભુની ફૂલવાડી’ સમાજ માટે પથદર્શક સાબિત થયું હતું.આવી જ રીતે અમરેલી સ્થિત પત્રકાર ગોરધનભાઇ સોરઠીયાએ પણ લેવા સમાજ અંગે તલસ્પર્શી અભ્યાસ અને સંશોધન કરીને અનેક પુસ્તકોની રચના કરી છે. સમાજ અંગે પરિચ્યાત્મક પુસ્તકો દીવાદાંડીરૂપ હોય છે.
સ્વર્ગસ્થ શ્રી શંભુભાઇ પટેલ અને શ્રી ગોરધનભાઈ સોરઠીયા જેવા સંશોધકોએ સમાજ પર મોટો ઉપકાર કર્યો છે. તેમણે લેઉવા પટેલ સમાજ પર સારું એવું સંશોધન કર્યું છે.ઈતિહાસમાં આલેખવામાં આવેલ આ આ મહાનુભાવોએ ભારે જહેમત ઉઠાવી છે. જોકે શ્રી ગોરધનભાઇ સોરઠીયાએ હવે મોટી ઉંમરે પહોંચ્યા છે. આમ છતા લેખન અને પત્રકારત્વ સાથે તેઓ હંમેશા સંકળાયેલા રહ્યા છે.
દેશને આઝાદી મળ્યા બાદ લેવા પટેલ સમાજ ના યોગદાન અંગે ઈતિહાસ રચવાની તાતી જરૂરિયાત છે. દેશને આઝાદી મળ્યા બાદ ગુજરાતમાં લેવા પટેલ સમાજ નોંધપાત્ર પ્રગતિ સાધી છે. આર્થિક, રાજકીય અને સામાજિક ક્ષેત્રે લેવા પટેલ સમાજના મહાનુભાવો નું મોટું યોગદાન રહ્યું છે. અગાઉ પટેલ સમાજની દરેક ક્ષેત્રે અવગણના કરવામાં આવતી હતી. જોકે આજે પરિસ્થિતિ પલટાઈ ગઈ છે. આજે પટેલ સમાજની જરીકે અવગણના કરવી કોઈને પોસાય તેમ નથી. આપણા સમાજની ઘણી બધી વ્યક્તિઓએ ઉદ્યોગ તથા વેપાર ક્ષેત્ર સહિત શિક્ષણ, વકીલાત, સામાજિક સેવાઓમાં સહિતના અનેક ક્ષેત્રે ખૂબ જ વિકાસ સાધ્યો છે. ગુજરાતના વિકાસમાં લેઉવા પટેલ સમાજનો મોટો સહયોગ રહ્યો છે. આપણા સમાજના મહાનુભાવો અને મુખ્યમંત્રી પદ, પ્રધાનપદુ, સાંસદ કે ધારાસભ્ય તરીકે સમગ્ર સમાજને નેતૃત્વ પૂરું પાડયું છે.
આવા મહાનુભાવોને તથા અન્ય વિવિધ ક્ષેત્રોમાં મહત્વપૂર્ણ યોગદાન આપનારાઓને પરિચય આપતા પુસ્તકોની હંમેશા ખોટ રહી છે. આઝાદી પછીનો ઈતિહાસ લખવાનું પડકારરૂપ કામ પાર પાડવાનું બીડું કોણ ઝડપશે? પટેલ સમાજના સામાજિક રાજકીય અને આર્થિક દરજ્જાને તથા તેમના મહિમા પૂર્ણ યોગદાન અંગે કંઇ કેટલી માહિતીઓ પડેલી છે! આવી બધી ગૌરવપ્રદ બાબતોનું સંશોધન કરીને તેનું આલેખન કરીને સમાજની સેવા કરવાની પહેલ કોઈએ તો કરવી જ પડશે ને!
આપણા સમાજના નિવૃત્ત પ્રાધ્યાપક તથા સંશોધક શ્રી મનસુખ ભાઈ સાવલિયા જેવા રત્નોને આવું આહવાન ઉપાડી લેવા સમાજે તેમને વિનંતી કરવી જોઈએ. કામ ઘણું મોટું છે. આથી એક કે તેથી વધુ સંશોધકો લેખકો પત્રકારો નો આમાં સહયોગ લેવો પડશે.
આઝાદી પછીના લેવા પટેલ સમાજના ઇતિહાસના મુદ્દાને ગંભીરતાથી હાથમાં લેવાનો સમય હવે પાકી ગયો છે. સમાજના મહાનુભાવો આ મામલામાં રસ લેવો પડશે.આવા સંશોધન તથા પુસ્તકોના પ્રકાશન માટે એક અલાયદું ફાઉન્ડેશન રચવાની જરૂર છે. ઇતિહાસ બાબતે સંશોધકોએ ગામડાને ખુંદવા પડશે. પુસ્તક પ્રકાશન માટે પણ મોટો ખર્ચ થઈ શકે તેમ છે.
આ માટે અલાયદા અને મોટી રકમના ફંડની જરૂર પડશે.જોકે લેવા પટેલ સમાજની ઉડીને આંખે વળગે એવી એક લાક્ષણિકતા છે કે કોઈ સારું કામ નાણાના અભાવે ક્યારેય અટક્યું નથી. જરૂર છે તો માત્ર આવી જવાબદારી લેનારા નિષ્ઠાવાન કર્મયોગીઓ ની! અમને આશા છે કે લેવા પટેલ સમાજ અમારા આ સૂચન સંદર્ભે ઝડપથી વિચારી તેને એક નક્કર સ્વરૂપ આપવા પ્રયત્નશીલ બનશે.
અમને અપેક્ષા છે કે સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સમાજના તમામ અગ્રણીઓ સહીત ભાઈ-બહેનો આ કામને ટોચની અગ્રતા સમજી આ દિશામાં જે કંઈ કામ કરી શકાય છે તે બાબતે સૌ સક્રીય થશે તો જ આ અતિ મહત્ત્વના કામ નું પરિણામ મળી શકશે. આ કામ શક્ય તેટલું ઝડપથી હાથ માં લેવાય તે પણ એટલું જ અગત્યનું છે. -ટી જી ઝાલાવાડિયા
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news