Lightning Strike: ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. ગઈકાલે એટલે કે 15 મે કચ્છ, અંબાજી, ડાંગ, સુરેન્દ્રનગર, રાજકોટ, જૂનાગઢ, દ્વારકા, અમરેલી, પોરબંદર, ભરૂચ અને અંબાજી સહિતના વિસ્તારોમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. તો સતત વરસતા કમોસમી વરસાદના પગલે ખેતીના પાકને નુકસાન થયું છે. જ્યારે વીજળી પડવાથી(Lightning Strike) પોરબંદરમાં બે લોકો અને સુરેન્દ્રનગરમાં બે લોકોના મોત થયાના સમાચાર સામે આવ્યા છે. બીજી તરફ, રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા આવતીકાલે પણ છુટાછવાયા વરસાદની આગાહી કરાઈ છે.
પોરબંદરમાં વીજળી પડતા બેના મોત
પોરબંદરના બરડા પંથકમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો છે. જેમાં પોરબંદરના સીસલી અને સોઢાણા ગામે વીજ પડવાથી બે વ્યક્તિઓના મોત થયા છે. જેમાં સોઢાણા ગામે વાડી વિસ્તારમાં વીજળી પડતા જીવાભાઇ ગીગાભાઈ કારાવદરા (ઉ.વ.60) અને વડાળાના બાલુભાઇ કારાભાઈ ઓડેદરાનું પણ ઘટનાસ્થળે મોત થયું હોવાનું સામે આવ્યું છે.
સુરેન્દ્રનગરમાં વીજળી પડતા બે લોકોના મોત
સુરેન્દ્રનગર જિલ્લામાં બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. સુરેન્દ્રનગર અને વઢવાણના શહેરી વિસ્તારમાં ગાજવીજ અને કરા સાથે કમોસમી વરસાદ પડ્યો હતો. વઢવાણના રામપરા, ટીંબા, વાઘેલા, માળો સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડ્યો છે. ઉપરાંત ચોટીલાના મોલડી આસપાસના વિસ્તારમાં કરા સાથે વરસાદ ખાબક્યો હતો. તો સુરેન્દ્રનગરના ચોટીલાના મોકાસર ગામે વીજળી પડતા 18 વર્ષીય યુવતી અને ખાટડી ગામે આધેડનું મોત નિપજ્યું હતું. આ ઉપરાંત ખેરાણા ગામમાં વીજળી પડતા બે બળદના મોત નિપજ્યા હતા. બીજી તરફ, કમોસમી વરસાદ અને ભારે પવનના કારણે બાગાયતી પાકને મોટુ નુકસાન થયું છે અને લીંબુનો પાક ખરી પડ્યો છે.
અમરેલીના બાબરામાં મહિલા ઘાયલ
અમરેલીના બાબરા શહેરમાં એક મહિલા પર વીજળી પડતાં ઈજાગ્રસ્ત મહિલાને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. બપોર બાદ ભારે પવન અને વીજળીના કડકા ભડકા સાથે કમોસમી વરસાદ પડ્યો ત્યારે આ દુર્ઘટના સર્જાઈ હતી.
રાજ્યના 18 જિલ્લામાં વરસાદની આગાહી
રાજ્યના 18 જિલ્લામાં હળવા વરસાદની આગાહી કરાઈ છે. તાપી, નર્મદા, ડાંગ, કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, મહેસાણા, અમદાવાદ, ખેડા, ગાંધીનગર, અરવલ્લી, બોટાદ, સુરેન્દ્રનગર, ભાવનગર, જૂનાગઢ, પોરબંદર, રાજકોટમાં હજુ વરસાદ પડવાની આગાહી છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App