અગામી 4 દિવસ ચમકશે વીજળી! હવામાન વિભાગે કરી આગાહી, આ રાજ્યોમાં બગડશે વાતાવરણ

Meteorological Department forecast: હવામાનમાં વારંવાર પરિવર્તન આવી રહ્યું છે. છેલ્લા કેટલાક દિવસોમાં લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં વધારો થવાથી લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. ભારતીય હવામાન વિભાગે (IMD) આગામી અઠવાડિયાના હવામાનને (Meteorological Department forecast) લઈને લેટેસ્ટ અપડેટ જાહેર કર્યાં છે. IMDનું માનીએ તો 24 જાન્યુઆરી 2025 સુધી વાતાવરણના કઠોર વલણનો સામનો કરવો પડશે. હવામાન વિજ્ઞાનિકોએ વરસાદથી લઈને હિમવર્ષા સુધીની સંભાવના વ્યક્ત કરી છે. તેનાથી ઠંડીમાં ફરી એકવાર વધારો થવાની સંભાવના છે. જણાવી દઈએ કે, કેટલાક દિવસો પહેલા સતત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાથી ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો.

ગુજરાતના હવામાન પર જોવા મળી
હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે, આગામી સાત દિવસ ગુજરાતનું હવામાન સૂકું રહેવાની સંભાવનાઓ છે. લઘુત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો થવાની શક્યતાઓ છે. આ પછી આગામી દિવસોમાં તાપમાનમાં કોઈ મોટા ફેરફારોની સંભાવનાઓ ન હોવાની શક્યતાઓ છે. ઉત્તર ભારતમાં બનેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ગુજરાતના હવામાન પર જોવા મળી રહી છે.

અંબાલાલ પટેલે આપી આ આગાહી
તો બીજી બાજુ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, “20 જાન્યુઆરી સુધીમાં હવામાનમાં પલટો આવશે. ગુજરાતના ભાગોમાં લઘુત્તમ તાપમાનમાં વધારો થશે એટલે ઠંડી ઘટશે. જાન્યુઆરીના અંતમાં વારંવાર પલટો આવશે. અરબી સમુદ્રના કારણે દક્ષિણ ગુજરાતના ભાગોમાં વારંવાર પલટો આવશે. 22મીથી મજબૂત પશ્ચિમી વિક્ષેપ આવવાની શક્યતા રહેશે. જેનાથી ગુજરાતના હવામાનમાં પલટો આવશે.”અંબાલાલ પટેલે માવઠા અંગેની વાત કરતા જણાવ્યું છે કે, “27, 28, 29મી જાન્યુઆરીએ વાદળછાયું અને કોઈક કોઈક ભાગોમાં માવઠાની શક્યતા રહેશે. તારીખ 18,19 અને 20માં તો ડાંગમાં મોટો પલટો આવવાની શક્યતા છે.”

શ્રીનગરમાં પારો શૂન્યથી એક ડિગ્રી સેલ્સિયસ નીચે રહ્યો
હવામાન વિભાગ અનુસાર, કાશ્મીરમાં લઘુત્તમ તાપમાનમાં નહિવત્ વધારાથી લોકોને કડકડતી ઠંડીથી રાહત મળશે. જો કે, અધિકારીઓએ રવિવારે જણાવ્યું કે, આ રાહત વધુ દિવસ સુધી રહેશે નહીં. કેમ કે, ઘાટીના ઘણાં ભાગમાં 24 જાન્યુઆરી સુધી વરસાદ અને હિમવર્ષાનું પૂર્વાનુમાન છે.

શનિવારે રાતે કાશ્મીરમાં લઘુત્તમ તાપમાન સામાન્યથી વધુ રહ્યું હતું. શ્રીનગરમાં પારો શૂન્યથી એક ડિગ્રી સેલ્સિયસ નીચે રહ્યો, જોકે ગત રાતના તાપમાનથી ઓછું છે.દક્ષિણ કાશ્મીરના પહલગામમાં તાપમાન શૂન્યથી ત્રણ ડિગ્રી સેલ્સિયસ નીચે નોંધવામાં આવ્યું છે, જે ગત રાત્રિએ તાપમાનથી નહિવત્ વધુ છે. સ્કીઇંગ માટે જાણીતા ઉત્તરી કાશ્મીરના પર્યટન સ્થળ ગુલમર્ગમાં ન્યૂનતમ તાપમાન શૂન્યથી 5.4 ડિગ્રી સેલ્સિયસ નીચે નોંધવામાં આવ્યું. કાજીગુંડમાં લઘુત્તમ તાપમાન શૂન્યથી 2.8 ડિગ્રી સેલ્સિયસ, પંપોર શહેરના કોનીબલમાં શૂન્યથી બે ડિગ્રી સેલ્સિયસ, કુપવાડામાં શૂન્યથી 2.6 ડિગ્રી સેલ્સિયસ અને કોકરનાગમાં શૂન્યથી 3.4 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધવામાં આવ્યું હતું.

તમામ શહેરનું તાપમાન
ગુજરાતમાં તમામ શહેરના તાપમાનની વાત કરવામાં આવે તો, અમદાવાદમાં 17.5 ડિગ્રી, અમરેલી 15.0 ડિગ્રી, વડોદરા 19.2 ડિગ્રી, ભુજ 13.2 ડિગ્રી, ડીસામાં 15.4 ડિગ્રી, દીવમાં 15.2 ડિગ્રી, કંડલા 15.5 ડિગ્રી, નલીયા 10.5 ડિગ્રી, પોરબંદ 13.4 ડિગ્રી અને સુરતમાં 18.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે.