સુરતમાં સ્થાનિક પોલીસ ઊંઘતી ઝડપાઈ: સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા ધમધમી રહેલા જુગારધામ પર રેડ, લાખોના મુદ્દામાલ સાથે 39 જુગારીઓની ધરપકડ

Raids by state monitoring cell on gambling dens: સુરતમાં અમુક વિસ્તારમાં માત્ર ચોપડા પર જ દારૂ અને જુગાર બંધી હોય એવું લાગી રહ્યું છે. સ્થાનિક પોલીસની નિષ્ક્રિયતા સામે આવી છે. એવું લાગે છે કે, પોલીસ અમુક કેસમાં આંખ આડા કાન કરી રહી છે. ત્યારે આજેરોજ સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા દરોડા(Raids by state monitoring cell on gambling dens) પાડવામાં આવ્યા હતાં. આ દરોડોની કામગીરીમાં 39 જુગારીઓ પાસેથી 2.67 લાખની મત્તા કબ્જે કરવામાં આવી હતી. સાથે જ 35 મોબાઈલ અને 7 વાહનો મળીને કુલ 7.18 લાખનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો

આંખ આડા કાન
સુરત શહેરમાં સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા ફરી એક વાર સપાટો બોલાવવામાં આવ્યો છે. શહેરના લાલગેટ વિસ્તારમાં દરોડા પાડીને જુગાર રમતા આરોપીને ઝડપી પાડવામાં આવ્યા છે.સુરતમાં માત્ર ચોપડા પર જ દારૂ અને જુગાર બંધી હોય એવું લાગી રહ્યું છે. કારણ કે અવારનવાર સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા દારૂ અને જુગાર નો મોટો કેસ કરીને આરોપીને પકડવામાં આવે છે. ત્યારે તે દારૂ જુગારના કેસમાં સ્થાનિક પોલીસની નિષ્ક્રિયતા અથવા તો આંખ આડા કાન હોય તેવું જોવા મળતું હોય છે.

જુગારધામ પર દરોડા પાડવામાં આવ્યાં
લાલગેટ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ચાલતા જુગારધામ પર સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી. શાહપોર સ્થિત ખજૂરાવાડી ખાતે ચાલતા જુગારધામ પર દરોડા પાડવામાં આવ્યાં હતાં. જેમાં 39 જુગારીઓને ઝડપી પાડવામાં આવ્યા હતાં. જુગારીઓ પાસેથી સ્થળ પરથી રોકડા રૂપિયા 2.67 લાખની મત્તા જપ્ત કરાઈ હતી. મસમોટા જુગારધામ પરથી 35 મોબાઈલ,7 વાહનો સહિત 7.18 લાખની મત્તાનો મુદ્દામાલ કબ્જે કરાયો છે.

સ્થાનિક પોલીસની રહેમ હેઠળ દારૂ અને જુગારના અડ્ડાઓ ધમધમી રહ્યા છે
મોહમ્મદ હુસૈન ઉર્ફે મમુ હંસોટી અને ગુલામ સાબીર શેખ દ્વારા જુગારધામના મુખ્ય સૂત્રધાર છે. સ્થાનિક પોલીસની પોલ ઉઘાડી પડી ગઈ હતી. તમામ જુગારીઓની અટકાયત કરી વધુ તપાસ લાલગેટ પોલીસને સોંપવામાં આવી છે. ત્યારે આ પ્રકારના ગંભીર ગુનામાં સ્થાનિક પોલીસ સામે શું કાર્યવાહી કરવામાં આવે છે તે જોવુ રહ્યું છે. સાથે જ સ્ટેટ મોનિટરિંગ સેલ શહેરના અન્ય ક્યા વિસ્તારમાં રેડ કરે છે તે પણ જોવું રહ્યું કારણ કે સ્થાનિક પોલીસની રહેમ હેઠળ અલગ અલગ વિસ્તારોમાં દારૂ અને જુગારના અડ્ડાઓ ધમધમે છે.