દેશમાં પેપર ફૂટવાની ઘટનાઓ તો અનેક ઘટી હશે, પણ આજે લોક રક્ષક દળની પરીક્ષાનું પેપર ફૂટતા, ચારે તરફ ફીટકાર વરસી રહ્યો છે. પરીક્ષાર્થીઓનો રોષ ફાટી નીકળ્યો, કારણ સવાલ નવ લાખ પરીક્ષાર્થીઓના ભવિષ્યનો છે. તેમના ભવિષ્ય સાથે ચેડા થયા. રમત રમાઇ ગઇ પરીક્ષાર્થીઓ સાથે.
વિદ્યાર્થીઓનો બળાપો છે કે ક્યાં સુધી પેપરો લીક થતા રહેશે ?
ક્યાં સુધી તપાસના નાટકો થતા રહેશે ?
આટ આટલા સમયથી જે મહેનત કરી તેનું શું ?
સરકાર જો એમ કહેતી હોય કે થ્રી લેયર બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો, તો પછી સ્ટ્રોંગ રૂમમાંથી પેપર લીક કર્યું કોણે ?
અને હવે સરકાર દ્વારા જો એવું કહેવાતું હોય કે જવાબદારોને છોડવામાં નહીં આવે, તો પછી પહેલેથીજ ફૂલ પ્રુફ વ્યવસ્થા રાખવામાં કેમ ના આવી ?
જો કે હવે સરકારે પરીક્ષાર્થીઓનો આક્રોશ ઠારવા તપાસના હૂકમો આપ્યા છે, પરીક્ષાર્થીઓને એસટી બસનું ભાડું આપવાની જાહેરાત કરી છે. પણ આજનો સૌથી મોટો સવાલ પેપર લીક થયું કંઇ જગ્યાએથી ? કોણે કર્યું પેપર લીક ?
રવિવારનો દિવસ ઉગતા જ સામે આવ્યું દિવસો પહેલા ઘડાયેલું ષડયંત્ર, દિવસો પહેલા થયેલો ભ્રષ્ટાચાર, અને આ ભ્રષ્ટાચારે લાખો લોકોના સપનાઓ પર પાણી ફેરવી દીધા. વાત છે લોક રક્ષક દળની પરીક્ષાની. પરિક્ષાના પેપર સાથે જ ઉમેદવારોની કિસ્મત ફુટી, સરકારે તપાસના આદેશ આપ્યા. જો કે સાંજ પડતા એ હકીકત સામે આવી કે, જ્યાં પ્રશ્નપત્ર છપાયુ હતું ત્યાંથી લીક પણ થયું હતું. એટલે કે જે પ્રેસમાં પ્રશ્નપત્ર છપાયું ત્યાંથી જ લીક થયું.
પેપર લીક મામલે હજુ વધુ મોટા ખુલાસા થઈ શકે છે. 15 દિવસ પહેલા દરેક જીલ્લામાં પેપર વહેંચવામાં આવ્યા હતા. જીલ્લાની એસપી ઓફિસે આ પેપર 15 દિવસ પહેલા પહોંચાડી દેવામાં આવ્યા હતા.
પેપર લીક મામલે પોલીસે શંકમંદોની હવે પુછપરછ હાથ ધરી છે. 2થી 3 વ્યક્તિ ગાંધીનગરના, અને 4થી 5 વ્યક્તિ દાહોદના હોવાનું માનવામાં આવી રહ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, લોકરક્ષક ભરતી સમિતિના હેડ ક્લાર્કની સંડોવણી સામે આવી શકે છે.
સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, કૌભાંડીઓની ગાંધીનગરમાં પહેલા મીટિંગ થઈ હતી. દાહોદ સહિત વિવિધ જીલ્લાના લોકો મીટિંગમાં સામેલ હતા. મીટિંગમાં પ્રશ્નપત્રના જવાબો લખવામાં આવ્યા હતા.
જવાબો સાથેનું પ્રશ્નપત્ર બાદમાં સેટીંગબાજોને વાયરલ કરવામાં આવ્યું. આ વાતની પોલીસને જાણ થતા પોલીસ તુરંત હરકતમાં આવી. પોલીસે મીટીંગ કરી. બાદમાં મુખ્યપ્રધાનને આની જાણ કરવામાં આવી. સીએમના આદેશ બાદ પરિક્ષા રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો.
પેપર લીકનો ઘટનાક્રમ
– સવારે 8-15 કલાકે – પરીક્ષા પહેલા કેટલાંક લોકો એકઠા થયા, કોઇ વાતને લઇ અંદરો અંદર વિખવાદ થયો
– સવારે 10-30 કલાકે: એકઠાં થયેલ વ્યકિતમાંથી કોઇએ પોલીસને જાણ કરી, પોલીસે તાબડતોબ અધિકારીઓ સાથે બેઠક બોલાવી
– સવારે 11 કલાકે: પેપર ફુટ્યા અંગે પોલીસે સીએમને જાણકારી આપી
– સવારે 11-30 કલાકે : સીએમ રૂપાણીએ પરીક્ષા રદ્દ કરવા આદેશ કર્યો
– બપોરે 12-15 કલાકે: પરીક્ષા રદ્દ કરવા તમામ જિલ્લામાં જાણ કરાઇ
– બપોરે 12-30 કલાકે: પેપર ફુટ્યા અને પરીક્ષા રદ્દ અંગે મીડિયાને જાણ કરાઇ
– બપોરે 3 કલાકે: લોકરક્ષકદળની હતી લેખિત પરિક્ષા, 2 વાગ્યાથી પરિક્ષાર્થીઓને વર્ગખંડમાં બેસાડ્યા હતા. પેપર રદ્દ અંગે સંચાલકો પણ અજાણ હતા.