ગુજરાત(Gujarat): રાજ્યની વિધાનસભા ચૂંટણી જાહેર થયાના બે મહિના પહેલા જ ચૂંટણીની જાહેરાતની ભારે ઉત્સુકતા જોવા મળી હતી. અંતે ચૂંટણીપંચ દ્વારા 3 નવેમ્બરે ચૂંટણી જાહેર કરતા તમામ લોકોની આતુરતાનો અંત આવ્યો હતો. ત્યાર બાદ 1 ડિસેમ્બરના રોજ સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતની 89 સીટ પર જ્યારે 5 ડિસેમ્બરના રોજ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની 93 સીટ પર મતદાન થયું હતું. જેમાં અનુક્રમે 63.31 અને 65.30 % મતદાન થયું હતું. જેનું સરેરાશ મતદાન 64.30 % થાય છે. જે ગઈ ચૂંટણી કરતા 4 % જેટલું ઓછું ગની શકાય. જેની સવારના 8 વાગ્યાથી 37 મતગણતરી કેન્દ્રો પર 182 સીટની મતગણતરી શરૂ થઈ ગઈ છે. આ ચૂંટણી પરિણામમાં મુખ્યમંત્રી સહિત 20 મંત્રીઓ મળીને કુલ 1621 ઉમેદવારનું રાજકીય ભાવિ નક્કી થશે. ત્યારે આ બધાની વચ્ચે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે.
દિલ્હીમાં સત્તા પર રહીને પંજાબમાં જીત નોંધાવનાર આમ આદમી પાર્ટીએ MCDમાં પણ જીત મેળવી લીધી છે. આવી સ્થિતિમાં પાર્ટી અને પાર્ટી સાથે જોડાયેલા લોકોનું મનોબળ ખુબ જ વધી ગયું છે. આ વાતનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે, આજે વિધાનસભા ચૂંટણીના પરિણામ પહેલા જ આમ આદમી પાર્ટીના કાર્યાલય પર ખાસ પોસ્ટર લગાવી દેવામાં આવ્યા છે. જેમાં લખવામાં આવ્યું છે કે, ‘આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય પક્ષ બનવા પર તમામ દેશવાસીઓને અભિનંદન’.
સમગ્ર મતગણતરી પ્રક્રિયા દરમિયાન 182 કાઉન્ટિંગ ઓબ્ઝર્વર્સ, 182 ચૂંટણી અધિકારી અને 494 મદદનીશ ચૂંટણી અધિકારી ફરજ પર હાજર રહેશે. આ મતગણતરી હેઠળ રિટર્નિંગ ઑફિસર/આસિસ્ટન્ટ રિટર્નિંગ ઑફિસર, ઉમેદવાર-કાઉન્ટીંગ એજન્ટ્સ તથા ચૂંટણી પંચ દ્વારા નિમણૂંક પામેલા ઑબ્ઝર્વર્સની ઉપસ્થિતિમાં સ્ટ્રોંગરૂમમાંથી EVM બહાર કાઢી કાઉન્ટીંગ હોલમાં ગોઠવી દેવામાં આવ્યા છે.
2017માં જાણો શું હતું પરિણામ:
મહત્વનું છે કે, 2017માં ભાજપને 99, કોંગ્રેસને 77, NCP-1, BTP-2 અને 3 બેઠક અપક્ષને મળી હતી. આ ત્રણ અપક્ષ બેઠકમાં જીજ્ઞેશ મેવાણી(હાલ કોંગ્રેસમાં), ભૂપેન્દ્ર ખાંટ(નિધન થઈ ગયું), રતનસિંહ રાઠોડ(ભાજપના સાંસદ)નો સમાવેશ થાય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.