મધ્યપ્રદેશમાં આર્મીની સ્પેશિયલ ટ્રેનમાં બોમ્બ ફેંકવાનો પ્રયાસ; જાણો સમગ્ર મામલો એક ક્લિક પર

Bomb Attempt on Army Train: મધ્યપ્રદેશના નેપાનગરથી આ સમયના મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અહીં સેનાની સ્પેશિયલ ટ્રેનને બોમ્બથી ઉડાવી દેવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. 18 સપ્ટેમ્બરે 10 ડિટોનેટર લગાવીને આર્મી સ્પેશિયલ ટ્રેનને (Bomb Attempt on Army Train) ઉડાવી દેવાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું.

શું છે મામલો?
મધ્યપ્રદેશના નેપાનગર વિધાનસભાના સાગફાટા વિસ્તારમાં ડેટોનેટરની મદદથી ટ્રેનને ઉડાવી દેવાનું અજાણ્યા બદમાશોનું કાવતરું નિષ્ફળ ગયું હતું. જ્યારે ટ્રેન પસાર થઈ રહી હતી ત્યારે ડિટોનેટર દ્વારા થયેલા વિસ્ફોટથી ડ્રાઈવર સતર્ક થઈ ગયો હતો અને તેણે ટ્રેનને રોકી હતી અને સ્ટેશન માસ્ટરને જાણ કરી હતી. જેના કારણે આ અકસ્માત ટાળી શકાયો હતો.

આ માહિતી મળતાની સાથે જ એટીએસ, એનઆઈએ સહિત રેલ્વે અને પોલીસના ઉચ્ચ અધિકારીઓએ સ્થળનું નિરીક્ષણ કર્યું હતું. આ સેના સંબંધિત મામલો હોવાથી અધિકારીઓ આ બાબતે ગુપ્તતા જાળવી રહ્યા છે.

18 સપ્ટેમ્બરે બપોરે 1:48 કલાકે જમ્મુ-કાશ્મીરથી કર્ણાટક જતી આર્મી સ્પેશિયલ ટ્રેનને સાગફાટા રેલવે સ્ટેશન પાસે રેલવે ટ્રેક પર 10 ડિટોનેટર લગાવીને પાટા પરથી ઉતારવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. શનિવારે બપોરે પોલીસ વિભાગની વિશેષ શાખા, ડીએસપી, નેપાનગર એસડીઓપી, પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ અને રેલવે અધિકારીઓએ ઘટનાસ્થળનું નિરીક્ષણ કર્યું હતું. શનિવારે મોડી સાંજે NIA, ATS સહિત અનેક ગુપ્તચર એજન્સીઓના અધિકારીઓ ખંડવા પહોંચ્યા હતા અને તપાસનો વ્યાપ વધુ વિસ્તારવામાં આવ્યો હતો.