બાઈકચાલકની એક ભુલને કારણે બસે મારી પલટી; જુઓ અકસ્માતનો LIVE વિડીયો

Maharashtra Accident Video: મહારાષ્ટ્રના લાતુર જિલ્લામાં સોમવારે એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો, જેમાં 36 મુસાફરો ઘાયલ થયા હતા. આ અકસ્માત આજે બપોરે લાતુરના (Maharashtra Accident Video) નંદગાંવ પાટી નજીક હાઇવે પર થયો હતો, જ્યારે મહારાષ્ટ્ર રાજ્ય પરિવહનની એક એસટી બસે બાઇક પર સવાર બે લોકોને બચાવવાનો પ્રયાસ કરતી વખતે નિયંત્રણ ગુમાવ્યું હતું અને પલટી મારી હતી. આ અકસ્માતમાં ઘાયલ 6 લોકોની હાલત નાજુક હોવાનું કહેવાય છે.

કેવી રીતે થયો અકસ્માત?
નાંદેડથી લાતુર જઈ રહેલી બસ આજે બપોરે 1.30 વાગ્યાની આસપાસ નંદગાંવ પાટી પાસે પહોંચી ત્યારે અચાનક સામેથી એક મોટરસાઈકલ દેખાઈ. ડ્રાઇવરે બાઇક સવારને બચાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ બસ પરનો કાબૂ ગુમાવતાં બસ હાઇવે પર પલટી ગઇ હતી. આ ભયાનક અકસ્માતનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં બસ રોડ પર પલટી ગયેલી જોઈ શકાય છે.

બસમાં 48 મુસાફરો સવાર હતા
અકસ્માત સમયે બસમાં કુલ 48 મુસાફરો હતા, જેમાંથી 36 લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેમાંથી 3 થી 4 મુસાફરોના હાથ કોણી અથવા ખભાથી તૂટી ગયા છે. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં ડોક્ટરોની ટીમ તેમની સારવાર કરી રહી છે. જિલ્લા પ્રશાસને અકસ્માત અંગે ઘાયલોના પરિવારજનોને જાણ કરી હતી જે બાદ પરિવારના સભ્યો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.

સ્થાનિક લોકો પીડિતોની મદદ માટે દોડી આવ્યા
અકસ્માતના સમાચાર મળતા જ પોલીસ અને સ્થાનિક પ્રશાસનના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ ઉપરાંત સ્થાનિક લોકો પણ પીડિતોની મદદ માટે દોડી આવ્યા હતા અને ઘાયલોને હોસ્પિટલ પહોંચાડવામાં મદદ કરી હતી. તમામ ઘાયલોને તાત્કાલિક લાતુરની સરકારી મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.

હચમચાવી નાખતો વિડીયો સામે આવ્યો
દરમિયાન પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં બાઇક સવારની બેદરકારીને કારણે અકસ્માત થતો જોવા મળી રહ્યો છે. જોકે પોલીસે અકસ્માતનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.