હાલમાં મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીના પરિણામો આવ્યા બાદ મુખ્યમંત્રી હજી સુધી નક્કી થયા નથી. ભાજપ અને શિવસેના એ ગઠબંધન થી ચૂંટણી લડી હતી જેમાં તેમને સ્પષ્ટ બહુમત મળ્યો છે. પરંતુ ગત વિધાનસભા કરતા આ વખતની વિધાનસભાની બેઠકો ની સંખ્યા ભાજપ માટે ઘટી હતી અને શિવસેના ની વિધાનસભા સીટો વધી હતી અને એનસીપી ને પણ શિવસેના સાથે મળીને બહુમતી મેળવી શકાય તેટલી સીટો મળી છે. શિવસેના મુખ્યમંત્રી પદ મેળવવા માંગે છે જ્યારે ભાજપ આ ફોર્મ્યુલા પર સહમત નથી.
મહારાષ્ટ્રમાં અમિત શાહ નો જાદુ પણ કામ કરી રહ્યો નથી. એનસીપી પ્રમુખ શરદ પવારે તો અમિત શાહને રીતસરની ચેલેન્જ આપી દીધી છે કે તમારું ટેલેન્ટ મહારાષ્ટ્રમાં બતાવો. શિવસેનાના સંજય રાઉત સતત મિટીંગો કરી રહ્યા છે અને પોતાના ટ્વિટર એકાઉન્ટ પર પ્રહારો કરી રહ્યા છે. સંજય રાઉત ની tweets ભાજપ ને દબાવવા માટે હોય તે રીતની રહી છે. હાલમાં ભાજપ દ્વારા અન્ય પક્ષના ધારાસભ્યો નો સંપર્ક કરવામાં આવી રહ્યો હોય તેવા પણ કોઈ સમાચારો આવી રહ્યા નથી.
શિવસેના જાણે છે કે ભાજપને સત્તા પર આવવું હોય તો શિવસેનાની જરૂર પડશે જ અને શિવસેના નેતાઓ સતત ભારતીય જનતા પાર્ટીને એનસીપી સાથે ગઠબંધન કરીને કોંગ્રેસનો બહારથી ટેકો લઇને સરકાર બનાવી લઈશું તેવો ડર બતાવી રહ્યા છે. ગણતરીની કલાકોમાં જો આ સત્તાની શતરંજ ની બાજી ગોઠવાશે નહીં તો મહારાષ્ટ્રમાં વિધાનસભા નો સમયગાળો પૂર્ણ થશે અને રાષ્ટ્રપતિ શાસન લગાવવા માટે રાજ્યપાલ રાષ્ટ્રપતિને ભલામણ કરી શકે છે.
શિવસેના આદિત્ય ઠાકરે અને મુખ્યમંત્રી બનાવવા માટે લોબિંગ કરી રહ્યું છે જ્યારે ભાજપ દેવેન્દ્ર ફડણવીસને જ મુખ્યમંત્રી બનાવશે તેમ મક્કમ છે. શિવસેના લેખિતમાં અઢી-અઢી વર્ષની મુખ્યમંત્રી ની ખુરશી માટે કહી રહ્યું છે, પરંતુ ભાજપને આ સોદો મંજુર ન હોય તેમ હજી સુધી કોઈ હકારાત્મક નિવેદન આવ્યું નથી.
સંજય રાઉતે મહારાષ્ટ્રના રાજ્યપાલશ્રી ની મુલાકાત કરીને ભાજપ નું ટેન્શન વધારી દીધું છે. આ મુલાકાત અગાઉ સંજય રાઉતે નિવેદન આપ્યું હતું કે અમારી પાસે 170 ધારાસભ્યોનું સમર્થન છે અને આ આંકડો 175 સુધી પહોંચી શકે છે. સંજય રાઉતે સ્પષ્ટ કહી દીધું છે કે મહારાષ્ટ્રનો આગામી મુખ્ય મંત્રી માત્રને માત્ર શિવસેનાનો જ હશે.