PI અને PSIની બદલી અંગે ગૃહવિભાગનો મોટો નિર્ણય: પોલીસ વિભાગમાં બદલીને લઈ કર્યા ફેરફારો, જાણો વધુ વિગતો

Gujarat Police News: રાજ્ય પોલીસ વડાએ ગુરૂવારે રાજ્યના 233 પોલીસ સબ ઇન્સ્પેક્ટરને પોલીસ ઇન્સ્પેક્ટરનું પ્રમોશન આપવામાં આવ્યા હતા. ત્યારબાદ હવે ગૃહ વિભાગે(Gujarat Police News) મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો છે. પોલીસની બદલીના નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે. જેથી હવે પહેલાં જેવી લાગવગ અને લાલિયાવાડી ચાલશે નહી.

પોલીસ બદલીની પ્રક્રિયાના નિર્ણયોમાં પારદર્શકતા લાવવા નિર્ણય
રાજ્યમાં પોલીસ અધિકારીઓની બદલીના મુદ્દે મહત્વનો નિર્ણય લેવાયો છે. પોલીસ ઇન્સ્પેક્ટર અને પોલીસ સબ ઇન્સ્પેક્ટરની બદલીના મુદ્દે સરકારના ગૃહવિભાગે અગત્યનો નિર્ણય લીધો છે. ગૃહ વિભાગના નિર્ણય મુજબ એક જ ઝોનમાં પાંચ વર્ષ ફરજ બજાવનાર અથવા એક જ ઝોનમાં પાંચ વર્ષ નોકરી કરનારની તે જ રેન્જમાં બદલી કરવામાં નહીં આવે. બીજા શબ્દોમાં કહીએ તો આ બદલી બીજા ઝોન કે રેન્જમાં થશે. આ ઉપરાંત બ્રાન્ચોની નિમણૂકોને પણ ધ્યાનમાં લેવાશે. પોલીસ બદલીની પ્રક્રિયાના નિર્ણયોમાં પારદર્શકતા લાવવા આ નિર્ણય લેવાયો છે.

પોલીસ અધિકારી સાથેની મીટિંગમાં લીધો
સીએમ ભુપેન્દ્ર પટેલ, ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી અને પોલીસ ડાયરેક્ટર તથા મુખ્ય પોલીસ અધિકારી સાથેની મીટિંગમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. આમ પાંચ વર્ષ સુધી એક જ ઝોનમાં રહેનારા પીએસઆઈ અને પીઆઈની તે ઝોનના જિલ્લાઓમાં કે નજીકના જિલ્લાઓમાં બદલી કરી શકાશે નહીં.

ઉદાહરણ તરીકે જોઈએ તો સુરત રેન્જ અને સુરત શહેરમાં ફરજ બજાવનારા પીઆઈ અને પીએસઆઈની વડોદરા રેન્જ, વડોદરા શહેર, અમદાવાદ રેન્જ, અમદાવાદ શહેર, સુરત રેન્જ, સુરત શહેરમાં બદલી થઈ નહીં શકે. જ્યારે વડોદરા રેન્જ અને વડોદરા શહેરમાં ફરજ બજાવનારાની સુરત રેન્જ, સુરત શહેર અમદાવાદ રેન્જ, અમદાવાદ શહેર, પંચમહાલ રેન્જ, વડોદરા રેન્જ, વડોદરા શહેરમાં બદલી નહી થઈ શકે.

ખાસ કિસ્સામાં મેરીટ અન્વયે વિચારણા કરાશે
ગૃહ વિભાગે લીધેલા આ મહત્વપૂર્ણ નિર્ણયને પરિણામે પી.એસ.આઈ અને પી.આઈની બદલી પ્રક્રિયા વધુ પારદર્શક બનશે. તેમજ તમામ પોલીસ અધિકારીઓને રાજ્યના વિવિધ ક્ષેત્રોમાં ફરજ બજાવવાની તક મળશે. આ નિયમોમાં અમુક કિસ્સા જેમ કે પતિ-પત્ની કેસ, ગંભીર બીમારી અને નિવૃતિ નજીકનો સમયગાળો હોય તો કેસના મેરીટ અન્વયે વિચારણા કરી શકાશે.