કાનપુર: 5 માળની ઇમારતમાં આગ લાગતા પતિ-પત્ની સહિત 3 બાળકોના મોત, પરિવારમાં છવાયા દુઃખના વાદળો

Kanpur Accident: દેશમાં ઠેરઠેર આગજનીના બનાવો બનતા રહે છે, જેમાંથી ઘણા જીવલેણ સાબિત થઈ રહ્યા છે. થોડા દિવસો પહેલા કોલકાત્તાની હોટેલમાં (Kanpur Accident) લાગેલી આગમાં 14 જણનો જીવ ગયો હતો તો રવિવારે મોડી સાંજે કાનપુરમાં લાગેલી આગમાં પાંચના જીવ ગયાની માહિતી મળી છે.

પતિ પત્ની સહીત ત્રણ બાળકોના મોત
ઉત્તર પ્રદેશના કાનપુરના ચમનગંજ પોલીસ સ્ટેશન વિસ્તારના પ્રેમ નગરમાં રવિવારે મોડી રાત્રે ચાર માળની ઇમારતમાં ભીષણ આગ લાગ લાગી હતી અને એક જ પરિવારમાં પાંચ જણના મોત થયા હતા. મૃતકોમાં માતા-પિતા અને તેમની ત્રણ પુત્રીઓનો સમાવેશ થાય છે. આગ બિલ્ડિંગના પહેલા અને બીજા માળે આવેલી ચપ્પલની ફેક્ટરીમાં શરૂ થઈ હતી અને પછી ત્રીજા અને પછી ચોથા માળે ફેલાઈ ગઈ હતી. માહિતી મળતા જ ફાયર બ્રિગેડની કુલ 10 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. આગ એટલી ભયાનક હતી કે 10 ગાડીઓ હોવા છતાં સાત કલાકની જહેમત બાદ આગ પણ કાબૂ મેળવી શકાયો હતો. આ માટે 70 જેટલા ફાયરફાર્ટર્સ કામે લાગ્યા હતા.

સિલિન્ડર બ્લાસ્ટને કારણે આગ લાગી હોવાનું અનુમાન
ફાયર ફાઇટરોએ બિલ્ડિંગના ત્રીજા માળે ફસાયેલા કેટલાક લોકોને બચાવ્યા હતા, પરંતુ આ પરિવારને બચાવી શક્યો ન હતો. આ પરિવાર ચોથા માળે રહેતો હતો અને પાંચેય જણ હોમાઈ ગયા હતા. જેમાં મોહમ્મદ દાનિશ (45), તેની પત્ની નઝમી સબા (42) અને પુત્રીઓ સારા (15), સિમરા (12) અને ઇનાયા (7) ને બચાવી શક્યા નહીં. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ આગ પહેલા ભોંયરામાં શરૂ થઈ અને પછી માત્ર 20 મિનિટમાં ચોથા માળ સુધી ફેલાઈ ગઈ હતી. આગ લાગવાને લીધે ઇમારતમાં ત્રણ મોટા વિસ્ફોટ થયા જે સિલિન્ડર બ્લાસ્ટને કારણે થયા હોવાનું માનવામાં આવે છે.

આ ઈમારતના ભોંયરામાં ચપ્પલ બનાવવાની ફેક્ટરી હોવાનું જાણવા મળ્યું છે આથી અહીં ડેંડ્રાઇટ કેમિકલ અને ચપ્પલના સોલ ચોંટાડવા માટે વપરાતું પેટ્રોલ હોવાથી આગ જલદીથી ફેલાઈ હોવાનું અને ઓલવવાનું કામ પણ વિલંબમાં પડ્યું હોવાનું માનવામાં આવે છે. પોલીસે સાવચેતીના ભાગ રૂપે નજીકની 6 ઇમારતો ખાલી કરાવી અને ત્યાં રહેતા લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડ્યા છે.

જોકે આગ લાગવાનું ચોક્કસ કારણ બહાર આવ્યું નથી. રહેણાક વિસ્તારોમાં આ રીતે ફેક્ટરી ચલાવવાનું ગેરકાયદે છે, પરંતુ એવા હજારો પરિવાર છે જે આ પ્રકારની ઈમારતોમાં રહેતા હોય છે અને મોત સાથે રોજ રમત રમતા હોય છે થોડા સમય પહેલા અમદાવાદમાં એસીના ગોડાઉનમાં આગ લાગતા ઉપર રહેતા માલિકાના પરિવારના બે સભ્ય પત્ની અને દીકરી મૃત્યુ પામ્યા હતા.