નાગરિકતા સુધારા કાયદા મુદ્દે સતત બીજા દિવસે પણ પશ્ચિમ બંગાળના અનેક વિસ્તારોમાં હિંસક દેખાવો ચાલુ રહ્યા હતા. અનેક બસો અને એક રેલવે સ્ટેશન પરિસર, જાહેર મિલકતોને આગ લગાવાઈ છે. દેખાવકારોએ મોટાભાગે રેલવેની મિલકતોને જ નિશાન બનાવી હતી. બીજી બાજુ નાગરિકતા કાયદાનો વિરોધ કરનારાં મુખ્યમંત્રી મમતા બેનરજીએ લોકોને શાંતિ જાળવવા માટે અપીલ કરી હતી. જ્યારે વિપક્ષ ભાજપે બાંગ્લાદેશી મુસ્લિમ ઘૂસણખોરો દ્વારા હિંસા ચાલુ રહેશે તો રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાદવા માટે કેન્દ્રમાં જવાની ધમકી આપી હતી.
પશ્ચિમ બંગાળના મુર્શીદાબાદ જિલ્લાના ક્રિષ્નપુર સ્ટેશનમાં કેટલીક ખાલી ટ્રેનના ડબ્બાઓને દેખાવકારોએ સળગાવી દીધા હતા. તેમણે સુજિનાપારામાં પણ ભારે હિંસા ફેલાવી હતી અને પડોશી માલ્દા જિલ્લામાં હરિશચંદ્રપુરમાં રેલવે ટ્રેક પર આગ લગાવી હતી. ઉપરાંત હાવરા જિલ્લાના સંક્રેલ રેલવે સ્ટેશનમાં લૂંટ મચાવી ટિકિટ કાઉન્ટર સળગાવી દીધું અને સિગ્નલ સિસ્ટમ તોડી નાંખી હતી. કેટલીક ટ્રેનો રદ કરી દેવાઈ હતી. મુખ્યમંત્રી મમતા બેનરજીએ શનિવારે લોકોને શાંતિ જાળવવા અપિલ કરી હતી અને દેખાવકારોને લોકતાંત્રીક રીતે દેખાવો કરવા અને સરકારી મિલકતોને નુકસાન નહીં પહોંચાડવા વિનંતી કરી હતી. હિંસક દેખાવો કરનારા સામે કડક હાથે કામ લેવાની તેમણે ચેતવણી આપી હતી.
બીજીબાજુ પૂર્વોત્તરના રાજ્યોમાં હિંસક દેખાવો ચાલુ રહ્યા હતા. સોનિતપુર જિલ્લાના ધેકૈજુલિમાં કેટલાક લોકોએ એક ઓઈલ ટેન્કરને આગ લગાવી દીધી હતી અને ડ્રાઈવરની હત્યા કરી હતી. સ્કૂલો અને ઓફિસો બંધ રહ્યા હતા. સમગ્ર આસામમાં 48 કલાક સુધી ઈન્ટરનેટ સેવાઓ બંધ રાખવામાં આવી હતી. આ પ્રતિબંધને 16મી ડિસેમ્બર સુધી લંબાવાયા છે. જોકે, આ બધી પરિસિૃથતિઓ વચ્ચે આસામમાં દેખાવોના એપી સેન્ટર સમાન દિબુ્રગઢ અને ગુવાહાટીમાં તેમજ મેઘાલયના શિલોંગમાં અનિશ્ચિતકાળના કર્ફ્યુમાં કેટલાક કલાકની રાહત અપાઈ હતી.
આસામના વિદ્યાર્થી સંગઠન આસુના મહામંત્રી લુરિન્જ્યોતિ ગોગોઈએ જણાવ્યું હતું કે દેખાવકારો મહાત્મા ગાંધીના અહિંસાના માર્ગે દેખાવો કરતા હોવાથી દરરોજ સાંજે 5.00 વાગ્યા સુધી દેખાવો ચાલુ રહેશે. નાગાલેન્ડમાં પણ સ્કૂલો અને બજારો બંધ રહ્યા હતા. રસ્તા પર બહુ ઓછા વાહનો જોવા મળતા હતા. નાગા વિદ્યાર્થી સંગઠને આ કાયદાના વિરોધમાં સવારે 6.00 વાગ્યાથી કેટલાક કલાક માટે બંધની જાહેરાત કરી હતી.
પૂર્વોત્તરમાં ફસાયેલા પ્રવાસીઓ માટે રેલવેએ વિશેષ ટ્રેનો દોડાવી
નાગરિકતા કાયદાના વિરોધમાં પૂર્વોત્તરના રાજ્યોમાં હિંસક દેખાવોના કારણે આ વિસ્તારોમાં ટ્રેન વ્યવહાર ખોરવાઈ ગયો છે. તેને કારણે અનેક પ્રવાસીઓ ફસાઈ ગયા છે. તેમને મદદરૂપ થવા માટે રેલવેએ શનિવારે ગુવાહાટીથી વિશેષ ટ્રેનો દોડાવી હતી. ગુવાહાટીમાં છેલ્લા બે-ત્રણ દિવસોમાં અંદાજે 2,000થી 2,400 પ્રવાસીઓએ પ્રવાસ કર્યો હતો ત્યારે 600થી 800 પ્રવાસીઓ ગુવાહાટીમાં ફસાયા હતા.
યુએસ, યુકે અને કેનેડાની પોતાના નાગરિકોને પૂર્વોત્તર ભારતમાં ન જવા સલાહ
અમેરિકા, ઈંગ્લેન્ડ, ઈઝરાયેલ, કેનેડા અને સિંગાપોર સહિત કેટલાક દેશોએ તેમના નાગરિકોને ભારતના પ્રવાસ દરમિયાન ઉત્તર-પૂર્વ ભારતમાં ન જવા માટે સલાહ આપી છે. આ વિસ્તારોમાં નાગરિકતા કાયદાના વિરોધમાં હિંસક દેખાવો થઈ રહ્યા છે. અમેરિકન સરકારે દેખાવોના એપી સેન્ટર એવા આસામમાં તેની બધી જ સત્તાવાર મુલાકાતો મુલતવી કરી દીધી છે. યુકે સરકારે પણ ભારત માટે તેની ટ્રાવેલ એડવાઈઝરી અપડેટ કરીને તેના નાગરિકોને ભારતના ઉત્તર-પૂર્વના રાજ્યોમાં ન જવા માટે સલાહ આપી છે. બ્રિટને તેના નાગરિકોને જમ્મુ-કાશ્મીરમાં પણ ન જવા સલાહ આપી છે. કેનેડા, ઈઝરાયેલ, સિંગાપોરે પણ તેમના નાગરિકોને પૂર્વોત્તરમાં અનાવશ્યક પ્રવાસ ન કરવા ચેતવણી આપી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.