મેઘરાજાએ છેલ્લાં 2 કલાકમાં 113 તાલુકાઓને ધમરોળ્યા; જાણો ક્યાં કેટલો ઇંચ પડ્યો વરસાદ

Heavy rain in Gujarat: સૌરાષ્ટ્રમાં વરસાદ મહેરના બદલે કહેરરૂપ બન્યો છે. ખાસ કરીને દ્વારકાના કલ્યાણપુરમાં ભારે વરસાદથી ઠેરઠેર તારાજી સર્જાઈ છે. સમગ્ર ગ્રામ્ય પંથકમાં જાણે કે જળપ્રલય આવ્યો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. જોકે, દ્વારકામાં ગઈકાલ રાતથી મેઘરાજાએ વિરામ લીધો હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે આજે આણંદના બોરસદમાં મેઘરાજા ધડબડાટી(Heavy rain in Gujarat) બોલાવી છે. અહીં બે કલાકમાં 8 ઈંચ કરતા વધુ વરસાદ પડ્યો છે. તો 4 કલાકમાં 13 ઈંચ કરતા વધુ વરસાદ પડતા ચારેકોર પાણી-પાણી થઈ ગયું છે. તેમજ કચ્છ, જુનાગઢ, દ્વારકા, જામનગર, સુરત, આણંદ જેવા કેટલાય જિલ્લાઓમાં ભારે વરસાદને પગલે પૂરની સ્થિતિ બની છે.

ગુજરાતમાં મંગળવારના રોજ સમગ્ર રાજ્યમાં મેઘમહેર જોવા મળી છે. છેલ્લા 24 કલાકમાં 206 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. સુરત જિલ્લામાં આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ ઉદ્ભવી છે. સમગ્ર સુરત જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી હતી. સુરત જિલ્લાના ઉમરપાડામાં 11 ઈંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે. ત્યારે જાણો રાજ્યમાં ક્યાં કેટલો વરસાદ નોંધાયો છે.

છેલ્લા 24 કલાકના વરસાદના આંકડા
સુરત જિલ્લાના ઉમરપાડામાં 11 ઈંચ, પલસાણામાં 10 ઈંચ, ખેરગામમાં સાડા 9 ઈંચ, કામરેજમાં 8 ઈંચથી વધુ, બારડોલીમાં 8 ઈંચ, માંગરોળ અને સુરત શહેરમાં સાડા 6 ઈંચ, મહુવામાં 6 ઈંચ, માંડવી અને ચોર્યાસીમાં સાડા ચાર ઈંચ અને ઓલપાડમાં પોણા બે ઈંચ વરસાદ ખાબક્યો છે.

વરસાદના પગલે આ શહેર પાણીમાં ગરકાવ
આ સાથે જ ખેરગામમાં પોણા 10 ઈંચ, વિસાવદરમાં પોણા 9 ઈંચ, દ્વારકામાં 189 મીમી, વઘઈમાં 185 મીમી, વ્યારામાં 7 ઈંચ, વાંસદામાં 170 મીમી, નવસારીમાં 164 મીમી, જોડિયામાં 158 મીમી, કચ્છના માંડવીમાં 154 મીમી, ડાંગ-આહ્વામાં 154 મીમી, મુંદ્રામાં 152 મીમી, ડોલવણમાં 151 મીમી વરસાદ નોંધાયો છે.રાજ્યના 6 તાલુકામાં 8 ઈંચ કરતા વધારે, 19 તાલુકામાં 6 ઈંચ કરતા વધારે, 35 તાલુકામાં 4 ઈંચ કરતા વધારે, 66 તાલુકામાં 2 ઈંચ કરતા વધુ અને 92 તાલુકામાં એક ઈંચ કરતા વધારે વરસાદ ખાબક્યો છે.

બોરસદમાં નોંધાયો 314 મિમિ વરસાદ
આજે સવારના 6 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધીમાં રાજ્યના 167 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે વરસાદ બોરસદમાં નોંધાયો છે. બોરસદમાં 314 મિમિ વરસાદ નોંધાયો છે. જ્યારે નર્મદાના તિલકવાડામાં 178 મિમિ, ભરૂચમાં 165 મિમિ, છોટાઉદેપુરના નસવાડીમાં 133 મિમિ, ઝઘડિયામાં 118 મિમિ વરસાદ નોંધાયો છે.