આજે રાત્રે મેઘરાજા ગુજરાતને ઘમરોળશે: જાણો અરબી સમુદ્રમાં બનેલી સિસ્ટમથી ક્યાં પડશે વરસાદ

અમદાવાદ: રાજ્યમાં લોકો બફારાને લઈને ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ત્યારે હવામાન વિભાગે (Gujarat Weather Forecast) વરસાદને લઈને એક મોટી આગાહી કરી છે. અરબી સમુદ્રમાં ઉઠેલી હલચલ અને નૈઋત્યના ચોમાસા અંગે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ માહિતી આપી છે. અરબ સાગરની હલચલની ગુજરાતના હવામાન પર શું અસર થશે, તમેજ ગુજરાતમાં કયારથી વરસાદ ચાલુ થશે તે અંગે માહિતી (Gujarat Meteorological Department) આપી છે.

હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી (Paresh Goswami) એ હવામાન અંગે અપડેટ આપતા જણાવ્યું હતું કે વેલમાર્ક લો પ્રેશર સુધી અરબ સાગરમાં એક સિસ્ટમ તૈયાર થઇ ચૂકી છે. અત્યારે તે સિસ્ટમ મહારાષ્ટ્રથી પશ્ચિમ દિશામાં અરબ સાગરની અંદર સક્રિય છે. જો કે આ સિસ્ટમ આજે એટલે કે 8 તારીખે સાંજે ડીપ ડિપ્રેશન સુધી પહોંચે તેવી શક્યતાઓ રહેલી છે. જેની અસર મહારાષ્ટ્રના કાંઠા વિસ્તારોમાં થશે તેમજ મુંબઇમાં વરસાદની ગતિવિધિમાં વધારો થશે.

રાજ્યમાં વરસાદને લઈને હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જણાવ્યું હતું કે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તાર અને દક્ષિણ ગુજરાતમાં પણ 9, 10થી લઇ 13 તારીખ સુધી વરસાદની શક્યતાઓ રહેશે. જો કે તેમના જણાવ્યું અનુસાર આ સિસ્ટમ  મુંબઇ ઉપર થઇને પસાર થવાની છે, પણ તેની અસર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં દેખાઈ શકે છે. આ સિસ્ટમને કારણે ગુજરાતમાં વરસાદ નોંધાશે. અમુક જગ્યાએ તીવ્રતા વધારે હોય તો વાવણી લાયક પણ થઇ શકે છે.

બીજી તરફ નૈઋત્યના ચોમાસાની વાત કરીએ તો, આ ચોમાસું સમય કરતાં બેથી ત્રણ દિવસ વહેલું ચાલી રહ્યું છે. હાલમાં આ ચોમાસું મહારાષ્ટ્રના અનેક વિસ્તારોને કવર કરી ચૂક્યું છે. હવે તે મુંબઇ તરફ આગળ વધી રહ્યું છે. મુંબઇમાં ચોમાસું પહોંચ્યા બાદ બે દિવસમાં જ ગુજરાતમાં ચોમાસું આવી શકે છે.  તેમના જણાવ્યા અનુસાર રાજ્યમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રથી ચોમાસાની શરૂઆત થશે. જો 13-14 તારીખથી ચોમાસાની શરૂઆત થાય તો બનાસકાંઠા સુધીના તમામ વિસ્તારોને કવર કરે ત્યાં સુધીમાં લગભગ 25-26 જૂન થઇ શકે છે.