75 લાખની ડીલ, 10 લાખ એડવાન્સ…અમેરિકા જવાના મોહમાં મહેસાણાનો યુવક 700 દિવસથી ગૂમ, જાણો વિગતે

Mehsana Incident: વિદેશના તેમાંપણ અમેરિકાના મોહમાં લોકો કેવા ઘેલા થયા છે તે વાતથી આપણે સૌ કોઈ વાકેફ છીએ. ટ્રમ્પના શાસનમાં ગેરકાયદેસર ભારતીયોને અમેરિકામાંથી (Mehsana Incident) તગેડી મૂકવાનું અભિયાન મોટાપાયે ચાલી રહ્યું છે. અત્યાર સુધી ચાર ફ્લાઈટમાં અનેક ભારતીયોને ભારત ભેગા કરી દેવાયા છે.

જેમાં પંજાબ અને ગુજરાતીઓની સંખ્યા વધારે છે. ગેરકાયદેસર રીતે પકડાયેલા ગુજરાતીઓ ગુજરાતમાં આવ્યા બાદ ક્યાંક ગાયબ થઈ ગયા છે. ત્યારે ગેરકાયદેસર માઈગ્રન્ટસની કહાનીમાં મહેસાણાના યુવકની કહાની વધુ દર્દનાક છે. મહેસાણાથી અમેરિકા જવા નીકળેલો મહેસાણાનો યુવક બે વર્ષથી લાપતા છે. પાટીદાર યુવકનો પરિવાર સાથે બે વર્ષથી કોઈ સંપર્ક નથી. પરિવારને આ યુવક ક્યાં છે, જીવિત છે કે નહિ તેની પણ ખબર નથી.

કુલ 9 વ્યક્તિ એજન્ટ મારફત અમેરિકા જવા નીકળ્યા હતા
મહેસાણાથી અમેરિકા જવા નીકળેલ મહેસાણાનો સુધીર પટેલ નામનો પાટીદાર યુવક બે વર્ષથી લાપતા છે. સુધીર પટેલ નામનો હેડુઆ ગામનો યુવક બે વર્ષ પહેલા એજન્ટ મારફત અમેરિકા જવા નીકળ્યો હતો. બે વર્ષ પહેલા ઉત્તર ગુજરાતમાંથી કુલ 9 વ્યક્તિ એજન્ટ મારફત અમેરિકા જવા નીકળ્યા હતા. એજન્ટ સાથે 75 લાખમાં અમેરિકા લઈ જવાની ડીલ થઈ હતી. ડોમિનિકા રૂટથી ખેડૂત પુત્રને અમેરિકા મોકલવાનો વાયદો કર્યો હતો. પરંતું તેમનો પુત્ર અમેરિકા પહોંચ્યો જ નથી. સુધીર પટેલ છેલ્લા બે વર્ષથી ગાયબ છે. પરિવાર સાથે તેનો કોઈ અત્તોપત્તો નથી.

અમેરિકાથી ડિપોર્ટ થયા દરેક લિસ્ટમાં પરિવાર તપાસ કરે છે
તો બીજી તરફ, એજન્ટ પણ સુધીર પટેલની કોઈ માહિતી આપી નથી રહ્યાં. બે વર્ષથી લાપતા યુવકનો પરિવાર રાહ જોઈ રહ્યો છે કે, તેમનો દીકરો પરત આવી જાય.

અમેરિકાથી ડિપોર્ટ થયા દરેક લિસ્ટમાં પરિવાર તપાસ કરે છે કે, ક્યાંક તેમનો પુત્ર તો તેમાં નથી ને. પરિવારે સરકાર અને દિલ્હી એમ્બેસીમાં પણ રજુઆત કરી છે. એજન્ટ વિરુદ્ધ ફરિયાદ બાદ 2 વર્ષથી કેસ ચાલી રહ્યો છે. એજન્ટે પરિવાર પાસેથી એડવાન્સમાં 10 લાખ પડાવ્યા હતા. યુવકના પરિવારે જમીન વેચી એજન્ટને 10 લાખ રૂપિયા ચૂકવ્યા હતા.