ગુજરાત(gujarat): છેલ્લા બે-ત્રણ દિવસથી સમગ્ર રાજ્યમાં ગરમીમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ત્યારે પ્રિ-મોન્સુન એક્ટિવિટી શરૂ થઈ રહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દક્ષિણ ગુજરાતમાં 25 મેથી વરસાદની સંભાવના છે. જ્યારે રાજ્યભરમાં આગામી 4-5 દિવસ ગરમીમાંથી રાહત મળશે અને તાપમાનનો પારો 2-3 ડિગ્રી ઘટવાની શક્યતા છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડ જિલ્લામાં હળવો વરસાદ થવાની સંભાવના છે. કેન્દ્રશાસિત પ્રદેશ દમણ તેમજ દાદરા અને નગરહવેલીમાં પણ સામાન્ય વરસાદ જોવા મળશે. આ દરમિયાન, અમદાવાદમાં તાપમાન 41 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની ધારણા છે.
ગુજરાતમાં આ વખતે ચોમાસું સામાન્ય રહે તેવું માનવામાં આવી રહ્યું છે. ખાનગી હવામાન આગાહી કરતી એજન્સી સ્કાયમેટના જણાવ્યા અનુસાર, ગુજરાતમાં હજુ પણ મેના અંત સુધી તીવ્ર ગરમી પડશે. પરંતુ, તેમાં થોડો વધારો અથવા ઘટાડો જોવા મળશે. 26 મેથી ચોમાસુ કેરળ પહોંચે તેવી શક્યતા છે. આવી સ્થિતિમાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં 10 થી 15 જૂન અને દક્ષિણ ગુજરાતમાં 15 થી 20 જૂન વચ્ચે ચોમાસું આવવાની શક્યતા છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ચોમાસું ભારતમાં આવી ગયું છે, જેમાં બંગાળની ખાડી અને આંદામાન અને નિકોબાર ટાપુઓનો સમાવેશ થાય છે. પ્રિ-મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે કેરળ, કર્ણાટકના દરિયાકાંઠાના વિસ્તારો અને મેઘાલય-આસામ-અરુણાચલ પ્રદેશમાં વરસાદ પડી રહ્યો છે. ઉત્તર-પશ્ચિમ તેમજ મધ્ય ભારતમાં ગરમીની તીવ્રતા ઘટવા લાગશે. દક્ષિણપશ્ચિમ ચોમાસું સત્તાવાર રીતે 27 મે અને 1 જૂનની વચ્ચે કેરળમાં પહોંચવાની ધારણા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.