હવે મેઘરાજા વિરામના મૂડમાં: ગુજરાતમાં છૂટોછવાયા વરસાદની હવામાન વિભાગની આગાહી

Gujarat Rain Update: ગુજરાત રાજ્યમાં હાલ મેઘરાજાએ વિરામ લીધો છે. વરસાદે વિરામ લેતાં લોકોએ પણ રાહતનો શ્વાસ લીધો છે. જો કે હવામાન વિભાગ દ્વારા છુટા છવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે રાજ્યના કેટલાક જિલ્લામા છૂટો છવાયો વરસાદ (Gujarat Rain Update) પડી શકે છે. આ સાથે જ હવામાન વિભાગે આગામી 5 દિવસ છૂટાછવાયા વરસાદની આગાહી કરી છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર અમદાવાદમાં છૂટા છવાયો વરસાદ પડી શકે છે. રાજ્યમાં સામાન્ય વરસાદ કરતા 51 ટકા વધુ વરસાદ નોંધાયો છે. જ્યારે સૌરાષ્ટ્ર તરફ 83 ટકા વધુ વરસાદ નોંધાયો છે. 

બંગાળની ખાડીમાં સર્જાયેલ લો પ્રેશર ધીમે થતા ગુજરાતમાં વરસાદનું જોર ઘટવા પામ્યું છે. જો કે હવામાન વિભાગે જણાવ્યું છે કે રાજ્યમા અઠવાડિયાનાં અંતમાં વરસાદ યથાવત રહેવાની શક્યતાઓ છે. આજે નહિ પરંતુ આવનારા પાંચ દિવસમાં ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર તેમજ કચ્છમાં વરસાદની શક્યતા રહેલી છે. હવે કોઈ પણ જિલ્લામાં રેડ એલર્ટ કે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું નથી. પરંતુ છૂટોછવાયો વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

આ સાથે જ હવામાન વિભાગે એમ પણ જણાવ્યું છે કે આગામી સમયમાં બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમ જો મધ્યપ્રદેશ સુધી આવે તો રાજ્યમાં ફરી વરસાદી માહોલ સર્જાય શકે છે.