‘અન્નદાતા’ને આકર્ષવામાં લાગી મોદી સરકાર, ચૂંટણી પહેલા આપી શકે છે મોટું પેકેજ

Published on: 5:46 am, Fri, 28 December 18

હાલમાં જ યોજાયેલી થયેલી વિધાનસભા ચૂંટણીમાં ભાજપને કારમી હારનો સામનો કરવો પડ્યો છે. હિન્દી હાર્ટલેન્ડના ત્રણ રાજ્ય મધ્‍ય પ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં પાર્ટી સત્તા ગુમાવી બેઠી, જેમાંથી બે રાજ્યોમાં તો પાર્ટી 15 વર્ષથી સત્તામાં હતી. ત્રણેય રાજ્યોમાં સત્તા આવતાં જ કોંગ્રેસે ખેડૂતોના દેવા માફીની જાહેરાત કરી દીધી છે.

એવામાં મોદી સરકાર પણ અન્નદાતાને આકર્ષવાની દિશામાં મોટું પગલું ઉઠાવવા જઈ રહી છે. સૂત્રોનું માનીએ તો 2019 લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખતા કેન્દ્ર સરકાર ખેડૂતો માટે અનેક પ્રકારના પ્રોત્સાહનોની તૈયારી કરી રહી છે. તેમાં મોટું નાણાકીય પેકેજ પણ સામેલ થઈ શકે છે.

સરકાર સાથે જોડાયેલા એક સૂત્રએ જણાવ્યું કે સરકાર ભાજપના નેતાઓ, સાંસદો તથા અન્ય સંબંધિત પાર્ટીઓની પ્રતિક્રિયા બાદ ગ્રામ્ય ક્ષેત્રીની આવક વધારવા માટે આ પ્રોત્સાહનોની જાહેરાત કરશે. તેઓએ કહ્યું કે કૃષિ મંત્રાલયે આ સંબંધમાં એક રિપોર્ટ તૈયાર કર્યો છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સામે રજૂ કરશે. તેમાં ખેડૂતોને પ્રભાવિત કરી રહેલા તથા કૃષિ ક્ષેત્રની ખરાબ સ્થિતિ માટે જવાબદાર વિભિન્ન કારણોના ટૂંકા ગાળાના અને લાંબા ગાળાના ટકાઉ સમાધાન અંગે ભલામણ કરવામાં આવી છે.

ભાજપ અધ્યક્ષ અમિત શાહે પણ ખેડૂતો મુદ્દે ચર્ચા માટે વડાપ્રધાન સાથે મુલાકાત કરી હતી. મંત્રાલયે સાત રાજ્યો દ્વારા કરવામાં આવેલી કૃષિ દેવા માફી, ઓડિશા જેવા રાજ્યોમાં ખર્ચ પર આપવામાં આવેલી છૂટ તથા તેલંગાનાની ઋતુ બંધુ યોજના સહિત રાજ્યોના વિભિન્ન મોડલોનું અધ્યયન કર્યું.

સૂત્રોએ કહ્યું કે, મંત્રાલયે વડાપ્રધાનની સાથે બેઠકમાં એક પ્રેઝન્ટેશન આપ્યું અને બેઠક દરમિયાન ખેડૂત સમુદાયની સામે આવી રહેલી મુશ્કેલીઓ તથા લોકસભ ચૂંટણી પહેલા તેમને આપવામાં આવી શકનારી રાહતો પર ચર્ચા કરી.