વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે (શુક્રવારે) ગુજરાતના સોમનાથ મંદિર ખાતે ઘણા નવા પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો. જેમાં સોમનાથ એક્ઝિબિશન ગેલેરી, સમુદ્ર દર્શન પાથ અને મંદિર સાથે જોડાયેલા અન્ય ઘણા પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે. આ કાર્યક્રમ દરમિયાન પીએમ મોદીએ પાર્વતી મંદિરનો શિલાન્યાસ પણ કર્યો હતો. આ મંદિર 30 કરોડના ખર્ચે બનશે.
PM મોદી સરદાર પટેલને કર્યા નમન:
પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે, આજે હું લોખંડી પુરુષ સરદાર પટેલ જીના ચરણોમાં પણ નમન કરું છું જેમણે ભારતના પ્રાચીન ગૌરવને પુનર્જીવિત કરવાની ઇચ્છા દર્શાવી હતી. સરદાર સાહેબ સોમનાથ મંદિરને સ્વતંત્ર ભારતની સ્વતંત્ર ભાવના સાથે સંકળાયેલ માનતા હતા.
વડાપ્રધાને સોમનાથને આપી આ ભેટો:
PM મોદીએ વધુમાં કહ્યું કે, આજે મને નવીનીકરણ બાદ નવા સ્વરૂપમાં સમુદ્ર દર્શન પાથ, સોમનાથ પ્રદર્શન ગેલેરી અને જુના સોમનાથ મંદિરનું ઉદ્ઘાટન કરવાનો લહાવો મળ્યો છે. આ સાથે આજે પાર્વતી માતા મંદિરનો શિલાન્યાસ પણ કરવામાં આવ્યો છે.
પ્રધાનમંત્રીએ અહિલ્યાબાઈ હોલકરને આપી શ્રદ્ધાંજલિ:
તેમણે કહ્યું કે, આજે હું લોકમાતા અહિલ્યાબાઈ હોલકરને પણ નમન કરું છું, જેમણે વિશ્વનાથથી સોમનાથ સુધી ઘણા મંદિરોનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. પ્રાચીનતા અને આધુનિકતાનો સંગમ જે તેમના જીવનમાં હતો. આજે દેશ તેને પોતાનો આદર્શ માનીને આગળ વધી રહ્યો છે.
વડાપ્રધાને કહ્યું કે સેંકડો વર્ષોના ઇતિહાસમાં આ મંદિર કેટલી વખત તૂટી ગયું, અહીંની મૂર્તિઓ તોડી નાખવામાં આવી, તેના અસ્તિત્વને ભૂંસી નાખવાના દરેક પ્રયાસ કરવામાં આવ્યા. તે શિવ છે જે વિનાશમાં પણ વિકાસના બીજને અંકુરિત કરે છે. વિનાશમાં પણ સૃષ્ટિને જન્મ આપે છે. તેથી શિવ અવિનાશી, અવ્યક્ત અને શાશ્વત છે.
પીએમ મોદીએ કહ્યું કે, શિવમાં આપણો વિશ્વાસ આપણને સમયની મર્યાદાઓ બહાર આપણા અસ્તિત્વનો અહેસાસ આપે છે. સમયના પડકારોનો સામનો કરવાની શક્તિ આપે છે. નાશ કરનાર દળો, આતંકના આધારે સામ્રાજ્ય ઉભું કરનારી વિચારસરણી અમુક સમયગાળામાં અમુક સમય માટે પ્રભુત્વ ધરાવી શકે છે. પરંતુ, તેનું અસ્તિત્વ ક્યારેય કાયમી હોતું નથી, તે માનવતાને લાંબા સમય સુધી દબાવી શકતું નથી.
તેમણે વધુમાં કહ્યું કે, આપણી વિચારસરણી ઇતિહાસમાંથી શીખીને વર્તમાનને સુધારવાની, નવું ભવિષ્ય બનાવવાની હોવી જોઇએ. તેથી જ્યારે હું ‘ભારત જોડો આંદોલન’ની વાત કરું છું, ત્યારે તેનો અર્થ માત્ર ભૌગોલિક અથવા વૈચારિક જોડાણ પૂરતો મર્યાદિત નથી. ભવિષ્યના ભારતના નિર્માણ માટે આપણને આપણા ભૂતકાળ સાથે જોડવાનો સંકલ્પ પણ છે. સાથે વડાપ્રધાન મોદીએ કહ્યું કે પશ્ચિમમાં સોમનાથ અને નાગેશ્વરથી પૂર્વમાં બૈદ્યનાથ, ઉત્તરમાં બાબા કેદારનાથથી દક્ષિણમાં ભારતના છેડે શ્રી રામેશ્વરમ સુધી, આ 12 જ્યોતિર્લિંગ સમગ્ર ભારતને જોડવાનું કામ કરે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.