ટીમ ઇન્ડિયાના હેડ કોચ બનવા માટે ધોની-મોદી અને શાહે પણ કરી અરજી! હજારો એપ્લિકેશનથી BCCI મુશ્કેલીમાં

India Head Coach Job: ભારતીય ક્રિકેટ ટીમના કોચ માટે BCCIને 3000 થી વધુ અરજીઓ મળી છે. અને તમે જાણીને ચોંકી જશો કે અરજી કરનારાઓમાં સચિન તેંડુલકર, એમએસ ધોનીથી લઈને નરેન્દ્ર મોદી, અમિત શાહ જેવા નામો સામેલ છે. એક રિપોર્ટ અનુસાર, મોદી-સચિન-ધોની જેવા પ્રખ્યાત લોકોના નામનો(India Head Coach Job) ઉપયોગ કરીને અરજી કરનારા લોકો નકલી યુઝર છે. ભારતીય પુરૂષ ક્રિકેટ ટીમના નવા કોચ માટે અરજી કરવાની છેલ્લી તારીખ 27 મે હતી.

ભારતીય ટીમના વર્તમાન કોચ રાહુલ દ્રવિડનો કાર્યકાળ માત્ર T20 વર્લ્ડ કપ સુધીનો છે. BCCI દ્રવિડના સ્થાને નવા કોચની શોધમાં છે. આ અંતર્ગત અરજીઓ મંગાવવામાં આવી હતી. આ માટે બોર્ડે તેની વેબસાઈટ પર ગૂગલ ફોર્મની લિંક આપી હતી, જેના દ્વારા અરજી કરવાની હતી.

સૂત્રોના જણાવ્યા અનુસાર 27 મે સુધી ભારતીય કોચ બનવા માટે 3000થી વધુ અરજીઓ મળી હતી. આમાંની ઘણી અરજીઓ માત્ર નામની છે. સચિન તેંડુલકર, નરેન્દ્ર મોદી જેવા લોકોના નામનો ઉપયોગ કરીને કરવામાં આવેલી અરજીઓને આ શ્રેણીમાં ગણવામાં આવી રહી છે.

આ અરજીઓ સંબંધિતના સવાલ પર બીસીસીઆઈના એક અધિકારીએ કહ્યું, ‘છેલ્લી વખતે પણ બીસીસીઆઈને આવી અરજીઓ મળી હતી. તેનું કારણ એ પણ છે કે બોર્ડે ગૂગલ ફોર્મ દ્વારા અરજીઓ મંગાવી હતી. તેનો ફાયદો એ છે કે ગૂગલ ફોર્મ દ્વારા મળેલી અરજીઓને સૉર્ટ કરવી સરળ છે. જો કે, કેટલાક લોકો બિનજરૂરી રીતે ખોટા નામથી અરજી કરીને મુશ્કેલીમાં વધારો કરે છે.

જોકે, બોર્ડના અધિકારીએ એ વાતનો ખુલાસો કર્યો નથી કે કોચ બનવા માટે કયા ખેલાડીઓએ ગંભીરતાથી અરજી કરી હતી. આ રેસમાં ગૌતમ ગંભીરનું નામ સૌથી આગળ માનવામાં આવે છે. પરંતુ ગંભીરે પણ આ અંગે કોઈ પ્રતિક્રિયા આપી નથી.