ક્રિકેટર મોહમ્મદ શમી (Mohammed Shami) ની પત્ની હસીન જહાંએ સુપ્રીમ કોર્ટ (Supreme Court) પાસે માંગ કરી છે કે ભારતમાં છૂટાછેડા પર એક સમાન કાયદો (Uniform Law on Divorce) હોવો જોઈએ. હસીન જહાં વતી દાખલ કરવામાં આવેલી અરજીમાં મુસ્લિમ સમુદાયમાં તલાક-ઉલ-હસનને રદ્દ કરવાની માંગ કરવામાં આવી છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, શમીની પત્ની વતી એડવોકેટ દીપક પ્રકાશે આ અરજી દાખલ કરી છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે હસીન જહાં તલાક-ઉલ-હસનની પ્રક્રિયાથી પીડિત છે જે અધિકારક્ષેત્રની બહાર છે. હકીકતમાં 23 જુલાઈ 2022 ના રોજ, ‘તલાક-ઉલ-હસન’ હેઠળ, મોહમ્મદ શમી દ્વારા જહાંને છૂટાછેડાની પહેલી નોટિસ મોકલવામાં આવી હતી.
હસીન જહાંના વકીલે કોર્ટને કહ્યું કે શમીની પત્ની શરિયત કાયદા હેઠળ કઠોર વ્યવહારથી પીડાઈ રહી છે. તેમણે કહ્યું કે તલાક-એ-બિદ્દત સિવાય અન્ય તલાક છે જે પુરુષોને તેમની પત્નીઓને છોડી દેવાની તક આપે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર અરજીકર્તાએ એમ પણ કહ્યું કે મુસ્લિમ પર્સનલ લો બોર્ડ શરિયત એપ્લિકેશન એક્ટ, 1937ની કલમ-2 ગેરબંધારણીય છે. તે બંધારણની કલમ 14, 15, 21 અને 25નું ઉલ્લંઘન કરે છે.
કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં હસીન જહાં વતી માંગ કરવામાં આવી હતી કે દેશમાં તલાક માટે એક સમાન કાયદો હોવો જોઈએ. હસીન જહાં કહે છે કે તલાક-ઉલ-હસન અને ન્યાયિક મર્યાદાની બહાર તલાકની અન્ય પરંપરાઓ જે મુસ્લિમોમાં શરિયત કાયદા હેઠળ ઉપલબ્ધ છે, તેને પણ રદ કરવી જોઈએ. સુપ્રીમ કોર્ટે હસીન જહાંની આ અરજી સ્વીકારી લીધી છે. આ મામલે કોર્ટે કેન્દ્ર સરકાર અને મહિલા આયોગને પણ નોટિસ પાઠવી છે.
શમી પર કયા આરોપો લાગ્યા?
વર્ષ 2018માં હસીન જહાંએ મોહમ્મદ શમી પર ઘરેલુ હિંસા અને મેચ ફિક્સિંગ સહિત અનેક ગંભીર આરોપો લગાવ્યા હતા. આ પછી બંને અલગ રહેવા લાગ્યા અને કોર્ટમાં કેસ ચાલતો હતો. જ્યારે મોહમ્મદ શમીએ તમામ આરોપોને નકારી કાઢ્યા છે. આ કેસમાં કોલકાતા પોલીસે વર્ષ 2018માં શમીની પણ પૂછપરછ કરી હતી. અલીપોર કોર્ટે ક્રિકેટર વિરુદ્ધ ધરપકડ વોરંટ પણ જારી કર્યું હતું. જોકે, બાદમાં વોરંટ પર સ્ટે મુકવામાં આવ્યો હતો. જે બાદ તેની પત્ની હસીન જહાંએ તેની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી.
હસીન જહાંએ અરજી દાખલ કરીને આરોપ લગાવ્યો હતો કે મોહમ્મદ શમી તેની પાસેથી દહેજ માંગતો હતો. હસીન જહાંએ પણ શમી પર ‘એક્સ્ટ્રા મેરિટલ અફેર’ના આરોપનું પુનરાવર્તન કર્યું હતું. તેણે દાવો કર્યો છે કે તેના ‘ગેરકાયદેસર સંબંધો’ હજુ પણ ચાલુ છે. અરજીમાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે “ખાસ કરીને બીસીસીઆઈના પ્રવાસો પર શમીના સેક્સ વર્કર્સ સાથે શારીરિક સંબંધો છે”.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.