દેશની રાજધાની દિલ્હી(Delhi)માં મંકીપોક્સ(Monkeypox)નો પહેલો કેસ નોંધાયો છે. આ દર્દીની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી(Travel history) નથી. અગાઉ કેરળ(Kerala)માં મંકીપોક્સના ત્રણ દર્દીઓ મળી આવ્યા છે. આ ત્રણેય દર્દીઓ યુએઈથી પરત ફર્યા હતા અને ત્યાં તેઓ સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવ્યા હતા.
દિલ્હીમાં મળી આવેલો નવો દર્દી મૌલાના આઝાદ મેડિકલ કોલેજમાં દાખલ છે. 31 વર્ષીય વ્યક્તિમાં સંક્રમણની પુષ્ટિ કરતા, આરોગ્ય મંત્રાલયે કહ્યું છે કે તેની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી. એટલે કે, અત્યાર સુધી મળી આવેલા ચાર દર્દીઓમાં આ પ્રકારનો આ પહેલો કેસ છે, જેમની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી. આ દર્દીને ખૂબ તાવ અને ચામડીના જખમ પછી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
અગાઉ 14 જુલાઈએ કેરળમાં મંકીપોક્સનો પહેલો કેસ નોંધાયો હતો. મંકીપોક્સના પ્રથમ કેસની પુષ્ટિ કેરળના આરોગ્ય પ્રધાન વીણા જ્યોર્જે પોતે કરી હતી. તે યુએઈથી પરત ફર્યો હતો. મંકીપોક્સના લક્ષણો દેખાતા તેમને કેરળની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી, પુણેમાં તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.
આ કેસના ચાર દિવસ પછી એટલે કે 18મી જુલાઈએ કેરળમાં બીજા કેસની પુષ્ટિ થઈ. આ વ્યક્તિ પણ દુબઈથી પરત ફર્યો હતો. આ પછી, 22 જુલાઈએ ત્રીજા કેસની પુષ્ટિ થઈ. ત્રણેય કેસમાં યુએઈ કનેક્શન હોવાનું બહાર આવ્યું હતું. આ દર્દીઓના સંપર્કમાં આવેલા લોકો પર નજર રાખવામાં આવી રહી છે.
વિશ્વભરમાં ઝડપથી ફેલાતા મંકીપોક્સને કારણે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) એ શનિવારે વૈશ્વિક સ્વાસ્થ્ય ઈમરજન્સી જાહેર કરી છે. ડબ્લ્યુએચઓના ડાયરેક્ટર-જનરલ ડૉ. ટેડ્રોસ અધાનમ ઘેબ્રેયસસે જણાવ્યું હતું કે મંકીપોક્સનો પ્રકોપ આંતરરાષ્ટ્રીય ચિંતાનો વિષય છે.
મંકીપોક્સ વાયરસના લક્ષણો:
જ્યારે તમે મંકીપોક્સ વાયરસથી સંક્રમિત થાઓ છો, ત્યારે તેના પ્રથમ લક્ષણો 5 થી 21 દિવસમાં દેખાવા લાગે છે. આ દરમિયાન તમને તાવ, માથાનો દુખાવો, સ્નાયુઓમાં દુખાવો, ધ્રુજારી, થાક, કમરનો દુખાવો જેવા લક્ષણો દેખાય છે. આ બધા લક્ષણો દેખાય પછી તેની અસર ત્વચા પર દેખાવા લાગે છે. શરીર પર પિમ્પલ્સ દેખાય છે. હાથ, પગ, હથેળી, પગના તળિયા અને ચહેરા પર નાના પિમ્પલ્સ દેખાવા લાગે છે.
શું મંકીપોક્સથી જીવ જઈ શકે છે?
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન અનુસાર, મધ્ય આફ્રિકામાં જ્યાં લોકોને પ્રાથમિક આરોગ્ય સુવિધાઓ પણ નથી, ત્યાં આ વાયરસથી સંક્રમિત 10 લોકોમાંથી માત્ર એક જ વ્યક્તિનું મૃત્યુ થઈ શકે છે. જો કે, મંકીપોક્સના ઘણા કિસ્સાઓમાં, દર્દી થોડા અઠવાડિયામાં સ્વસ્થ થઈ જાય છે.
શું આનો કોઈ ઈલાજ છે?
હજુ સુધી મંકીપોક્સ વાયરસની કોઈ ચોક્કસ સારવાર બહાર આવી નથી. આવી સ્થિતિમાં, આ વાયરસથી સંક્રમિત લોકોએ પોતાને અન્ય લોકોથી દૂર રાખવું જરૂરી છે જેથી આ વાયરસ ફેલાય નહીં.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.