ભરઉનાળે જામ્યું ચોમાસુ: આગામી 24 કલાક રાજ્યમાં કડાકાભડાકા સાથે તૂટી પડશે વરસાદ; સૌરાષ્ટ્ર અને દ. ગુજરાત માટે બે દિવસ ભારે

Gujarat Weather Forecast: ગઈ કાલે વરસાદે રાજ્યના ઘણા ભાગોને ધમરોળ્યું હતું. આંધી, તુફાન સાથે વરસાદ આવ્યો હતો. જેનાથી ઘણા ખેડૂતોને પાકમાં નુકશાન પણ થયેલું જોવા મળે છે. રાજ્યમાં કમોસમી વરસાદથી ઉનાળુ પાકને મોટા પાયે નુકસાન થયું છે. પંચમહાલ જિલ્લામાં પવન અને માવઠાને(Rain Forecast) કારણે બાજરી, મગ સહિત ઘાસચારાને મોટા પાયે નુકસાન થયું છે.ગોધરા, કાલોલ તાલુકાનાં વિસ્તારમા ઉનાળુ ખેતી પાકને મોટા ભાગે નુક્શાન થયું છે.સાથે જ અમદાવાદ, સુરત, રાજકોટ, ભરૂચ, અમરેલી, સુરેન્દ્રનગર, જૂનાગઢ, ભાવનગર, વલસાડ સહિત જિલ્લાઓમાં વૃક્ષો ધારાશાયી થવાની સાથે ઠેર-ઠેર લાગેલાં હોડિંગ્સ અને બેનરો ફાટ્યાં હોવાનાં દૃશ્યો સામે આવ્યાં છે.તો બીજી તરફ કમોસમી વરસાદને લઈને ખેડૂતોમાં ચિંતાનો માહોલ છવાયો છે.

જયારે ફરી હવામાન વિભાગ (Gujarat Weather Forecast) દ્વારા સમગ્ર ગુજરાત રાજ્યમાં આગામી 24 કલાક માટે ગાજવીજ સાથે વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે. વીજળીના ભારે કડાકાભડાકા સાથે સામાન્યથી મધ્યમ વરસાદ વરસી શકે છે. આગામી 24 કલાક અનેક જિલ્લામાં વીજળી અને વરસાદને કારણે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આજે અને કાલે એમ બે દિવસ વીજળી અને વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

ક્ષિણ ગુજરાતમાં ખેડૂતના તૈયાર પાકને નુકસાન
અમદાવાદમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે ગરમીનું પ્રમાણ 42 ડિગ્રી સેલ્સિયસ રહેતાં શહેરીજનોને બફારાનો અનુભવ થશે. ગઈકાલે સમગ્ર ગુજરાતમાં અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં પલટો દેખાયો હતો. હવામાન વિભાગ દ્વારા પહેલાંથી જ 16 મે સુધી પવન સાથે કમોસમી વરસાદની આગાહી કરી દેવામાં આવી હતી. દક્ષિણ ગુજરાતમાં મિની વાવાઝોડા જેવી સ્થિતિ ઊભી થતા ખેતીના પાકોને ભારે નુકસાન થયું છે. ગુજરાતમાં ભારે પવન ફુંકાતા અને વરસાદ થતાં ખેડૂતને તૈયાર પાક પરથી હાથ ધોવાનો વારો આવ્યો છે.

18 વૃક્ષ તૂટી પાડ્યા હતા
શહેરના અલગ અલગ વિસ્તારમાં કુલ 18 વૃક્ષ તૂટી પાડ્યા હતા. સેન્ટ્રલ ઝોનમાં 4, રાંદેર 9, લિંબાયત 1, કતારગામ 3 અને વરાછામાં 1 ઝાડ પડ્યું હતું. ફાયરના કર્મચારીઓ આખી રાત દોડતા રહ્યાં હતાં. અડાજણમાં એક મહાકાય વૃક્ષ ઘર પર પડ્યું હતું. જેના લીધે ભારે નુકસાની થઈ હતી. ફાયર ઓફિસર સંપત સુથારે જણાવ્યું હતું કે, અડાજણની સુગમ સોસાયટીમાં વૃક્ષ ઘર પર તૂટી પડ્યું હતું. જેના પગલે 3થી 4 લાખનું નુકસાન થયું હતું. કોઈ જાનહાનિ થઈ નથી.

ગુજરાતમાં ચાર દિવસ સુધી પડશે વરસાદ
રાજ્યમાં હજુ પણ આગામી ત્રણ દિવસ વિવિધ જિલ્લાઓમાં વરસાદની શક્યતા છે. એમાં આજે એટલે કે 14 મેના રોજ સમગ્ર ગુજરાત રાજ્યમાં ગાજવીજ સાથે ભારે પવન ફૂંકાશે અને વરસાદ વરસી શકે છે. આવતીકાલે 15 મેના રોજ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં ગાજવીજ સાથે સામાન્ય વરસાદની શક્યતા છે, જેમાં દક્ષિણ ગુજરાતમાં નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા અને નગર-હવેલીમાં તથા સૌરાષ્ટ્રમાં મોરબી, રાજકોટ, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, દીવમાં વરસાદની શક્યતા છે.

16 મેના રોજ રાજકોટ, અમરેલી, ગીર સોમનાથ, દીવ સહિત દક્ષિણ ગુજરાતમાં તાપી, વલસાડ, નવસારી, ડાંગ, દમણ અને દાદરા અને નગર-હવેલી, 17 મેના રોજ પણ દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતા છે, એટલે કે આગામી ચાર દિવસ હજુ પણ ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદી માહોલ યથાવત્ રહેશે.

આજે 40 કિમીની ઝડપે ફૂંકાશે પવન
આજ રોજ પણ હવામાન વિભાગે અમદાવાદમાં વરસાદની શક્યતા વ્યક્ત કરી છે, પરંતુ વાદળછાયા વાતાવરણને કારણે અને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ઓછી ઝડપે ગરમ ભેજયુક્ત પવનો ફૂંકાઈ શકે છે, જેને કારણે ઉકળાટ અનુભવાશે. ખાસ કરીને બપોરના 3 વાગ્યાથી સાંજના 7 વાગ્યા સુધી મહત્તમ તાપમાન રહેશે.