એકસાથે ધો.12 બોર્ડની પરીક્ષા આપવા જાય છે અ’વાદી માં-દીકરી… હવે સાથે કોલેજ પણ કરશે

વિદ્યાર્થીઓ સ્કૂલ સમયમાં બનેલા મિત્ર સાથે જ કોલેજ અભ્યાસ કરવા ઇચ્છતા હોય છે. દરેક વિદ્યાર્થીની ઈચ્છા હોય છે કે તે તેમના સ્કૂલના મિત્રો સાથે જ…

વિદ્યાર્થીઓ સ્કૂલ સમયમાં બનેલા મિત્ર સાથે જ કોલેજ અભ્યાસ કરવા ઇચ્છતા હોય છે. દરેક વિદ્યાર્થીની ઈચ્છા હોય છે કે તે તેમના સ્કૂલના મિત્રો સાથે જ કોલેજ કરે. ત્યારે અત્યારે અમદાવાદમાં ચાલી રહેલી બોર્ડની પરીક્ષામાં એક માતા અને દીકરી સાથે પરીક્ષા આપી રહ્યા છે. તેમની સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, રિઝલ્ટ આવ્યા બાદ બંને  એક સાથે એક જ કોલેજમાં એડમિશન લેવાનું નક્કી કર્યું છે.

માતાનું એવું માનવું છે કે, ભણવા માટે કોઈ ઉંમર હોતી નથી, નાપાસ થાય છતાં ફરીથી પ્રયત્ન કરવો જોઈએ. હાર માનીને આપઘાત કે અન્ય કોઈ પગલું ના ભરવું જોઈએ. અમદાવાદમાં આવેલા વાડજમાં રહેતા મોનિકાબેન (34 વર્ષ) તેમની દીકરી ડોલી (17 વર્ષ) સાથે 12 કોમર્સની પરીક્ષા આપી રહ્યા છે.

મોનિકાબેન એક્સટર્નલ તરીકે પરીક્ષા આપી રહ્યા છે ત્યારે ડોલી નિયમિત સ્કૂલની વિદ્યાર્થીની છે. બંનેએ સાથે જ ત્યારી કરી અને હવે સાથે જ પરીક્ષા આપી રહ્યા છે. મોનિકાબેને લગ્ન પહેલા 7માં ધોરણ સુધીનો જ અભ્યાસ કર્યો હતો. પતિ ભણેલા હોવાથી પ્રોત્સાહન સાથે તેમણે ફરીથી ભણવાનું શરૂ કર્યું છે.

મોનિકાબેને ધોરણ 10ની બોર્ડની પરીક્ષા 2015માં પાસ કરી હતી ત્યારે હવે 2023માં ધોરણ 12 કોમર્સની પરીક્ષા આપી રહ્યા છે. મોનિકાબેન સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, હું પિયરમાં હતી ત્યારે મા-બાપે મને ઓછી ભણાવી હતી. પણ મારા પતિએ એમ.કોમ, બીએડ સુધીનો અભ્યાસ કર્યો છે. મને ભણવા માટેની પ્રેરણા તેમનાથી જ મળી છે. હું 12 પાસ કરીને મારી દીકરી સાથે કોલેજ કરીશ અને ગ્રેજ્યુએશન કરીને ટીચર બનવાનું મારુ સપનું છે તે પણ હું પૂરું કરીશ.

ત્યારે ડોલી સાથે વાત કરવામાં આવી ત્યારે તેણે જણાવ્યું હતું કે, મારે કોઈ ખાસ ફ્રેન્ડ નથી મારી માતાને જ મેં ફ્રેન્ડ બનાવ્યા છે. ધોરણ 12 પછી અમે સાથે ગ્રેજ્યુએશન કરીશું. મારી મા જ મારી બેસ્ટ ફ્રેન્ડ છે અને તેની સાથે કમ્ફર્ટ ફિલ થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *