જામનગરમાં કારે ટક્કર મારતા મોટરસાયકલ સવાર દંપતીનો અકસ્માત; પત્નિનું ઘટના સ્થળે મોત, પતિ ગંભીર

Jamnagar Accident: જામનગર શહેર અને જિલ્લામાં અકસ્માતોની હારમાળા સર્જાઇ છે, અને દિનપ્રતિદિન વાહન અકસ્માતના બનાવો વધી ગયા છે, જયારે વાહન અકસ્માતમાં (Jamnagar Accident) મૃત્યુ થવાના કિસ્સા પણ વધી રહ્યા છે. આવો જ એક અકસ્માત ગઈકાલે સવારે જામનગર ખંભાળિયા ધોરીમાર્ગ પર બન્યો હતો, અને સ્કોર્પિયો કાર અને લ્યુના મોપેડ વચ્ચેના અકસ્માતમાં ખંભાળિયાનું દંપતી ઘાયલ થયા પછી બંનેના મૃત્યુ નીપજ્યા છે.

અકસ્માતમાં પતિ પત્નીનું મોત
આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે ખંભાળિયામાં શક્તિ નગર વિસ્તારમાં રહેતા રત્નાભાઇ રામાભાઇ પરમાર (48) કે જેઓ પોતાના લ્યુના મોપેડ માં ગઈકાલે સવારે પોતાના પત્ની કારીબેન રત્નાભાઇ પરમાર (40) ને બેસાડીને ખંભાળિયાથી નીકળીને જામનગર તરફ આવી રહ્યા હતા, જે દરમિયાન સાડા આઠ વાગ્યાના અરસામાં ગોરધનપર ગામના પાટીયા પાસે જીજે 3 એમ.આર 5 નંબરની સ્કોર્પિયો કારના ચાલાકે મોપેડને હડફેટમાં લઈ લીધું હતું.

જે ગોજારા અકસ્માતમાં મોપેડની પાછળ બેઠેલા કારી બેનનું ગંભીર ઇજા થવાના કારણે ઘટના સ્થળે જ કરુણ મૃત્યુ નીપજ્યું હતું. બીજી તરફ તેમના પતિ રત્નાભાઇ કે જેઓ ગંભીર સ્વરૂપે ઘાયલ થયા હતા, અને તેઓને સારવાર માટે જામનગરની સરકારી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા, જ્યાં માત્ર થોડી સારવાર દરમિયાન તેઓનું પણ મૃત્યુ નીપજ્યું હતું. જેથી ઉપરોક્ત અકસ્માતમાં બંનેનો ભોગ લેવાયો હતો.,

ર્પિયો ચાલકની શોધખોળ હાથ ધરી
આ અકસ્માતના બનાવ અંગે ખંભાળિયામાં રહેતા મૃતક કારી બેન ના ભાઈ જયંતીભાઈ રવજીભાઈ વાઘેલાએ સિક્કા પોલીસ મથકમાં સ્કોર્પિયો જીપ ના ચાલક સામે ફરિયાદ નોંધાવતાં સિક્કાના એ.એસ.આઈ. સી.ટી. પરમાર બનાવના સ્થળે તેમજ જામનગરની સરકારી જીજી હોસ્પિટલમાં દોડી ગયા હતા, અને બંનેના મૃતદેહોનો કબજો સંભાળી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી જ્યારે વાહન ના નંબર ના આધારે સ્કોર્પિયો ચાલકની શોધખોળ હાથ ધરી છે.