Mundeshwari Devi Mandir: ભારતના ઘણા મંદિરો ધાર્મિક આસ્થાના કેન્દ્રો છે, ત્યારે આજે અમે તમને બિહારમાં માતાના એક એવા સ્થાન વિશે જણાવીશું જેના વિશે એવું કહેવામાં આવે છે કે અહીં આજે પણ ચમત્કારો થાય છે. જી હા… અમે વાત કરી રહ્યા છીએ મા મુંડેશ્વરી મંદિરની(Mundeshwari Devi Mandir). અહીં આવનારા ભક્તો પોતાની ઈચ્છા સાથે માતાના દર્શન કરે છે અને એવી માન્યતા છે કે માતા દરેક ભક્તની મનોકામના પૂર્ણ કરે છે. બિહારના કૈમૂર જિલ્લામાં માતા મુંડેશ્વરીનું પ્રાચીન મંદિર છે. અહીં સાત્ત્વિક રીતે બલિ આપવામાં આવે છે, બલિ બાદ બકરો જીવિત જ રહે છે. અહીં જે ભક્તોની બાધા પૂરી થાય છે તેઓ પોતાની સાથે બલિ માટે બકરો લઈને આવે છે.
નાગા શૈલીમાં આ મંદિર બનેલું છે
માતા મંદિર કૈમૂર જિલ્લાના ભગવાનપુર અંચલમાં 608 ફૂટની ઊંચી પવરા પહાડી પર સ્થિત છે. માતા મુંડેશ્વરી મંદિર ન્યાસ સમિતિના કોષાધ્યક્ષ ગોપાલ કૃષ્ણ જણાવે છે કે 635 ઈસા પૂર્વ જ્યારે ચરવૈયા પહાડો ઉપર આવતા હતા એ દરમિયાન આ મંદિર જોવામાં આવ્યું હતું. મંદિરને જે ડિઝાઇનમાં બનાવવામાં આવ્યું એ નાગા શૈલીમાં છે. આ શૈલી વર્ષો જૂની છે. એ સમયે કયા રાજાનું શાસનકાળ હતું, આ અંગે કોઈ જાણકારી નથી. મંદિર પરિસરમાં સ્થિત શિલાલેખો દ્વારા મંદિરનો ઇતિહાસ જાણી શકાય છે. 1868થી 1904ની વચ્ચે અનેક બ્રિટિશ અને પ્રવાસીઓ અહીં આવી ચૂક્યા છે. મંદિરની પ્રાચીનતાનો આભાસ અહીં મળેલી મહારાજા દુત્તગામની મુદ્રાથી પણ થાય છે, જે બૌદ્ધ સાહિત્ય પ્રમાણે અનુરાધાપુર વંશનો હતો અને ઈસા પૂર્વ 101-77માં શ્રીલંકાનો શાસક હતો.
મંદિરમાં બલિ આપવામાં આવે છે, પરંતુ લોહી વહેતું નથી
મુંડેશ્વરી મંદિરની વિશેષતા છે કે અહીં બકરાની બલિ આપવામાં આવે છે, પરંતુ બલિને મારવામાં આવતો નહીં. અહીં બલિની સાત્ત્વિક પરંપરા છે. જ્યારે ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે ત્યારે તેઓ અહીં બલિસ્વરૂપે બકરો ચઢાવે છે. મંદિર અંગે માન્યતા છે કે ચંડ-મુંડ અસુરોનો નાશ કરવા માટે દેવી પ્રગટ થઇ હતી. ચંડના વધ બાદ મુંડ રાક્ષસ આ પહાડીમાં છુપાઇ ગયો હતો અને અહીં જ માતાએ તેનો વધ કર્યો હતો. માટે જ આ દેવીને મુંડેશ્વરી માતા કહેવામાં આવે છે. બલિ માટે જ્યારે બકરાને માતાની પ્રતિમા સામે લાવવામાં આવે છે ત્યારે પૂજારી ચોખાના થોડા દાણા મૂર્તિને સ્પર્શ કરાવીને બકરા ઉપર નાખે છે. ત્યાર બાદ બકરો બેભાન થઇ જાય છે. થોડીવાર પછી પૂજા બાદ પૂજારી ફરીથી બકરા ઉપર ચોખા નાખે છે ત્યારે એ ભાનમાં આવે છે. એ પછી એને મુક્ત કરી દેવામાં આવે છે અથવા ભક્તોને પાછો આપી દેવામાં આવે છે.
સદીઓથી રક્તહીન બલિની પ્રથા શરૂ છે
મંદિરનો ઇતિહાસ એવો છે કે તેના અંગે કોઈ યોગ્ય જાણકારી આપી શકતું નથી. હાલ માત્ર પહાડી ઉપર મંદિરનું ગર્ભગૃહ છે. જ્યારે પહેલાંના સમયમાં ચારેબાજુ મંદિરો બનેલાં હતાં અને મોટું સ્ટ્રક્ચર હતું, જેને મુઘલ શાસકોએ તોડી નાખ્યું હતું. આજે પણ એના અવશેષ અહીં જોવા મળે છે.
માતા પ્રતિમા આવી છે
મંદિરમાં દુર્ગા માતાના વૈષ્ણવી સ્વરૂપને જ માતા મુંડેશ્વરી તરીકે સ્થાપિત કરવામાં આવ્યું છે. મુંડેશ્વરીની પ્રતિમા વારાહી દેવીની પ્રતિમાસ્વરૂપે છે, કેમ કે તેમનું વાહન મહિષ છે. આ મંદિરનું મુખ્ય દ્વાર દક્ષિણ દિશા તરફ છે. થોડા ઇતિહાસકારો પ્રમાણે, આ મંદિર 108 ઈસવીમાં બનાવવામાં આવ્યું હતું. એનું નિર્માણ શક શાસનકાળમાં થયું હતું. આ શાસનકાળ ગુપ્ત શાસનકાળ પહેલાંનો સમય માનવામાં આવે છે. મંદિર પરિસરમાં થોડા શિલાલેખ બ્રાહ્મી લિપિના છે. જ્યારે ગુપ્ત શાસનકાળમાં પાણિનીના પ્રભાવને કારણે સંસ્કૃતનો ઉપયોગ કરવામાં આવતો હતો. અહીં 1900 વર્ષોથી સતત પૂજા થઇ રહી છે. મંદિરનું ગર્ભગૃહ અષ્ટાકાર છે. ગર્ભગૃહના ખૂણામાં દેવીની મૂર્તિ સ્થાપિત છે અને વચ્ચે ચર્તુમુખી શિવલિંગ છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App