સુરત: સિંગણપોરમાં આવેલા તરણકુંડમાં દારૂની મહેફિલ માણનારા પાલિકાના અધિકારીઓની કરવામાં આવી ધરપકડ

Swimming Pools of Surat: સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ કતારગામ સિંગણપોર સ્વિમિંગ પૂલની ઓફિસમાં દારૂની મહેફિલ માણતા હોઇ એક જાગૃત નાગરિકે રેડ પાડી વીડિયો(Swimming Pools of Surat) બનાવ્યો છે. ત્યારે રેડ પડતાં જ તમામ અધિકારીઓ ઊભી પૂંછડીએ ભાગ્યા હતા.જે બાદ આ અંગે પોલીસને જાણ કરતા પોલીસે તમામની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

દારૂ પાર્ટીના વિડીયો થયો વાયરલ
સુરતના સિંગણપોર વિસ્તારમાં આવેલા તરણકુંડમાં ગુરુવારે સાંજે ભારત-અફઘાનિસ્તાન વચ્ચેની મેચ જોતા જોતાં સુરત પાલિકાના અધિકારીઓ દારૂની મહેફિલ માણી રહ્યાં હતાં. ત્યારે સિંગણપોરની જનતા તેમજ સુરત મનપાના વોર્ડ નં. 7ના કોર્પોરેટર નરેન્દ્ર પાંડવે મીડિયા કર્મચારી સાથે મળીને દરોડા પાડ્યા હતા.

કોર્પોરેટર અને મીડિયા કર્મી સ્વીમીંગ પુલમાં પહોંચ્યા ત્યારે અંદર એક રૂમમાં પાલિકાના અધિકારીઓ લેપટોપ મેચ જોઈ રહ્યાં અને દારૂ પી રહ્યાં હતાં. મીડિયા કર્મીને જોઈ દારૂડિયા અધિકારીઓ ઉભી પૂંછડીએ ભાગ્યા હતા. મીડિયા કર્મીએ વીડિયો રેકોર્ડિંગ ઓન રાખતા દારૂની બોટલો, નોનવેજ અને ભાગતા અધિકારીઓ કેમેરામાં રેકોર્ડ થઈ ગયા હતા.જેના વિડીયો પણ વાયરલ થયા છે.

આ લોકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી
સ્વિમિંગ પૂલમાં દારૂની મહેફિલ માણવા મામલે સુરત સીંગણપોર પોલીસે પાંચ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધી છે. જેમાં પંકજ ગાંધી, તેજસ ખલાસી, સંજય ભગવાકર, પીનેશ સારંગ અને અજય શેલર નામના આરોપીઓ સામેલ છે. આરોપી પંકજ ગાંધી સીનિયર ઇન્સ્પેક્ટર, તેજસ ખલાસી સેવિંગ ઇન્સ્પેક્ટર અને પીનેશ સારંગ તેમજ અજય સેલર ઇન્સ્પેક્ટર તરીકે સુરત મહાનગર પાલિકામાં ફરજ બજાવે છે. તમામ આરોપીઓ વિરુદ્ધ ટૂંક સમયમાં સુરત મહાનગરપાલિકા દ્વારા એક્શન પણ લેવામાં આવી શકે છે.

પાલિકાના અધિકારીઓ વીડિયોમાં જોવા મળે છે
દારૂની મહેફિલ માણી રહેલા લોકોમાં ઇન્સ્પેક્ટર અને કોન્ટ્રાક્ટર સહિત સ્વિમિંગ કરવા આવેલા એક સભ્ય સાથે વોચમેન પણ હતો. તમામ પાલિકાના અધિકારીઓ છે અને ક્લાસ-3 અધિકારી તરીકે ફરજ બજાવે છે. જો કે, પોલીસને જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને તમામ અધિકારીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.