મુસ્લિમ ભાણીના હિંદુ મામાએ એવા લગ્ન કરાવ્યા કે જોતુ રહી ગયું આખું ગામ

Hindu-Muslim unity: 10 એપ્રિલનો દિવસ હતો. ઉત્તર પ્રદેશના મુજફરનગરમાં એક ડોક્ટર મુસ્લિમ દીકરીના લગ્નનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો. આ કાર્યક્રમમાં મુસ્લિમ જ નહીં પરંતુ હિન્દુ પરિવારએ પણ યોગદાન આપ્યું હતું. દુલ્હનના માનેલા હિન્દુ મામા એ ફક્ત નિકાની તમામ રસમો (Hindu-Muslim unity) ન નિભાવી પરંતુ દુલ્હન ના લગ્નને યાદગાર બનાવવા માટે તેની શાહી વિદાય પણ કરાવી હતી. જે કોઈએ પણ આ વિદાય જોઈ તે જોતાં જ રહી ગયા હતા.

હકીકતમાં હિન્દુ મામા રાહુલએ પોતાની માનેલી ભાણી ડોક્ટર આસમાની વિદાય હેલિકોપ્ટરથી કરાવી, જેનો ખર્ચ 8 થી 9 લાખ રૂપિયા જેટલો આવ્યો હતો. નિકાહના રીતી રિવાજો બાદ સાંજે આસમાએ પોતાના પતિ શાદાબ ત્યાગી સાથે સાસરીયા જવા ઉડાન ભરી હતી. આ ભાવુક અને ખુશીથી ભરેલી ક્ષણોને લોકોએ પોતાના મોબાઈલ ફોનમાં કેદ કરી હતી.

મુજફરનગર શહેર પાસે આવેલા ગામ ગુનિયાઝૂંડીના રાહુલ ઠાકોરનો પરવીનના પરિવાર સાથે ત્રણ પેઢીઓથી સંબંધ હતો. અબ્દુલ ખાલીકની પત્ની પરવીન અને રાહુલનો પરિવાર વર્ષોથી કુટુંબની જેમ જોડાયેલો હતો. બંને એકબીજાને ભાઈ બહેન માનતા હતા. પરવીનની દીકરી આસમા  લગ્ન સાદાબ ત્યાગી સાથે નક્કી થયા અને 10 એપ્રિલના રોજ નિકાહ ગોઠવવામાં આવ્યા હતા. મામાની ફરજ અદા કરતા રાહુલ ઠાકોરે તેના પરિવારમાં નિકાહની તમામ વિધિઓમાં સાથે રહ્યા હતા.

મોટી દીકરીના લગ્ન વખતે પણ મામાની ફરજ નિભાવી હતી
મામા રાહુલે જણાવ્યું કે આસમાની મોટી બહેનના લગ્નમાં પણ તેણે તમામ રીતિ રિવાજો નિભાવ્યા હતા. પરંતુ આ વખતે કંઈક ખાસ કરવાનું મન હતું. વિદાય માટે હેલિકોપ્ટરની વ્યવસ્થા કરવામાં આવી. તેના માટે તેઓ ઘણા દિવસથી તૈયારી કરી રહ્યા હતા. હેલિકોપ્ટરની લેન્ડીંગ અને ઉડાનને લઈને પ્રશાસન પાસેથી જરૂરી પરવાનગીઓ મેળવવામાં આવી હતી.