મ્યાનમારમાં 7.7ની તીવ્રતાનો ભૂકંપ: ઇમારત ધરાશાયી થતાં 80 લોકો દટાયા, 20નાં મોત

Myanmar Earthquake News: ભારતના પાડોશી દેશ મ્યાનમારમાં શુક્રવારે એક પછી એક બે જોરદાર ભૂકંપ આવ્યા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલૉજી અનુસાર રિક્ટર સ્કેલ પર (Myanmar Earthquake News) પહેલા ભૂકંપની તીવ્રતા 7.7 જ્યારે બીજાની 7.2 નોંધાઈ હતી. આ ભૂકંપના કારણે હજારો ઈમારતો ધ્રુજી ગઈ હતી. એટલું જ નહીં, મ્યાનમારમાં અનેક ઈમારતો ધરાશાયી થયાના પણ અહેવાલ છે. આ ભૂકંપ એટલો જોરદાર હતો કે, ભારતમાં ઉત્તર પ્રદેશ, બિહાર તેમજ ઉત્તર પૂર્વના રાજ્યોમાં તેના આંચકા અનુભવાયા હતા. આ ઉપરાંત થાઈલૅન્ડના બેંગકોકમાં પણ અનેક લોકોએ ધ્રુજારી અનુભવી હતી.

મ્યાનમારમાં 7.7 અને 7.2 ની ભારે તીવ્રતાવાળા બે ભૂકંપની અસર છેક ભારત, બેંગકોક સુધી જોવા મળી હતી. જોકે હવે તાજેતરના અહેવાલ અનુસાર આ ભૂકંપને કારણે બાંગ્લાદેશ પણ બાકાત રહ્યું નથી. બાંગ્લાદેશમાં પણ 7.3ની તીવ્રતાનો જોરદાર ભૂકંપ અનુભવાયો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. બાંગ્લાદેશમાં ભૂકંપના ભારે આંચકાને પગલે ઢાકા અને ચટગાંવ સહિત અનેક શહેરો હચમચી ગયા હતા.

બચાવ કર્મી દ્વારા જણાવવામાં આવેલા આંકડા અનુસાર, ભૂકંપના કારણે અત્યારસુધીમાં મ્યાનમારના માંડલેયમાં 20 અને ટૌગુમાં 5 લોકોના મોત નીપજ્યા છે. જ્યારે થાઈલેન્ડમાં ડઝનથી વધુ લોકો ઘવાયા છે. અને 43 લોકો ગુમ છે.

વડાપ્રધાને ચિંતા વ્યક્ત કરી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મ્યાનમાર અને થાઈલેન્ડમાં ભૂકંપ બાદની સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે, મ્યાનમાર અને થાઈલેન્ડમાં ભૂકંપ બાદની સ્થિતિ પર ચિંતિત છું. તમામ પ્રકારની સુરક્ષા માટે પ્રાર્થના કરી રહ્યો છું. ભારત સંભવિત તમામ સહાય કરવા માટે તત્પર છે. અમે આ સંદર્ભે પ્રશાસનને સતર્ક રહેવા આદેશ આપ્યા છે. વિદેશ મંત્રાલયે પણ મ્યાનમાર અને થાઈલેન્ડની સરકારના સંપર્કમાં છે. તમામ સુરક્ષિત રહે તેવી કામના કરી છે.

થાઈલેન્ડમાં ઈમરજન્સી જાહેર
થાઈલેન્ડમાં એરપોર્ટ પર લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. ફ્લાઈટ પણ કેન્સલ થઈ છે. થાઈલેન્ડના વડાપ્રધાને ભૂકંપ બાદ બેંગકોંકમાં ઈમરજન્સી લાદી છે. થાઈલેન્ડ અને મ્યાનમારમાં અફરાતરફરીનો માહોલ સર્જાયો છે. અનેક ઈમારતો આંખના પલકારે જમીનદોસ્ત થઈ છે. અનેક લોકો ગુમ છે. USGS એ હજારો લોકોના મોતની આશંકા વ્યક્ત કરી છે. મેઘાલયના ગારો હિલ્સમાં પણ 4.0 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. સોશિયલ મીડિયા પર ભૂકંપના અનેક વીડિયો વાઈરલ થયા છે. જેમાં ઊંચી ઊંચી ઈમારતો ભૂકંપના ઝાટકાથી પળભરમાં ધરાશાયી થઈ છે.