ગુજરાતમાં નામો લક્ષ્મી યોજનાનું સફળ અમલીકરણ; આટલી વિદ્યાર્થિનીઓ થઈ રજીસ્ટર, જાણો આ યોજના વિશે

Namo Lakshmi Yojana: ગાંધીનગરમાં આચારસંહિતા બાદ આજે પ્રથમ વખત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક યોજાય હતી. આ બેઠકમાં મોદી સરકારને અભિનંદન પાઠવ્યા હતા અને સાથે જ એક ભારત શ્રેષ્ઠ ભારતની પહેલ સાથે નવી સરકારને શુભેચ્છાઓ પાછવી હતી. કેબીનેટ બેઠકમાં નમો લક્ષ્મી યોજનાની સફળતાને લઈને પણ ચર્ચા કરાઈ હતી. જેમાં રાજ્ય સરકારે વર્ષ 2024-25ના બજેટમાં “નમો લક્ષ્મી” યોજના જાહેર કરી હતી. વર્ષ 2024-25ના પ્રથમ શૈક્ષણિક સત્રથી નમો લક્ષ્મી યોજના(Namo Lakshmi Yojana) અમલમાં મૂકવામાં આવી છે.

અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓના અભ્યાસ ખર્ચમાં સહાયરૂપ થવા તેમજ તેમના પરિવારને આર્થિક સહાય પૂરી પાડવા રાજ્ય સરકારે વર્ષ 2024-25ના બજેટમાં “નમો લક્ષ્મી” યોજના જાહેર કરી હતી. આ બેઠકમાં પ્રવક્તા મંત્રી ૠષિકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, દીકરીઓના અભ્યાસ ખર્ચમાં સહાયરૂપ થવા તેમજ પરિવારને આર્થિક મદદ મળે તે માટે સરકારે વર્ષ 2024-25ના બજેટમાં “નમો લક્ષ્મી” યોજના જાહેર કરી હતી.

રાજ્યની આશરે 5.31 લાખથી વધુ વિદ્યાર્થીનીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું
વધુમાં તેમણે જણાવ્યું હતું કે ધોરણ-9 થી ધોરણ-12માં અભ્યાસ કરતી વધુમાં વધુ વિદ્યાર્થિનીઓ આ યોજનાનો લાભ મેળવી શકે તે હેતુસર રાજ્ય સરકારે નવા શૈક્ષણિક સત્રથી જ નમો લક્ષ્મી યોજના અમલમાં મૂકી છે. ત્યારે આ યોજના અંતર્ગત સહાય મેળવવા માટે અત્યાર સુધીમાં રાજ્યની આશરે 5.31 લાખથી વધુ વિદ્યાર્થીનીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે, જેમાં મોટાભાગે ધોરણ 10 અને ધોરણ 12ની વિદ્યાર્થિનીઓનો સમાવેશ થાય છે. નવા શૈક્ષણિક સત્રમાં ધોરણ-9 અને ધોરણ-11ની વિદ્યાર્થીનીઓની પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ધોરણ-9 અને ધોરણ-11ની વિદ્યાર્થીનીઓનું પણ રજીસ્ટ્રેશન વધશે અને રજીસ્ટ્રેશનની સંખ્યામાં લગભગ બમણો વધારો થશે, તેમ તેમણેજણાવ્યું હતું.

તમને જણાવી દઈએ કે સરકારી, અનુદાનિત અને ખાનગી, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરનાર યોગ્ય પાત્રતા ધરાવનાર વિદ્યાર્થિનીઓને ધોરણ-9 અને 10 માટે વાર્ષિક 10 હજાર તેમજ ધોરણ-11 અને 12 માટે વાર્ષિક 15 હજારની સહાય આપવામાં આવશે. તેથી આમ આ યોજના હેઠળ ધોરણ-12 સુધીનો અભ્યાસ પૂર્ણ કરનાર દરેક વિદ્યાર્થીનીને કુલ 50 હજારની સહાય મળવાપાત્ર થશે. હાલ તો નમો લક્ષ્મી યોજનામાં વાર્ષિક 6 લાખની આવક મર્યાદા નક્કી કરવામાં આવી છે.

આ રીતે મળશે
ધોરણ ૯ અને ૧૦માં ૧૦ મહિના સુધી માસિક રૂપીયા 500-500 પ્રતિ વર્ષ મળશે અને બાકીના રૂપીયા 10 હજાર ધોરણ 10ની બોર્ડની પરીક્ષા પાસ કર્યા બાદ મળશે. તેમજ ધોરણ 11 અને 12માં 10 મહિના સુધી માસિક રૂપીયા 750-750 પ્રતિ વર્ષ મળશે, બાકીના રૂપીયા 15 હજાર ધોરણ 12ની બોર્ડની પરીક્ષા પાસ કર્યા બાદ મળશે.

નમો સરસ્વતી વિદ્યા અને સાધના યોજના
મુખ્યમંત્રીએ નમો સરસ્વતી વિદ્યા અને સાધના યોજના અંગે જણાવતા કહ્યું કે, રાજ્યના દીકરા દીકરીઓ વિજ્ઞાન પ્રવાહમાં ભણવા માટે પ્રોત્સાહિત થાય સાયન્સ સ્ટ્રીમમાં આગળ વધે તેવો હેતુ આ યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજનામાં ધોરણ 11 અને 12 સાયન્સમાં 10 મહિના સુધી માસિક રૂપીયા 1000 પ્રતિ વર્ષ, એમ કુલ રૂપીયા 20 હજાર મળશે, બાકીના રૂપીયા પાંચ હજાર ધોરણ ૧૨ સાયન્સની બોર્ડની પરીક્ષા પાસ કરવાથી મળશે.