ઝોએબ શેખ: હાં… મેં વો બિલ્કીસ હું… ઊંઘપ્રિય હું પરાણે આંખની પાંપણો દાબી, આંખ અને મનને અંધારે લઈ જવાના પ્રયત્નોમાં પડખા ફેરવી રહ્યો હતો. ત્યાં જ અચાનક કાળા કપડામાં એક સ્ત્રી મારી નજર સમક્ષ ઉપસ્થિત થઈ. બોલી…
હું બિલ્કીસ બાનુ(Bilkis Bano) ગુજરાત(Gujarat)ના દાહોદ(Dahod) જિલ્લાના રંધીકપુર(Randhikpur) ગામમાં રહેતી. 2002ના હુલ્લડમાં મારા પરિવારના 15 વ્યક્તિઓ સાથે જીવ બચાવવા ભાગી. સુરક્ષિત જગ્યાની શોધમાં છપ્પરવાડ ગામ પહોંચી. ત્યાં જ 20-30 પરિચિત લોકોએ જ મારા પરિવાર પર લાકડી, ડંડા અને જંજીરથી હુમલો કર્યો. આ હુમલામાં મારા પરિવારના સાત લોકો મારી નજર સામે તડપી તડપીને મરી ગયા. મારા ખોળામાં ત્રણ વર્ષની મારી માસુમ દીકરીને મારાથી ઝૂંટવી લઈને પથ્થર પર પટકી દીધી. હું પાંચ મહિનાની ગર્ભવતી હતી.
મારા પર દુષ્કર્મ આચરવામાં આવ્યું. મેં મારા હાથનું જોર ગુમાવી દીધું હતું. આંખો સામે મારી મરેલી દીકરી પડી હતી. થોડીક વાર પહેલા જ મને કહી રહી હતી “મમ્મી આ કાકા પાસે મારા માટે પાણી માંગ ને…” એ જ કાકાએ પથ્થર પર પટકીને જીવ કાઢી નાખ્યો. મારા ઉપર જંગલી બનીને તૂટી પડ્યો. એક પછી એક… હું મારી દીકરીના મૃતદેહ સામે જ બેભાન થઈ ગઈ. મારી માં સાથે બીજી ત્રણ મહિલા પર દુષ્કર્મ આચરવામાં આવ્યું. કાશ.. મને પણ મારી નાખી હોત.
ઝોએબ જેમ તને હમણાં ઊંઘ નથી આવતી, તેમ મને છેલ્લા 20 વર્ષથી ઊંઘ નથી આવતી. મેં હિંમત રાખી કેસ કર્યો. મને ધમકીઓ મળી. પોલીસે ડરાવી કે લોકો તને ઝેરનું ઇન્જેક્શન આપી મારી નાખશે. પોસ્ટમોર્ટમનો રિપોર્ટ બદલી નાખવામાં આવ્યો પણ મેં લડત ચાલુ રાખી. CBI દ્વારા ફરીથી તપાસ કરાવી. 2008માં હરામીઓને આજીવન કેદની સજા થઈ. મે ન્યાય મેળવ્યો.
રહેમરાહ કે એમના નવા બનેલા બાપની ચાહથી તાજેતરમાં હવસખોરો બહાર આવી ગયા. મને નવાઈ નથી લાગતી, કારણ કે એમને બચાવવા માટે ઘણા બધાએ એડીચોટીનું જોર લગાવેલ. હમણાં પણ તેમનું ફૂલહારથી સ્વાગત થાય છે, કારણ કે તેઓ એમનાં પિતાજીની ગેરહાજરીમાં પેદા થયેલાં હશે. તેમના માટે કદાચ આ સામાન્ય બાબત હશે. આમ પણ ઘણાં લોકો માટે હું મહિલા નથી પરંતુ મુસ્લિમ છું. ઘણા હિન્દુ ભાઈ-બહેનોએ મને સહકાર આપ્યો છે એટલે મુદ્દો ભટકાવી ધાર્મિક રંગ આપવાની કોઈ જરૂર નથી.
હું બિલ્કીસ હમણાં તમને જંજોડવા આવી છું. શું ભવાઈ માંડી છે તમે? આવેદનપત્ર આપી તમારી ચર્ચા કરાવો છો કે મને ન્યાય અપાવો છો? આવેદનપત્રનાં બહાને તમારી રોટલી ક્યાં સુધી શેકશો? આવેદનપત્ર આપતી વખતે લાલી, પાઉડર અને હસતા ચહેરાઓ સાથે ફોટા ક્યાં સુધી પડાવશો? આવેદનપત્રથી નુપુર શર્માનો વાળ પણ વાંકો નથી થયો, તે આવેદનપત્રથી તમે મને ન્યાય અપાવશો? તમારી બહેન દીકરી પર બળાત્કાર થશે ત્યારે પણ આવેદનપત્ર આપવા જશો? હું તમને ભડકાવતી નથી. આ બેનરો, પોસ્ટરો અને ચમકતા ચહેરા લઈ તમે કોને બતાવો છો? મારી છાતી ચિરાઈ ગઈ ને તમે રોડ પર છાતી કૂટો છો?
તમારી પત્ની બીજા જોડે વાત કરતી દેખાય તો તલ્લાક આપી દેનાર તમે, મારા મર્દ(પતિ) જોડેથી કંઈક શીખો કે સાથ-સહકાર કોને કહેવાય..!! નીકળી પડ્યા છો મારા નામે પોતાનો ઉલ્લુ સીધો કરવા. પેલા હરામીઓ જેવા લુખ્ખાઓ મેં મારા સમાજમાં પણ જોયા છે. 20 વર્ષમાં મેં 20 વાર ઘર બદલ્યું. લોકોએ તરછોડી. મારી સાથે વાત કરતાં શરમ આવતી. સમાજનાં ભવિષ્ય માટે એક નથી થતાં, તો મારા માટે ક્યાં એક થવાના હતા.??
જો ખરેખર મને ન્યાય અપાવો હોય તો કાયદાકીય અને રાજકીય રીતે સમાજને એટલો બુલંદ બનાવો કે નિર્ભયાનાં હત્યારાઓની માફક મારી દીકરીનાં હત્યારા અને મારા બળાત્કારીઓને ફાંસી મળે. બાકી રાતે મવાલીઓની પેઠે ઓટલે બેસી વાતો કરી ખાજો કે આપણું કોઈ નથી સાંભળતું.
આ હતી Zoeb Shaikhની કલમે ઘટનાની રાતની દર્દભરી કહાનીની વાત, જેમાં નરાધમે બિલ્કીસ બાનુની 3 વર્ષની દીકરીને પણ નહોતી છોડી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.