નરેન્દ્ર મોદી સૌરાષ્ટ્રની આ બેઠક પરથી લડી શકે છે ચૂંટણી, કોંગ્રેસના થશે સૂપડા સાફ

Published on: 4:46 am, Fri, 15 March 19

લોકસભાની 26 સીટ ના ઉમેદવારો જાહેર થાય એ પહેલા આધારભૂત સૂત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ ગુજરાતમાં 2017ની વિધાનસભાની ચૂંટણી બાદ પ્રથમ વખત જ ભાજપ બેકફૂટ પર છે. ખાસ કરીને સૌરાષ્ટ્રના અમરેલી જૂનાગઢ અને જામનગરમાં ભાજપને ઘણી મુશ્કેલીઓ છે જેને કારણે જ દિલ્હી ભાજપ હાઈકમાન્ડના માર્ગદર્શન હેઠળ તાજેતરમાં જ આ ત્રણેય જિલ્લાઓમાં કોંગ્રેસમાં તોડફોડ કરવામાં આવી હતી.

લોકસભા અંતર્ગત ગુજરાતની 26 બેઠકોમાંથી આ ત્રણ બેઠકો હાલમાં ભાજપ માટે જોખમી છે જ્યારે કોંગ્રેસને આ ત્રણેય બેઠકો જીતવા માટેની પૂરતી તક છે. ભાજપ હાઇકમાન્ડ આ બાબતને સારી રીતે જાણે છે માટે જ ભાજપે નક્કી કર્યું છે કે તે પોતાના સર્વશ્રેષ્ઠ અને ખૂબ જ લોકપ્રિય નેતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સૌરાષ્ટ્રના રાજકોટની બેઠક પરથી ચૂંટણી લડાવશે.

જેની પાછળનો તર્ક એવો છે કે જો મોદી રાજકોટની ચૂંટણી લડે તો તેમની લોકપ્રિયતાનો લાભ અન્ય ત્રણ બેઠકો અમરેલી જૂનાગઢ અને જામનગરને પણ મળી શકે તેમ છે. ભાજપને આ વખતે દેશભરમાં ખૂબ જ મુશ્કેલી છે એકલા હાથે કેન્દ્રમાં સરકાર રચવાનું અશક્ય હોવાનું નિષ્ણાંતો માની રહ્યા છે.

આવી સ્થિતિમાં ભાજપ ગુજરાતમાં પોતાનું નુકસાન ઘટાડવા માંગે છે જેના ભાગરૂપે જ નરેન્દ્ર મોદી સૌથી સક્ષમ લેતા હોવાથી તેમને જ રાજકોટની બેઠક પરથી ચૂંટણીના મેદાનમાં ઉતારીને બાકીની ત્રણ બેઠકો પણ જીતી લેવાના નિર્ધાર સાથે ભાજપ આગળનું પ્લાનિંગ કરી રહ્યું છે.

જોકે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજકોટની બેઠક પરથી જ ચૂંટણી લડશે એવી હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત થઇ નથી પરંતુ આ અંગે તમામ બાબતોની ચર્ચા વિચારણા થયા બાદ તેની સત્તાવાર જાહેરાત કરાશે.

સચિવાલયના સૂત્રો જણાવે છે કે જે મોદી રાજકોટ થી ચૂંટણી લડશે તો ગુજરાતમાં ભાજપ માટે જે નકારાત્મક માહોલ ઉભો થયો છે તેમાં ઘણેઅંશે સુધારો થઈ જશે જેનો સીધો ફાયદો ભાજપને થશે અને સૌથી વધુ નુકસાન કોંગ્રેસને થશે.