વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નાગરિક્તાની સાબિતી તેમનો ભારતમાં જન્મ લેવો છે. દેશમાં નાગરિક્તા સંશોધન કાયદા (CAA), નેશનલ રજીસ્ટર સિટીઝન (NRC) અને NPRના મુદ્દે વિરોધ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે આ જાણકારી RTI અંતર્ગત સામે આવી છે. સૂચનાના અધિકાર (RTI) અંતર્ગત માંગવામાં આવેલી જાણકારીમાં જણાવાયું છે કે, વડાપ્રધાન મોદી નાગરિક્તા અધિનિયમ 1955ના સેક્શન-3 અંતર્ગત જન્મથી ભારતના નાગરિક છે.
આ અંગે પાનીપતમાં રહેનારા પીપી કપૂરે RTI દાખલ કરીને ભારતના રાષ્ટ્રપતિ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમના મંત્રીમંડળમાં સામેલ મંત્રીઓના ભારતીય નાગરિક હોવા સબંધી પુરાવાના દસ્તાવેજ સહિતની માહિતી માંગી હતી.
જણાવી દઈએ કે, મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે શુક્રવારે જ NRC અને NPR વિરૂદ્ધ વિધાનસભામાં પ્રસ્તાવ પાસ કરવા સમયે ચર્ચા દરમિયાન જણાવ્યું કે, મારા પરિવાર અને મારી કેબિનેટ પાસે જન્મનો દાખલો જ નથી. આવી સ્થિતિમાં તમામ લોકોને NPR અંતર્ગત ડિટેન્શન સેન્ટરમાં મોકલી દેવામાં આવશે. આવો ડર દરેક લોકોને છે. મારી કેન્દ્ર સરકારને અપીલ છે કે, NPR અને NRC પર રોક લગાવવામાં આવે.
મુખ્યમંત્રી કેજરીવાલે વધુમાં જણાવ્યું કે, દિલ્હી વિધાનસભામાં 70 ધારાસભ્યો છે, પરંતુ માત્ર 9 ધારાસભ્યો પાસે જ તેમના જન્મનું પ્રમાણ પત્ર છે. કેજરીવાલે પૂછ્યું કે, 90 ટકા લોકો પાસે આ સાબિત કરવાન માટે કોઈ સરકારી જન્મનો દાખલો જ નથી. શું આ તમામ લોકોને ડિટેન્શન સેન્ટર મોકલવામાં આવશે?
અગાઉ કેરળના ત્રિશૂરમાં રહેનારા જોશ કલ્લૂવેટિસે રાજ્ય સૂચના વિભાગના પ્રમુખને અરજી કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નાગરિક્તા સાબિત કરવા માટે દસ્તાવેજ માંગ્યા હતા. અરજીમાં પૂછવામાં આવ્યુ હતું કે, એવા ક્યા ડોક્યુમેન્ટ છે, જેનાથી સાબિત થાય કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારતના નાગરિક છે. જણાવી દઈએ કે, કેરળ દેશનું પ્રથમ રાજ્ય હતું, જેણે નાગરિક્તા કાયદા વિરૂદ્ધ સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવ્યા હતા.